ગેરકાયદે દબાણ થતા શ્રમિક પરિવારે નોંધાવી હતી ફરિયાદ
દામનગર પાલિકાના શાસક પક્ષનાં સદસ્ય અને કર્મચારીએ ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ કરતા શ્રમિક પરિવારના ઘર પાસેનું હલાણ બંધ કરી દેતા ગરીબ પરિવારે આ અંગે પોલીસ અને પાલિકા તંત્રને રજુઆત કરતા પાલિકાએ શાસક પક્ષનાં સદસ્યોને નોટીસ ફટકારી છે. દામનગરના પુરબીયા શેરીના રહીશ નગરપાલિકાનાં મહિલા સદસ્ય શાસક બોર્ડના સભ્ય છે અને પતિ પાલિકા સંચાલિત હાઈસ્કુલનાં કર્મચારી છે. બંને પતિ-પત્નિએ ગરીબ શ્રમિક પરિવારના માત્ર ત્રણ ફુટના હલણમાં દોઢ ફુટનું દબાણ કરી કાયમી હકક બંધ કરતા શ્રમિક પરિવારે દામનગર પાલિકા અને પોલીસમાં લેખિત રજુઆત કરતા પાલિકા તંત્રએ મહિલા સદસ્ય દર્શનાબેનના પતિ હરેશભાઈ ધીરજભાઈ ત્રિવેદીને નોટીસ પાઠવી છે. દિન સાતમાં માલિકી આધારો રજુ કરવા પાલિકાએ નોટીસ આપી છે. શ્રમિક દંપતિની સંયુકત માલિકીની જમીન ઉપર મકાન બનાવવા કોણે અધિકાર આપ્યા. જમીનની માલિકી કેટલી અને બિલ્ડપ એરિયા કેટલો ? પોતાની માલિકી સિવાયની ખાનગી જમીન કેટલી કયાંથી કેવી રીતે મેળવી ? સંયુકત રસ્તો બંધ કરવાની જમીન કેવી રીતે મેળવી ? જેવા અનેક પ્રશ્ર્નો ઉભા કરતું પાલિકા સદસ્યનું ગેરકાયદે બાંધકામ પાલિકા તંત્ર અટકાવશે કે કેમ ? તેવા પ્રશ્ર્નો ઉભા થઈ રહ્યા છે.