૭૪ કિલો વાસી અનાનસ, લીંબુ, શેરડીનો નાશ: બરફમાં જીવાતો દેખાઈ: રસના ચિચોડાવાળા માટે ગાઈડલાઈન જાહેર
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં શેરડીનાં રસનાં ચિચોડાવાળાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વાસી ખાદ્ય-સામગ્રીનો ઉપયોગ અને ગંદકી સબબ ૨૨ વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી છે અને ૭૪ કિલો વાસી તથા અખાદ્ય ખોરાકનાં જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
આ અંગે માહિતી આપતા આરોગ્ય શાખાના અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, ફુડ શાખા દ્વારા આજે એરપોર્ટ રોડ પર સાગર રસ સેન્ટર, આર.કે.રસ પાર્લર, રોનક રસ, ખોડિયાર રસ ડેપો, એકતા રસ સેન્ટર, ધરતીનું અમૃત પીણું, શકિતમાં રસ સેન્ટર, ચૌહાણ રસ સેન્ટર, ચેતન રસ ડેપો, તિ‚પતિનગરમાં રાધેશ્યામ રસ, શ્યામ જનરલ સ્ટોર, નવદુર્ગા રસ, ચામુંડા ડેરી ફાર્મ રસ, ભોલે રસ સેન્ટર, શ્રી શકિત રસ ડેપો, શ્રી ચામુંડા રસ સેન્ટર, સાધુ વાસવાણી રોડ પર ઉમિયા રસ પાર્લર, બાપાસીતારામ રસ, શ્રી ખોડલ રસ સેન્ટર અને એસ.પી. સિઝન સ્ટોર્સ સહિત અલગ-અલગ ૨૨ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૭૪ કિલો વાસી અનાનસ, વાસી લીંબુ, સડેલી શેરડીનાં જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. બરફ પર જીવાતો દેખાતા શેરડીનાં રસનાં ધંધાર્થીઓને નોટીસ આપવામાં આવી છે.
શેરડીનાં રસનાં ચિચોડાવાળાઓ માટે એક ખાસ પ્રકારની ગાઈડલાઈન કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં શેરડીનો રસ કઈ રીતે બનાવવો, ચિચોડા કે પીલવાના મશીનને કઈ રીતે સ્વચ્છ રાખવું, કયાં પ્રકારનાં બરફનો ઉપયોગ કરવા સહિતનું દર્શાવવામાં આવ્યું છે. લોકોએ પણ શેરડીનો રસ પીતી વેળાએ અનેક પ્રકારની તકેદારી રાખવી જેવી કે માત્ર ડિસ્પોઝલ ગ્લાસમાં જ શેરડીનો રસ પીવો, બરફ નાખેલા રસનો ઉપયોગ ન કરવો, અગાઉથી કાપેલા આદુ, લીંબુ, પાઈનેપલ યુકત રસનો ટાળવો, રસમાં સેકરીન કે કૃત્રિમ ગરપણનો ઉપયોગ થતો નથી ને તેની ચકાસણી કરવી, જમ્યા બાદ ઓછામાં ઓછા ૧ કલાક પછી રસનો ઉપયોગ કરવો, તડકા કે ગરમીમાંથી આવ્યા બાદ તુરંત રસનો ઉપયોગ ટાળવો, દિવસમાં માત્ર એક જ ગ્લાસ શેરડીનો રસ પીવો, ડાયાબીટીશના દર્દીઓએ શેરડીના રસ પીવાનું ટાળવું જયારે કમરાના દર્દીઓએ શકય હોય તેટલી માત્રામાં રસનો ઉપયોગ કરવો. શેરડીના રસથી ગળામાં બળતરા, ડિહાઈડ્રેશન, કમરો અને કબજીયાત જેવા રોગમાં ફાયદો થાય છે. શરીરનો મસલ્સ પાવર અને રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય છે. એસીડીટી ઘટે છે જોકે િબનઆરોગ્યપ્રદ સ્થિતિમાં હોય તેવા બરફ કે શેરડીનો ઉપયોગ રસ બનાવતી વેળાએ કરવામાં આવ્યો હોય તો તેનાથી ટાઈફોઈડ, કમરો, ઝાડા-ઉલ્ટી કે ફુડ પોઈઝનીંગ થવાની દહેશત રહે છે.