કેશોદ નગરપાલિકા વિસ્તારમાં બાંધકામના નિયમોને નેવે મુકી આડેધડ થતા કામો વિસ્તારમાં પાણીના પ્રવાહના વહેણમાં બેરોકટોક ગેરકાયદેસર બાંધકામો થઈ જતા ચોમાસામાં લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા હોય છે ત્યારે આવા બાંધકામો કોની મંજુરીથી થઈ રહ્યા છે તેની સામે પણ સવાલ ઉભો થયો હતો.
તાજેતરમાં કેશોદના વેરાવળ રોડ કૃષ્ણનગરની સામે નદીનો પ્રવાહ નીકળતો હોય તેના પર કોલમબીંબવાળુ ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે. આ અંગે આજથી બે માસ પૂર્વે કેશોદના તત્કાલીન ચીફ ઓફિસર અને આઈએસ થયેલા ગંગાસિંહની નિમણુક થયેલ હતી અને તેના પ્રોફેશનલ પિરીયડ દરમ્યાન દેવાણીનગર પાસે વેરાવળ રોડ નજીક જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે જે અંગે જાગૃત લોકોએ નગરપાલિકાને રજુઆત કરતા આ ગેરકાયદેસર બાંધકામની તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ બાંધકામ રોકાવી દેવામાં આવ્યું હતું.
આ ચીફ ઓફિસરની બદલી થતા આ જગ્યાએ ફરી બાંધકામ હાલ ચાલી રહ્યું છે ત્યારે આ બાંધકામની નગરપાલિકાએ કોઈ મંજુરી આપી છે કે કેમ ? તેવો અહેવાલ થોડા દિવસ પહેલા મીડિયામાં પ્રસારિત થતા મીડિયાના અહેવાલના પગલે નગરપાલિકા દ્વારા સ્થળ ખરાઈ કરી ગેરકાયદેસર બાંધકામ થતુ હોય જેને નોટિસ ફટકારવામાં આવી છે અને નોટીસની સમયમર્યાદા પૂર્ણ થયે નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.