શાળાઓ પાસે વેચાતી ખાદ્ય-સામગ્રી પણ આરોગ્ય માટે જોખમી: ૧૦ને નોટિસ: ૫૭ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં શાળા-કોલેજો આસપાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ મીટર નજીકમાં તમાકુનું વેચાણ કરતા આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. કુલ ૪૪ આસામીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ૩૨ પાનવાળાઓને નોટિસ ફટકારવામાં આવી હતી.
શાળા અને કોલેજોની આસપાસ વેચાતી ખાણી-પીણી પણ આરોગ્ય માટે અતિજોખમી હોવાનું સાબિત થઈ રહ્યું છે. આજે શાળા-કોલેજો પાસે ઉભી રહેતી ૧૭ લારીઓમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ૧૦ આસામીઓને ત્યાંથી કલરવાળી અને વાસી ૧૭ લીટર ચટણી, ૧૩ કિલો બાફેલા બટેટા, ૧૮ કિલો ખુલ્લામાં રાખેલા ખમણ-ઘુઘરા અને સમોસા, ૯ કિલો કાપેલા અને ખુલ્લો ડુંગરીના સંભારાનો નાશ કરવામાં આવ્યો હતો.
શાળા-કોલેજોની આસપાસ ૧૦૦ મીટર વિસ્તારમાં પાનવાળાઓને ત્યાં હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં ૩૨ આસામીઓને ત્યાંથી મળી આવેલી ૨૮૦ બીડીની જુડ્ડી, ૫૮ પેકેટ સિગરેટ, દોઢ કિલો તમાકુ અને ૬૧ નંગ તમાકુવાળી ફાકીનો નાશ કરી ૩૨ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.