ચેકીંગ દરમિયાન ઇજનેરોની બેદરકારી સામે આવ્યા બાદ મહાપાલિકા કમિશનરની કડક કાર્યવાહી
જૂનાગઢ મનપા દ્વારા ચાલતા કામોમાં બેદરકારી દાખવનારા બાંધકામ શાખાના ૩ અને વોટર વર્કસના ૨ મળી કુલ પ ઈજનેરોને નોટિસ ફટકારાતા કમિશનરની આ કડક કાર્યવાહીથી મનપા કર્મીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
આ અંગે મનપા કમિશનર તુષાર સુમેરાના જણાવ્યા અનુસાર હાલમાં જૂનાગઢ મનપા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે, જેમાં જૂનાગઢ મનપાના ઇજનેરોને સુપરવાઈઝરની જવાબદારી સોંપાઈ છે, પરંતુ ચેકિંગ દરમિયાન આ કામમાં ગેરરીતિ થઇ હોવાનું સામે આવ્યું છે, ત્યારે જવાબદાર એવા વોટર વર્કસના ૨ અને બાંધકામ શાખાના ૩ મળી કુલ ૫ ઈજનેરોને ફરજમાં બેદરકારી બદલ નોટિસ ફટકારવામાં આવી છે.
જૂનાગઢ મનપા દ્વારા થતા તમામ કામો ચોકસાઈપૂર્વક અને સારી રીતે થાય તે માટે મનપાના અધિકારીઓ કટિબદ્ધ છે ત્યારે મનપા દ્વારા ચાલતા કોઈ પણ કામમાં ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં અને ચાલતા કામો ઉપર જેમને જવાબદારી સોંપાઈ છે તેવા અધિકારીઓની પણ જવાબદારી બનતી હોય ફરજમાં તેમની બેદરકારી પણ ચલાવી લેવામાં આવશે નહીં અને જરૂર જણાશે તો બેદરકાર રહેનાર અધિકારીઓ અને કર્મીઓ સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમાં મનપા કમિશનરે જણાવ્યું છે.