લોકસભાની ચૂંટણીની કામગીરીથી ભાગતા કર્મચારીઓ અને અધિકારીઓ સામે જિલ્લા ચૂંટણી તંત્રની લાલઆંખ
ચુંટણીની ફરજમાં હાજર ન થયેલા જેટકોનાં ત્રણ કર્મચારીઓને જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત આ કર્મચારીઓને છાવરતાં કાર્યપાલક ઈજનેરને પણ જિલ્લા ચુંટણી તંત્રએ નોટીસ ફટકારી છે. લોકસભાની ચુંટણીની કામગીરીથી ભાગતા કર્મચારીઓ અને અધિકારીઓ સામે જિલ્લા ચુંટણી તંત્રએ લાલ આંખ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી રહ્યું હોવાથી ડાંડાઈ કરતા કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
જિલ્લા ચુંટણી તંત્રએ જેટકોનાં સિનિયર કલાર્ક ખોડાભાઈ લાખાભાઈ વણપરીયા, મનસુખભાઈ નાથાભાઈ સોલમીયા અને પાર્થ વિરેન્દ્રભાઈ દવેને બીએલઓ તરીકે હાજર રહેવાની સુચના આપી હતી જોકે આ કર્મચારીઓએ જિલ્લા ચુંટણી તંત્રના ઓર્ડરને અવગણીને ફરજ સ્થળે ગેરહાજરી રાખી હતી. બાદમાં તંત્ર દ્વારા ફરી તેઓની પ્રિસાઈડીંગ ઓફિસર અને પોલીંગ ઓફિસર તરીકે નિમણુક કરી હતી.
આ કામગીરીમાં પણ તેઓ હાજર રહ્યાં ન હતા. આમ આ ત્રણેય કર્મચારીઓએ ચુંટણીની કામગીરીમાં ડાંડાઈ દાખવીને તંત્રના ઓર્ડરનો અનાદર કર્યો હતો. જોકે આ ત્રણેય કર્મચારીઓના સિનિયર ગણાતા કાર્યપાલક ઈજનેરે ચુંટણી તંત્ર સમક્ષ એવી રજુઆત કરી હતી કે, ત્રણેય કર્મચારીઓ માટે ચુંટણીની બે-બે જવાબદારી સોંપવામાં આવી હોવાથી કામનો લોડ વઘ્યો છે જેથી કોઈ એક કામગીરીથી તેઓને બાકાત રાખવામાં આવે. જોકે હકિકતે આ કર્મચારીઓ બીએલઓની ફરજમાં હાજર થયા ન હતા. જેથી બાદમાં તેઓને ચુંટણીની અન્ય ફરજ સોંપાઈ હતી. આમ કાર્યપાલક ઈજનેરે જિલ્લા વહિવટી તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા ચુંટણીની કામગીરીમાં હાજર ન થયેલા આ ત્રણેય કર્મચારીઓને નોટીસ ફટકારી છે. ઉપરાંત તેઓને છાવરતાં કાર્યપાલક ઈજનેરને પણ નોટીસ ફટકારતા જેટકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ કર્મચારીઓ અને કાર્યપાલક ઈજનેરને તેઓની સામે કાર્યવાહી કેમ ન કરવી તેનો ખુલાસો આપવા માટે એક દિવસનો સમય પણ અપાયો છે. નોંધનીય છે કે, ચુંટણીની કામગીરીથી ભાગતા કર્મચારીઓ તેમજ અધિકારીઓ સામે જિલ્લા ચુંટણીતંત્ર કાયદેસરની કાર્યવાહી કરી રહ્યું છે. જેથી ડાંડાઈ કરતા કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.