પંચાયતની આર્થિક સ્થિતિ બરાબર ન હોય, તેવું જણાવ્યા છતાં ટંકારાને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યું હોવાનો સરપંચનો આક્ષેપ
ટંકારાના મહિલા સરપંચને ભૂગર્ભ ગટરના કામને લઈને જિલ્લા પંચાયત દ્વારા નોટિસ આપી સસ્પેન્ડ કેમ ન કરવા તે અંગેનો ખુલાસો માંગવામાં આવ્યો છે. ત્યારે ટંકારા ગ્રામ પંચાયતની આર્થિક સ્થિતિ બરાબર ન હોય, આર્થિક ડામ સહન કરવો પડે તેમ છે આવુ જણાવ્યા છતાં જિલ્લા પંચાયત દ્વારા ટંકારાને ટાર્ગેટ કરવામાં આવતું હોવાનો મહિલા સરપંચે આક્ષેપ કર્યો છે.
ટંકારા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ નિશાબેન ત્રિવેદીને પંચાયત અધિનિયમ અંતર્ગત પાણી નિકાલ માટે ભૂગર્ભ ગટર યોજનાની અમલવારી કરવા બાબતે વારંવાર લેખિત જાણ કરવા છતાં આ બાબતે કોઇ કાર્યવાહી ન કરતા જિલ્લા પંચાયત મોરબી દ્વારા સરપંચ ઉપર કડક કાર્યવાહી કરવાની સાથે તમને કેમ સસ્પેન્ડ ન કરવાની નોટીસ ફટકારતા ચકચાર જાગી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સરપંચને નોટિસ આપી હતી પરંતુ શાળા પ્રવેશોત્સવ ને કારણે સુનાવણીની તારીખ પાછળ ઠેલવાઇ હતી.
આ બાબતે મહિલા સરપંચ નિશાબેન ત્રિવેદીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત દ્વારા ભૂગર્ભની ગટર સંભાળી લેવા બાબતે નોટીસ આપી દબાણ કરવામાં આવી રહ્યું છે પરંતુ અગાઉ પણ આ બાબતે આ યોજના અતિ ખર્ચાળ અને પંચાયત દ્વારા કામગીરી ની ક્ષમતા તથા અણઆવડત ને ભ્રષ્ટાચારથી ભરપૂર આ કામ ની લેખિત જાણ કરી હોવા છતાં જવાબદારોએ ફરિયાદ સાંભળવાની જગ્યાએ આ બાબતે રફેદફે કરી સબ સલામત હોવાની પીપુડી વગાડી હતી તો આ યોજનાને ચલાવવા માટે પંચાયતને આર્થિક ડામ સહન કરવો પડે જેની આવક પણ નથી જ્યારે અન્ય જિલ્લાઓ કે તાલુકામાં પણ પંચાયતોએ આવી યોજના સ્વીકારી નથી ત્યારે જીલ્લા પંચાયત ખાર રાખી માત્ર ટંકારા નેજ ટાર્ગેટ કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ભૂગર્ભ ગટરનું કામ જે તે સમયના ભાજપ પેનલ ના તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ ના પતિ દ્વારા રાખીને કરાયું હોય એ સમયે આ આ કામ ટંકારાની ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ કરવામાં આવ્યું ન હોય લગત તંત્રને સરપંચ સહિત ની પેનલે જોરશોરથી વિરોધ કર્યો હતો અને લેખિત રજૂઆતો પણ કરી હતી પરંતુ ત્રણેક વર્ષ પહેલાં પેટાચૂંટણીમાં ટંકારા સરપંચ સહિતના સભ્યો કેસરિયો ભગવો ધારણ કરી લેતા કામ કરનાર અને વિરોધ કરનાર એક જ હરોળમાં બેસી જતા આ મુદ્દો વિસરાઇ ગયો હતો ત્યારે ફરી આજે ગટર બાબતે નોટિસ મળતાં આ મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે
આ મામલે શહેરમાં સૌથી વધુ ચર્ચાતા મુદ્દા માં જેતે સમયે આ સમગ્ર મામલે ઉગ્ર રજૂઆત કરવાની વાત કરનાર અને આ યોજના અતિ ખર્ચાળ છે નેવાના પાણી મોભે ચલાવવાની વાત છે અને ભષ્ટાચાર થી ભરપૂર યોજનાનો વિરોધ કરવા માટે દિલ્હી સુધી વકીલ રાખીને ફરિયાદ કરવાની વાત કરનાર બાંકડે બેસી ગયા હોય તેમ આ મુદ્દો સવાલો ઉભા થયા છે ત્યારે હવે જોવું રહ્યું કે ભુગર્ભ ગટર બાબતે ભુગર્ભ મા રહેલા જુના જોગી બહાર આવે છે કે નહી અને આગામી તારીખે જિલ્લા પંચાયત શુ કાર્યવાહી કરે છે.