અબતક-સબનમ ચૌહાણ,સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં 497 ગ્રામ પંચાયતોની સરપંચની ચૂંટણી જાહેર થવા પામી હતી. જેના માટે કુલ 1206 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. આ સરપંચોના દાવેદાર પૈકી જીતેલા અને હારેલા 794 ઉમેદવારે પોતાનો ખર્ચની વિગત આપી છે. જ્યારે સરપંચ પદના 412 ઉમેદવારને પોતાનો ખર્ચની વિગત ન આપતા નોટીસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પંચાયતી રાજએ ભારત દેશની લોકશાહીનો પાયો છે. જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીએ પંચાયતી રાજનો પાયો છે.

સરપંચ પદના 1206 પૈકી 794 ઉમેદવારોનો હિસાબ રજૂ કર્યો

ત્યારે ઝાલાવાડમાં કુલ 497 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જેમાં તા.29 નવેમ્બર 2021 થી 21 ડિસેમ્બર 2021 દરમિયાન ચૂંટણી પ્રક્રિયા ચાલી હતી. જેમાં 80 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ હતી. અને 390 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જે પૈકી સરપંચના 13 અને સભ્યના 91 ફોર્મ અમાન્ય રહ્યા હતા અને ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 628 સરપંચ અને 593 સભ્યે ફોર્મ પરત ખેંચી લીધા હતા. આથી 1206 સરપંચ અને 5092 સભ્યની વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.

જેનું પરિણામ તા.21 ડિસેમ્બરે મતગણતરી કરી જાહેર કરાયા હતા. વિજેતા સરપંચો પૈકી અધિકાંશે ગ્રામ પંચાયતનો ચાર્જ સંભાળી લીધો હતો. પંચાયતની રાજની ચૂંટણીના નિયમ અનુસાર ઉમેદવાર વોર્ડ પ્રમાણે 12 વોર્ડ સુધી 12,000, 13થી 22 વોર્ડ હોય તો 30,000, 23થી વધુ વોર્ડ હોય તો 45,000ની મર્યાદામાં ખર્ચ કરવાની જોગવાહી કરવામાં આવી છે.

આ ચૂંટણી દરમિયાન ખર્ચની વિગત ચૂંટણી પ્રક્રિયાના 30 દિવસમાં ચૂંટણી ખર્ચની વિગત ઓનલાઇન જમા કરવવાની જોગવાઇ છે. સુરેન્દ્રનગર જિલ્લાની ગ્રામ પંચાયતોના 10 તાલુકાની 497 ગ્રામ પંચાયતમાં 1206 સરપંચના ઉમેદવારોએ દાવેદારો પૈકી 794 ઉમેદવારે અત્યાર સુધીમાં પોતાનો ચૂંટણી ખર્ચ જમા કરાવ્યો છે. જ્યારે 412 ઉમેદવારે ચૂંટણી ખર્ચે જમા કરાવ્યો ન હોવાથી તંત્રએ હિસાબો રજૂ ન કરનારને નોટિસો આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.