આઈટીમાં પરત મોકલવા અપાયેલ પાનકાર્ડથી કરોડોની ઠગાઈ
દસ્તાવેજોની સાજવણી ખુબજ જરૂરી હોય છે માટે જો કોઈને તમારા દસ્તાવેજો સાચવવા આપો તો તે વ્યક્તિ વિશ્વાસુ હોવો ખુબજ જરૂરી છે. રાજકોટની ખાનગી કંપનીમાં નોકરી કરતા જીજ્ઞેશ નારોલાની ચુકથી તેને આવકવેરાએ ૩ કરોડની નોટિસ ફટકારી હતી.
જીજ્ઞેશને ત્યાં આઈટીના દરોડા પડતા જ તે સ્તબ્ધ થઈ ગયો, બાદમાં તેણે આઈટી અધિકારીઓને સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તેણે તો કયારેય આટલી મોટી રકમમાં ટ્રાન્જેકશનો કર્યા જ નથી કે તેને આઈટીની નોટિસ આવે કારણ કે તેની પાસે તો એટલા રૂપીયા જ નથી. બાદમાં ખુલ્યુ કે, જીજ્ઞેશના પાનકાર્ડથી સીએ (એકાઉન્ટન્ટ) અને કલાર્કે બે બેંક એકાઉન્ટ જીજ્ઞેશના પાનકાર્ડ મારફતે ખોલી કરોડો રૂપીયાના કાળા નાણા હેરફેર કરવાનું સામે આવ્યું હતું.
જીજ્ઞેશ રાજકોટમાંથી જામનગરના કાલાવડમાં સ્થળાંતર થવાનો હતો ત્યારે તેણે વિમલ ભટ્ટ નામના એકાઉન્ટન્ટને પોતાનું પાનકાર્ડ આપ્યું હતું. તેણે ભટ્ટને કહ્યું કે, મારે પાનકાર્ડની જરૂર નથી માટે હું આ કાર્ડ આવકવેરા વિભાગને પાછુ જમા કરાવવા માંગુ છું. જયારે વિમલને જીજ્ઞેશનું પાનકાર્ડ મળ્યું ત્યારે તેણે શશાંક દોશી નામના જામનગરના સીએને આપ્યું હતું.
ત્યારબાદ શશાંકે જીજ્ઞેશના નામે બે બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. બેંક એકાઉન્ટ ખોલતી વખતે વિજય ગાલૈયા નામનો વ્યક્તિ જામીન રહ્યો હતો. ૧૫ જાન્યુઆરી ૨૦૧૧થી લઈ ૧૫ નવેમ્બર ૨૦૧૪ સુધી ત્રણ ફ્રોડની ટુકડીએ જીજ્ઞેશ નારોલાના નામે ૬.૩૪ કરોડના કાળા નાણાની હેરફેર કરી હતી. જેની આઈટી વિભાગને જાણ થતાં જીજ્ઞેશ નારોલાના ઘરે દરોડા પાડવામાં આવતા આ સમગ્ર ફ્રોડની ઘટના સામે આવી હતી. ઠગાઈ કરનારા આરોપીઓની તપાસ હજુ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.