સામાકાંઠે ટેકસ બ્રાંચે લાલ આંખ કરતા ૨૮ બાકીદારોએ ધડાધડ વેરો ભર્યો
ટેકસ બ્રાંચ દ્વારા આજે ટેકસ રીકવરીની કામગીરી અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૪ રીઢા બાકીદારોની મિલકત સીલ કરી દેવામાં આવી હતી. જયારે ૯ આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી અને ૩ મકાનોના નળ કનેકશન કપાત કરાયા હતા.
આજે સેન્ટ્રલ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા વોર્ડ નં.૭માં રેવન્યુ સોસાયટીમાં વેરો વસુલવા માટે ૩ બાકીદારોના નળજોડાણ કપાત કરવામાં આવ્યા હતા. જયારે જાગનાથ પ્લોટમાં બાકી માંગણુ વસુલવા બે રહેણાંક હેતુની મિલકતને નોટીસ ફટકારવામાં આવી હતી.
જયારે ગોંડલ રોડ, મારૂતી ઈન્ડસ્ટ્રીયલ એરીયા, ઉમાકાંત પંડિત ઉધોગનગર સહિતના વિસ્તારોમાં ૩ મિલકત સીલ કરવામાં આવી હતી. ઈસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા હાર્ડ રીકવરી શરૂ કરવામાં આવતા ૨૮ બાકીદારોએ વેરા પેટે ૯.૫૦ લાખ જમા કરાવી દીધા હતા.