સુરેન્દ્રનગરમાં વિધાનસભાની ચૂંટણી માટે તાલીમ યોજાઇ હતી ચૂંટણી અધિકારીએ કર્મીઓને ખૂલાસો આપવા કરી તાકીદ
સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણીમાં મતદાન સમયે ફરજ બજાવનાર સરકારી કર્મચારીઓ માટે તા. ૨ થી ૪ દરમિયાન તાલીમનું આયોજન કરાયું હતું. જેમાં પાંચેય વિધાનસભા બેઠકો પર અંદાજે ૪૫ જેટલા કર્મચારીઓએ તાલીમમાં ગુટલી મારી હતી. આથી વિધાનસભા વાઇઝ મદદનીશ ચૂંટણી અધિકારીએ તાલીમમાં ગેરહાજર રહેનાર કર્મચારીઓને નોટિસો આપી તાકિદે ખૂલાસો કરવા જણાવ્યુ છે.
સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ૨૩ એપ્રિલે મતદાન યોજાનાર છે. મતદાન સમયે જિલ્લાના ૧૫૩૬ મતદાન મથકો પર ફરજ બજાવનાર કર્મચારીઓ માટે તાલીમનું આયોજન વિધાનસભા બેઠક વાઇઝ કરાયું હતું.
જેમાં વઢવાણ, ધ્રાંગધ્રા, દસાડા, લીંબડી અને ચોટીલા પ્રાંત અધિકારી અને મદદનીશ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તાલીમનું આયોજન કરાયુ હતુ. તા. ૨ થી ૪ એપ્રિલ દરમિયાન કરાયેલ તાલીમના આયોજનમાં જિલ્લાના અંદાજે ૪૫ જેટલા કર્મચારીઓ તાલીમમાં ગેરહાજર રહ્યા હતા. આથી પાંચેય વિધાનસભાના મદદનીશ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તાલીમમાં ગેરહાજર રહેનાર સરકારી કર્મચારીઓને નોટિસો આપી ખૂલાસો કરવા જણાવ્યુ છે. જિલ્લાના મતદાન મથકોમાં પ્રીસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર, ફર્સ્ટ પોલીંગ ઓફિસર સહિત અંદાજે ૫ હજારથી વધુ સરકારી કર્મચારીઓને ચૂંટણીલક્ષી કામગીરીની તાલીમ આપવાનું આયોજન જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા કરાયું છે. લોકશાહીના પર્વ સમાન ચૂંટણીની કામગીરીની તાલીમમાં ગેરહાજર રહેનાર કર્મચારીઓ સામે તંત્રે લાલ આંખ કરતા ગુટલીબાજ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.