તાવ, શરદી અને ઝાડા-ઉલ્ટીના 360 કેસ
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં તાવ, શરદી, અને ઝાડા-ઉલ્ટીના 360 કેસ નોંધાયા છે.
રહેણાંક વિસ્તારોમાં મચ્છરની ઉત્પતિ સબબ 464 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે.
છેલ્લાં એક સપ્તાહમાં શહેરમાં ડેન્ગ્યૂ, મેલેરિયા કે ચીકન ગુનિયાનો નવો એકપણ કેસ નોંધાયો નથી. શરદી-ઉધરસના 172 કેસ, સામાન્ય તાવના 79 કેસ અને ઝાડા-ઉલ્ટીના 109 કેસ નોંધાયા છે.
મચ્છરોની ઉત્પતિ અંગે બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, હોસ્ટેલ, ઇન્ડ્રસ્ટીઝ, કોમ્પલેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી સહિત કુલ 220 સ્થળે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રહેણાંક વિસ્તાર મચ્છરોની ઉત્પતિ જણાતા 464 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
કોરોનાના નવા બે કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 4 થયો
શહેરમાં ગઇકાલે રવિવારના દિવસે કોરોનાના નવા બે કેસ નોંધાયા હતા. છેલ્લા ઘણા સમયથી શહેરમાં કોરોનાએ પોરો ખાતા શહેરીજનોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. અલગ-અલગ દિવસે બે કેસ નોંધાતા શહેરમાં કુલ એક્ટિવ કેસ માત્ર બે હતા. દરમિયાન ગઇકાલે એક જ દિવસમાં વધુ બે કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક ચારેય પહોંચી ગયો છે. આજ સુધીમાં રાજકોટમાં કોરોનાના કુલ 63,694 કેસ નોંધાયા છે. ગઇકાલે એક જ દિવસમાં 1115 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી બે પોઝીટીવ કેસ મળી આવતાં કુલ પોઝીટીવીટી રેટ 0.01 ટકાથી પણ ઓછો છે. જ્યારે રિક્વરી રેટ 99.21 ટકા છે.