તમામ ઇ-ધરાના કર્મચારીઓને બે મહિનાની અંદર તાલીમબદ્ધ કરવા આદેશ, બે મહિના બાદ મહેસુલ વિભાગ દરેક જિલ્લાની નોંધોના નિકાલની સમીક્ષા પણ કરશે
ઇ-ધરાની નામંજૂર થતી નોંધોના કારણોનું વિશ્લેષણ કરવા મહેસુલ વિભાગે તમામ જિલ્લાઓને સૂચના આપી છે. તમામ ઇ-ધરાના કર્મચારીઓને બે મહિનાની અંદર તાલીમબદ્ધ કરવા આદેશ જારી કર્યો છે. આ સાથે બે મહિના બાદ મહેસુલ વિભાગ દરેક જિલ્લાની નોંધોના નિકાલની સમીક્ષા પણ કરશે.
મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે જિલ્લા કક્ષાએ સામાન્ય નાગરીકને વિવિધ સેવાઓ મેળવવા માટે મોટાભાગે મહેસૂલી કચેરીઓ તેમાં પણ ખાસ કરીને મામલતદાર કચેરી અને મહેસૂલી તલાટીનો સંપર્ક કરવો પડે છે. સામાન્ય નાગરીકને જરૂર પડતી મહેસૂલી સેવાઓ પૈકી ખાસ કરીને ઇ-ધરા કેન્દ્ર ખાતે વેચાણ, વસીયત વહેંચણી, હયાતીમાં હકક દાખલ જેવી અંદાજીત કુલ-4ર જેટલી વિવિધ નોંધોની સેવા મેળવવા સંપર્ક કરવો પડે છે.
દર મહિને સમગ્ર રાજયમાં અંદાજીત 1.5 લાખથી વધુ નોંઘો ઇ-ધરા કેન્દ્રમાં દાખલ થાય છે. અરજદારો દ્વારા જયારે આ સેવાનો બહોળા પ્રમાણમાં લાભ લેવામાં આવતો હોય ત્યારે જરૂરી બને છે કે જીલ્લા કક્ષાએ આ કામગીરી સંભાળતું મહેસૂલી વહીવટીતંત્ર અરજદારને ઓછામાં ઓછી મુશ્કેલી પડે, બિનજરૂરી હેરાનગતી ન થાય, નોંધો વ્યાજબી કારણો વગર નામંજુર ન થાય તે બાબતો ધ્યાને રાખીને વધુને વધુ નોંધોનો હકારાત્મક નિકાલ કરી, સંતોષકારક સેવા પૂરી પાડવા કટીબધ્ધ બને તે જરૂરી છે.
જેથી ઇ-ધરા કેન્દ્રો ખાતે મહતમ નોંધોનો હકારાત્મક નિકાલ થાય તે માટે તાલુકા કક્ષાએ આ કામગીરી સંભાળતા મહેસૂલી કર્મચારીઓ તાલીમબધ્ધ હોવા જરૂરી છે. આ તાલીમમાં કર્મચારીઓને હકારાત્મક અભિગમ દાખવીને મહતમ નોંધોનો નિકાલ કેવી રીતે થઇ શકે તેમજ બિનજરૂરી કારણો દર્શાવીને નોંધો નામંજૂર ન કરવા સમજૂતી આપી શકાય.
આ બાબત ધ્યાને રાખીને, દરેક કલેકટરે પોતાના જીલ્લામાં વિવિધ કારણોસર નામંજૂર થતી નોંધોના કારણોનું વિશ્લેષણ કરીને આગામી બે માસમાં ઇ-ધરાની કામગીરી અંગેની તાલીમનું આયોજન કરવા જણાવવવામાં આવે છે. બે માસ બાદ અત્રેથી નોંધોના નિકાલ બાબતની કામગીરીની પુન: સમીક્ષા કરવામાં આવશે તેમ અંતમાં જણાવાયું છે.