- Ahmedabad News: ચાંદખેડાની ઓરેન્જ નિઓનેટલ હોસ્પિટલને AMC ના હેલ્થ વિભાગે નોટિસ આપી, જુઓ શું છે સમગ્ર મામલો
- વાઇરસ ડિટેક્ટ થયો છતાં હૉસ્પિટલને તંત્રને જાણ ન કરી
- 10 દિવસ પછી વાયરસ અંગે જાણ કરવામાં આવી
- બે મહિનાના બાળકમાં લક્ષણો જોવા મળ્યા
HMPV Case in Ahmedabad: ચાંદખેડાની ઓરેન્જ નિઓનેટલ હોસ્પિટલમાં 24 ડિસેમ્બર 2024 ના રોજ રાજસ્થાનના ડુંગરપુરના પરિવારના બે મહિનાના બાળકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બાળકમાં મેટાન્યુમો વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા.
વાયરસ અંગે મોડી જાણ કરાઇ
ઓરેન્જ નિઓનેટલ હોસ્પિટલ તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 10 દિવસ પછી આ અંગે જાણ કરવામાં આવી હતી. હેલ્થ વિભાગ તરફથી હોસ્પિટલ સત્તાવાળાઓને નોટિસ આપવામાં આવી છે. બાળકના સેમ્પલ લઈ પુણે ખાતે જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવા માટેની તંત્રએ તૈયારી શરૂ કરી છે.
રાજસ્થાનથી આવ્યો હતો બીમાર બાળકનો પરિવાર
વાસ્તવમાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી આવેલા જૈન પરિવારે 24 ડિસેમ્બરના રોજ બાળકને સારવાર માટે ઓરેન્જ હૉસ્પિટલમાં લાવ્યા હતા. ડૉક્ટરો દ્વારા તપાસ બાદ રિપોર્ટ કરાયા હતા અને 26 ડિસેમ્બરે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ હૉસ્પિટલ દ્વારા અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ અને સરકારને કોઈ માહિતી આપવામાં આવી ન હતી, જેથી મહાનગર પાલિકા દ્વારા હૉસ્પિટલને નોટિસ ફટકારાઈ છે.હાલ બાળકની સ્થિતિ સારી છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આ બાળકને 24 ડિસેમ્બરે દાખલ કરાયું હતું. 26 ડિસેમ્બરે તેનો રિપોર્ટ આવ્યો હતો, પરંતુ આ અંગે હૉસ્પિટલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને જાણ જ નહોતી કરી. તેથી હવે હૉસ્પિટલ સામે પગલાં લેવામાં આવ્યા છે.
બે મહિનાના બાળકમાં લક્ષણો
મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનના ડુંગરપુર ખાતે રહેતા એક જૈન પરિવારના બે મહિનાના બાળકને ચાંદખેડા ખાતે આવેલી ઓરેન્જ નિઓનેટલ એન્ડ પીડિયાટ્રીક હોસ્પિટલ ખાતે 24 ડિસેમ્બરે શરદી અને ખાંસી જેવી તકલીફને લઈ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. બાળકને કફનું પ્રમાણ હોવાનુ જણાતા તેને ઓક્સિજન અને વેન્ટીલેટર સિસ્ટમની મદદથી સારવાર આપવામાં આવતી હતી.
ખાનગી લેબમાં ટેસ્ટ કરાયા
આ દરમિયાન હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી ખાનગી લેબોરેટરીમાં બાળકના આરોગ્ય વિષયક ટેસ્ટ કરવામાં આવતા બાળકને બ્રોનકાઈટસની અસર પણ જોવા મળી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર સોલંકીએ કહ્યું કે, હોસ્પિટલ દ્વારા બાળકના વાયરલ ઇન્ફેકશન પેનલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 26 ડિસેમ્બર 2024 ના રોજ મેટા ન્યુમોવાય૨સ ડીટેકટ થયો હતો.
