16 માસના ચડત પગારના મુદ્દે એક માસથી હડતાલ પર: શહેરમાં ઠેર-ઠેર ગંદકી: ગ્રામ

પંચાયતની પોણા ત્રણ કરોડની રકમ અટવાયેલી જેના કારણે સફાઇ કામદારોનો પ્રશ્ર્ન ઉપસ્થિત

ધારીમાં ગ્રામ પંચાયતના સફાઇ કામદારો પોતાના 16 માસના બાકી પગારના મુદ્ે છેલ્લા એકાદ માસથી હડતાલ પર છે અને શહેરમાં ડેંન્ગ્યૂ અને ચીકનગુનીયાના કહેર વચ્ચે ગંદકીના ગંજ ખડકાયા છે. ત્યારે આજે સરપંચે તમામ 27 કામદારોને ફરજ પર હાજર થવા નોટીસ ફટકારી હતી. સરપંચે આપેલી નોટીસમાં જણાવાયું છે કે તમામ સફાઇ કામદારોને જે-તે સમયે કોરોના વોરિયર ગણી બિરદાવાયા હતા. છતા 27/10થી જનઆરોગ્યની પરવા કર્યા વગર સફાઇ કામદારો ગેરકાયદે હડતાલમાં જોડાયા છે. જે ગુજરાત પંચાયત સેવાના નિયમોનું ઉલ્લંઘન છે અને ફરજમાં બેદરકારી છે.

તમામ સફાઇ કામદારો જો નિયમિત ફરજ પર હાજર નહીં થાય તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને હડતાલના સમયને સર્વિસ બ્રેક ગણવામાં આવશે. ધારી ગ્રામ પંચાયતમાં 27 સફાઇ કામદાર છે. જે પૈકી કેટલાકનો 16 માસનો પગાર ચુકવવાનો બાકી છે. જ્યારે કેટલાકનો 24 માસનો પગાર ચુકવવાનો બાકી છે. ગ્રામ પંચાયત દ્વારા કર્મચારીઓને આ ચડત પગાર ચુકવવામાં આવતો નથી. દિપાવલી પર પગાર ચુકવવાનો વાયદો કરી સફાઇ કામદારો પાસે કામ કરાવી લેવાયું હતું પરંતુ બાદમાં પગાર ન ચુકવાતા કામદારો ફરી હડતાલ પર ગયા છે. જેને પગલે ધારી શહેરમાં હાલમાં ચારે તરફ ગંદકી જોવા મળી રહી છે.

સરકારમાં પોણા ત્રણ કરોડની રકમ અટવાઇ દરમિયાન ગ્રા.પં.ના સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારમાંથી જકાતની જે ગ્રાન્ટ આવવી જોઇએ તે આવી નથી. હાલમાં ગ્રા.પં.ની પોણા ત્રણ કરોડની રકમ અટવાયેલી છે. જેના કારણે સફાઇ કામદારોનો આ પ્રશ્ર્ન ઉપસ્થિત થયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.