વર્ષ ૨૦૧૩માં નિયમો બનાવાયા છતાં લોકલ લેવલે તેની અમલવારી ન થતા સુપ્રીમની લાલ આંખ
સ્ત્રી સશક્તિકરણ અને મહિલા વર્ચસ્વની વાતો વચ્ચે કામ કરતી મહિલાઓ માટે વર્કપ્લેસ પર યૌન શૌષણ અટકાવતો કાયદો લાગુ નહીં કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજય સરકારને તેની જવાબદારીથી પીછેહઠ કરવા અંગેની નોટિસ ફટકારી છે. આ સહિત તેમને દરેક તાલુકાઓના આ પ્રકારના કેસો, ફરિયાદોનો નિવેડો લેવાનું પણ યાદ દેવડાવ્યું હતું. મહિલાઓની વર્ક પ્લેસ પર થતા યૌન શોષણને અટકાવવા પાર્લામેન્ટમાં વર્ષ ૨૦૧૩માં કાયદો બનાવવામાં આવ્યો હતો. તેમજ દરેક અધિકારીઓએ તેમના જિલ્લાઓના કેસો અંગેની કાર્યવાહી કરવાની સુચના અપાઈ હતી.
તેમજ જિલ્લાઓમાં તેના માટે લોકલ કમીટીની રચના કરવાની પણ વાત હતી. ત્યારે કર્મચારીઓની કમી છે તેવા બહાના બતાડવામાં આવ્યા હતા. જેનું અમલીકરણ કરવામાં અધિકતર રાજયો નિષ્ફળ નિવડયા હતા. આ મામલે એનજીઓ દ્વારા નિયમોના સુધારા અંગેની અરજી કરવામાં આવી હતી. અરજદાર તરીકે સંજય પારીખે ચીફ જસ્ટીસ દિપક મિશ્રા, એ.એમ.ખાન્વીલ્કર અને ડી.વાય.ચન્દ્રચુડને જણાવ્યું હતું કે, મહિલા કર્મચારીઓ માટેની સુરક્ષાના નિયમો હજુ ઘણા વિસ્તારો સુધી પહોંચ્યા નથી.
સરકારે લોકલ લેવલે તેની કામગીરી કરી નથી. માટે યૌન શૌષણ અટકાવવાના નિયમોને વેગ આપવો જોઈએ. જયાં સુધી જિલ્લાઓમાં, તાલુકાઓમાં દરેક સ્થળે નિયમોની અમલવારી નહીં થાય ત્યાં સુધી કશું થશે નહીં. બાદમાં સુપ્રીમ કોર્ટે સરકારને નોટીસ ફટકારી હતી.