હેલ્થ વિભાગે નોટિસ આપી
આ અંગે હોસ્પિટલ તંત્ર તરફથી હેલ્થ વિભાગને જાણ કરવી જરુરી હતી જે 6 જાન્યુઆરી 2025 સુધી કરવામાં આવી નહતી. ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા હોસ્પિટલ તરફથી માહિતી આપવામાં નથી. હોસ્પિટલને આ અંગે તાકીદે ખુલાસો કરવા હેલ્થ વિભાગ તરફથી નોટિસ આપવામાં આવી છે. હોસ્પિટલ તરફથી યોગ્ય ખુલાસો કરવામાં નહીં આવે તો હેલ્થ વિભાગ પેનલ્ટી પણ કરશે.
AMC આરોગ્ય વિભાગને નોટિસ આપતા લખ્યું છે કે હાલમાં HMPV ના કેસો બાબતની માહિતી જે તે હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ધોરણે રિપોર્ટ થાય તે ખુબ અગત્યનું છે. તેમ છતાં આ પ્રકારના કેસોની વિગત હોસ્પિટલે AMCને જણાવવી જરૂરી હોય છે તેમ છતાં 10 દિવસથી વધુ સમય પછી પણ આ કેસની વિગત ન જણાવવા અને રિપોર્ટિંગ ન કરવા બદલ આપની વિરુદ્ધ કાયદાકીય પગલા કેમ ન લેવા? તેનો ખુલાસો તાકીદે કરવા જણાવવામાં આવે છે.
રાજસ્થાનના ડુંગરપુરથી સારવાર માટે અમદાવાદ આવેલા 2 મહિનાના બાળકનું HMPV સેમ્પલ પોઝિટિવ જણાયા
(HMPV) હ્યુમન મેટાન્યુમોવાયરસથી ગભરાવવાની જરૂર નથી , સાવચેતી જરૂર રાખીએ
હ્યુમન મેટાન્યુમોવાયરસ એ કોઈ નવો વાયરસ નથી, વર્ષ 2001 થી આ વાયરસની ઓળખ થયેલ છે-આરોગ્ય મંત્રી @irushikeshpatel pic.twitter.com/iM5Lesu78r
— DD News Gujarati (@DDNewsGujarati) January 6, 2025
રાજ્ય સરકાર દ્વારા હાલ સદર વાયરસ અંગે ગાઈડ લાઈન જાહેર કરાઈ છે. તેમ છતાં ઓરેન્જ હોસ્પિટલમાં ‘બેબી ઓફ દર્દી’ નામે જૈન ધારાણી હેમતભાઈ જેઓ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના રિચા ગામના વતની છે. તેના બે મહિનાના બાળકને સારવાર અર્થે 24 ડિસેમ્બરના રોજ અહીં દાખલ કરાયા હતા. પરંતુ બાળકનો રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં હોસ્પિટલ બેદરકારી રાખી આરોગ્ય વિભાગને જાણ કરી ન હતી. બાળકની સ્થિતિ શરૂઆતમાં નાજુક હતી, બાળકને બે દિવસ ઓક્સિજન અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. પરંતુ હાલ બાળકની સ્થિતિ સારી છે. પરંતુ આરોગ્ય વિભાગે પરિવાર અને બાળકને આઈસોલેશન કરવા તાકીદ કરી છે.
કેન્દ્રની ગાઇડલાઇનને ગુજરાત અનુસરશે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે HMPV વાઇરસ જૂનો છે, હાલમાં વ્યાપ વધ્યો છે. તેનું સંક્રમણ ચોક્ક્સપણે વધ્યું છે, પરંતુ ડરવાની જરૂર નથી. કોવિડ કરતાં તેના લક્ષણો માઇલ્ડ છે. ગુજરાત કેન્દ્રની સરકારની ગાઇડલાઇનનું યોગ્ય રીતે પાલન કરશે. આ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે, ‘હજુ સુધી ગુજરાતમાં એકપણ કેસ નોંધાયો નથી, પરંતુ આપણે તકેદારીના ભાગરૂપે રાજ્યની હૉસ્પિટલોમાં RTPCRની જેમ ટેસ્ટિંગની સુવિધા ઊભી કરાશે.’