આગામી 25 નવેમ્બરના રોજ સાધુ વાસવાણી મીટ લેસ ડેની ઉજવણી થવાની છે. ત્યારે મહાપાલિકા હદમાં આવેલા તમામ પ્રકારના કત્તલખાનાઓ બંધ રાખવા અને માંસ, મટન, મચ્છી, ચીકનનું વેંચાણ તથા સ્ટોરેજ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ કોર્પોરેશન દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું.
મ્યુનિ.કમિશનર ઉદીત અગ્રવાલ દ્વારા ડીજીપીએમસી એકટ 1949 અન્વયે એક જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે. જેમાં સાધુ વાસવાણી મીટ લેસ ડે નીમીતે આગામી 25મી નવેમ્બરના રોજ મહાપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કત્તલખાનાઓ બંધ રાખવા તથા માંસ, મટન, મચ્છી કે ચીકનના વેંચાણ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ જાહેરનામાની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે. જો કોઈ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટની જેમ રાજયભરમાં કતલખાના બંધ રાખવા મુખ્યમંત્રીને રજુઆત
એનીમલ હેલ્પલાઈન દ્રારા તા.રપ નવેમ્બરને બુધવારનાં દિવસે કતલખાના, ઈંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. તા.રપ, નવેમ્બરના રોજ દર વર્ષે ’સાધુ વાસવાણી મીટ લેસ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની પવિત્રતા અને સમસ્ત ભારતદેશના પરીવારોની આસ્થાને ધ્યાનમાં લઈને સમાજની લાગણી ના દુભાય તે માટે જાહેર કતલખાના તેમજ જાહેર લારી તેમજ દુકાનોમાં વહેંચતા માંસ, ઈંડા અને મચ્છીના વેપાર સદંતર બંધ રાખવા સમસ્ત ધર્મપ્રેમી જનતા વતી ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ દ્રારા જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરાઈ છે.