રેસ્ટોરન્ટ, ચાની હોટલો, પાનની દુકાનો, ઠંડા-પીણાના સ્ટોલ અને ગેેરેજો સહિતના ગેરકાયદેસર દબાણો હટાવવા ૭ દિવસની મુદત અપાઈ

થોરાળાની કિંમતી જમીન ઉપર ખડકાયેલા દબાણો દૂર કરવા પૂર્વ મામલતદાર તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે સંદર્ભે દબાણ કરનાર ૧૨ જેટલા આસામીઓને પોતાના રેસ્ટોરન્ટ, ચાની હોટલો, પાનની દુકાનો, ઠંડા-પીણાના સ્ટોલ અને ગેરેજ સહિતના દબાણો દૂર કરવા ૭ દિવસની સમય મર્યાદા આપવામાં આવી છે. ત્યારબાદ ડિમોલીશન હાથ ધરવા તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે.

થોરાળાની સર્વે નં.૧૯૩ની ૧૪૯૫ ચો.મી.સરકારી જમીન ઉપર ૧૨ આસામીઓ દ્વારા દબાણ ખડકવામાં આવ્યું હોવાનું ધ્યાને આવતા પૂર્વ મામલતદાર તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દબાણકારોએ સરકારી જમીન ઉપર રેસ્ટોરન્ટ, ચાની હોટલ, ઠંડા-પીણાના સ્ટોલ, ગેરેજ વગેરે દબાણો ખડક્યા હોય તેઓને ૭ દિવસમાં આ જમીન ખુલ્લી કરવા જમીન મહેસુલ કાયદા હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે.

ભાવનગર રોડ ખાતે આજીડેમ ચોકડી પાસે આવેલ ભારતનગર વિસ્તારમાં આ દબાણો કરવામાં આવ્યા છે. દબાણ કરનાર બાલાજી ડાઈનીંગ હોલ, શ્રીરામ સીતા પાન એન્ડ કોલ્ડ્રીંકસ, હુસેનભાઈ મોહમદભાઈ ગેરેજવાળા, કનૈયા પાન એન્ડ પરોઠા હાઉસ, ધીરૂભાઈ દેવદાનભાઈ આહિર, રામભાઈ જયતાભાઈ હેરભા, જય મુરલીધર કરિયાણા ભંડાર, ભરતભાઈ પ્રભાતભાઈ ચાવડા, આદેશ ડિલકસ હોટલ-પાન એન્ડ કોલ્ડ્રીકસ, કનૈયા રેસ્ટોરન્ટ, માલદેવભાઈ આહિર અને જય દ્વારકાધીશ પાનના દબાણને હટાવી લેવા તંત્રએ ૭ દિવસની મહોલત આપી છે. જો ૭ દિવસમાં આ દબાણ હટાવવામાં નહીં આવે તો મામલતદાર તંત્ર દ્વારા કોર્પોરેશન અને પોલીસ તંત્રની મદદ લઈ દબાણ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.