બન્ને ગામોની જમીનનું સંપાદન કરી ગામને અન્યત્ર ખસેડવાની કામગીરી બની તેજ
ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે હીરાસર ગામતળ અને ડોસલીઘુનાની જમીનના સંપાદન માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેથી હવે બન્ને ગામોની જમીનનું સંપાદન કરી ગામને અન્યત્ર ખસેડવાની કામગીરી તેજ બની છે.
રાજકોટની ભાગોળે ચોટીલા અને રાજકોટ તાલુકા ની બોર્ડર પર આવેલા હિરાસર ગામ નજીક સાકાર થનાર આંતરરાષ્ટ્ર્રીય કક્ષાના એરપોર્ટ માટે હીરાસર અને ડોસલીઘુના ગામની જમીનનું સંપાદન કરવાની છેલ્લા ઘણા સમયથી કામગીરી ચાલી રહી હતી. અંતે આ બન્ને ગામોની જમીનના સંપાદન માટે ગાંધીનગરથી ખાસ જમીન સંપાદન અધિકારી અનિલ પ્રજાપતિની આગેવાની હેઠળ ટિમે જમીન સંપાદન કરવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
આ બન્ને ગામમાં હીરાસર ગામ રાજકોટ તાલુકમાં આવે છે. જ્યારે ડોસલીઘુના ગામ સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે. આ બન્ને ગામોની જમીન નિર્માણાધીન એરપોર્ટની હદમાં આવતી હોય, ગામની જમીનનું સંપાદન કરી તેને અન્યત્ર ખસેડવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હાલ હીરાસર એરપોર્ટના નિર્માણની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. એરપોર્ટના રનવે અને ટર્મિનલ સહિતના મુખ્ય કામો ચાલી રહ્યા છે. બીજી તરફ જમીન સંપાદનનું બાકી કામ પણ હાલ શરૂ કરી દેવામાં આવ્યું છે.