સક્કરપારા, પૌંવાનો ચેવડો સહિત ચાર ખાદ્ય સામગ્રીના નમૂના લેવાયા
દિવાળીના તહેવારના અનુસંધાને કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શ કરવામાં આવેલી ચેકિંગ ઝુંબેશ આજે પણ ચાલુ રાખવામાં આવી હતી. ચાર સ્થળેથી ખાદ્ય ચીજોના નમૂના લેવામાં આવ્યા હતા. ૧૧ વેપારીને નોટિસ ફટકારી ૧૭ કિલો છાપેલી પસ્તી અને ૨૦ કિલો મીઠાઈ તથા વાસી ફરસાણનો નાશ કરવામાં આવ્યો હતો. આજે ગાંધીગ્રામ મેઈન રોડ પર સીયારામ ફરસાણ હાઉસમાં લુઝ શક્કરપારા, નેમીનાથ ફરસાણ માર્ટમાંથી લુઝ પૌંવાનો ચેવડો, માલધારી સોસાયટીમાં વેરાઈ સ્વીટમાંથી રાધે ડેઝર્ટ અને સિધ્ધેશ્ર્વરી ડિલીસીયસ સ્વીટનો નમૂનો લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. આજે કુવાડવા રોડ પર જોકર ગાંઠીયા, ચામુંડા સ્વીટ-નમકીન, મહાલક્ષ્મી ડેરી, શિવનગર મેઈન રોડ પર જય બજરંગ ડેરી, બજરંગ ફરસાણ-સ્વીટ, મુરલીધર ડેરી, બાલાજી ડેરી, જલારામ ફરસાણ, જય ખોડીયાર ડેરી, માન સરોવર મેઈન રોડ પર જય બાલાજી ફરસાણ, ચોરસીયા સમોસા, ચામુંડા ડેરી, જય ગોપાલ ડેરી, માંડા ડુંગર મેઈન રોડ પર બાલાજી ફરસાણ સ્વીટ, રાધેક્રિષ્ના ડેરી ફાર્મ, સંતકબીર રોડ પર શ્રી ગણેશ ડેરી, જય ખોડીયાર ફરસાણ, જનતા તાવડો, શ્રી મોમાઈ ફરસાણ, જે.કે.નમકીન, મચ્છુ ડેરી ફોર્મ, ચામુંડા ફરસાણ, ભગીરથ ફરસાણ સહિત અલગ અલગ ૨૪ જગ્યાએ ચેકિંગ હાથ ધરાયું હતું. જે પૈકી ૧૧ વેપારીઓને વાસી મીઠાઈ અને ફરસાણનું વેંચાણ કરવા સબબ, ફૂડ લાયસન્સ ન હોવા સબબ અને ક્યાં તેલમાંથી ફરસાણ બનાવવામાં આવે છે તેનું બોર્ડ લગાવવામાં આવેલ ન હોવાના કારણે નોટિસ ફટકારવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન ચાર કિલો અખાદ્ય દાઝયુ તેલ, ૧૫ કિલો વાસી મીઠાઈ, ૫ કિલો વાસી ફરસાણ અને ૧૭ કિલો છાપેલી પસ્તીનો નાશ કરવામાં આવ્યો હતો. દિવાળીના તહેવાર સુધી સતત ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.