સ્ટેમ્પ ડયૂટીની ખુટતી રકમની વસુલાત કરવા ઝુંબેશ શરૂ : બાકી રકમ ભરવા માટે ૨૫ દિવસનો સમય આપતા પ્રાંત અધિકારી જે.કે.જેગોડા
શહેર-૨ અને ગ્રામ્ય પ્રાંત વિસ્તારમાં આવતી ૪૦૦ મિલકતોની ખુટતી સ્ટેમ્પ ડયૂટી ભરવાની બાકી હોય પ્રાંત અધિકારી જે.કે. જેગોડાએ તમામને નોટિસો ફટકારી બાકી રકમની વસુલાતની કામગીરી હાથ ધરી છે. આ તમામ મિલકત ધારકોને ખુટતી સ્ટેમ્પ ડયૂટી ભરવા માટે ૨૫ દિવસનો સમય આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ગત સપ્તાહે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાની અધ્યક્ષતામાં પ્રાંત અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સ્ટેમ્પ ડયૂટીની ખુટતી રકમની વસુલાત કરવા ઝુંબેશ શરૂ કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. જે પ્રમાણે હાલ સિટી-૨ અને રાજકોટ ગ્રામ્યનો સ્ટેમ્પ ડયૂટીનો હવાલો ધરાવતા પ્રાંત અધિકારી જે.કે.જેગોડાએ ગ્રામ્ય વિસ્તારમાં ૧૫૦ અને શહેર-૨ વિસ્તારમાં ૨૫૦ મિલકત ધારકોને ખુટતી સ્ટેમ્પ ડયૂટી ભરવા નોટિસો ફટકારી છે.
આ માટે નોટિસમાં મિલકત ધારકોને ૨૫ દિવસમાં ખુટતી સ્ટેમ્પ ડયૂટી ભરવાનો સમય આપવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી જે.કે.જેગોડાએ ગ્રામ્ય વિસ્તારમાં ૧૫૦ મિલકત ધાકરોને તલાટી મારફત નોટિસો મોકલી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૧ પહેલાના તમામ કેસમાં જે તારીખે દસ્તાવેજ થયો હોય તે પ્રમાણે રકમ ગણવાની થાય છે. સ્ટેમ્પ ડયૂટીના અનેક કેસો પડતર હોય ગત સપ્તાહે જિલ્લા કલેકટરે પ્રાંત સાથે બેઠક યોજીને તમામ પ્રાંતોને ઝુંબેશ ચલાવવાની સુચના આપી હતી. જે અંતર્ગત જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓએ આ મામલે કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.