દેશની સુરક્ષા, સર્વ ભૌમત્વની જાળવણી અને ૧૩૫ કરોડની આબાદીની સુરક્ષા માટે તૈનાત ભારતીય લશ્કરને વધુ સુદ્રઢ બનાવવાની કવાયત
વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની સેના ત્રીજા નંબરનું સૈન્ય બળ ધરાવે છે. દેશના સર્વ ભૌમત્વ અને સુરક્ષાની સાથે સાથે ૧૩૫ કરોડની આબાદીની રક્ષાની જેના પર જવાબદારી છે તેવા ભારતીય સૈન્યને વધુ સુદ્રઢ અને સફળ બનાવવા સરકારે મીલીટરીના હેડને ૨૦૦ કરોડ રૂપિયા સુધીના ખર્ચ કરવાની છુટ આપવાનો ક્રાંતિકારી નિર્ણય લેવાયો છે.
કેન્દ્રીય કેબીનેટે બુધવારે સૈન્યના સશસ્ત્ર દળના વડાને વિવિધ પ્રોજેકટો અને વિકાસ કામો માટે રૂા.૨૦૦ કરોડના ખર્ચ કરવાની સ્વાયતતા આપવાનો નિર્ણય લીધો હતો. ભારતીય સૈન્યમાં સૌપ્રથમવાર ડેપ્યુટી ચીફ એટલે કે, નાયબ વડા દરજ્જાના સંરક્ષણ અધિકારીને ૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો પાવર આપવામાં આવ્યો છે. તેની સાથે સાથે ભારતીય કોસ્ટગાર્ડના એડિશ્નલ ડાયરેકટર જનરલ પણ હવે જરૂરી ખર્ચ માટે ૨૦૦ કરોડ સુધીની ગ્રાન્ટ વાપરી શકશે.
ભારતીય સૈન્યને વધુ સુદ્રઢ સંકલન અને સંચાલનથી ચલાવવા માટે સંરક્ષણ ક્ષેત્રે કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. નાયબ વડાને ૨૦૦ કરોડ રૂપિયા સુધીના ખર્ચની સ્વાયત સત્તા આપવાથી હેડ કવાર્ટર અને કમાન્ડીંગ લેવલ સુધીની વ્યવસ્થામાં સુધારો થશે. જરૂરી સાધન સામગ્રી અને વિકાસ માટેના પ્રોજેકટ સહિતના કામોમાં આ સ્વાયતતા વધુ વેગ આપશે અને સૈન્યની આંતર માળખાકીય સુવિધાના સુધારાની પ્રક્રિયા ઝડપી બનશે. અત્યાર સુધીની વ્યવસ્તામાં સૈન્યને લગતા વિકાસ કાર્યો સીધા જ સંરક્ષણ મંત્રાલયની દેખરેખમાં થતાં હતા. જેવી રીતે જાહેર સુવિધાના કામોમાં વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તેવી જ રીતે સૈન્યમાં પણ વિકાસ પ્રોજેકટને મંજૂરીની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું.
સૈન્ય વિકાસમાં ક્યારેક-ક્યારેક ત્વરીત નિર્ણય અને તાત્કાલીક કામ ઉપાડવાની આવશ્યકતાના સંજોગોમાં વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા નાયબ વડા દરજ્જાના અધિકારીને ૨૦૦ કરોડ જેટલી માતબર રકમ વાપરવાનો નિર્ણાયાધીન અધિકાર આપવાના સરકારના આ પ્રયોજનથી વિકાસ કામમાં વેગ આવશે.
અત્યાર સુધી રૂા.૧૦૦ કરોડ સુધીની રકમ વાપરવાના ડેલીગેટેડ જનરલ ઓફિસર કમાન્ડીંગ ઈન ચીફ જીઓસીને અધિકાર છે. વાયુદળમાં એઓસી અને પ્રાદેશિક કક્ષાએ પણ પ્રથમ વર્ગના કમાન્ડરને પણ ૧૦૦ કરોડ રૂપિયા વાપરવા સુધીની છુટ હતી. હવે સરકારે આ રકમમાં વધારો કરી શસ્ત્ર દળના ડેપ્યુટી જનરલ કક્ષાના અધિકારીને ૨૦૦ કરોડ સુધીના પ્રોજેકટ માટે સત્તા આપવામાં આવી છે.
સશસ્ત્ર દળના નાયબ કક્ષાના અધિકારીઓની આર્થિક ખર્ચ કરવાની સ્વાયતતામાં વધારો કરવામાં આવતા સૈન્યના વિકાસ પ્રોજેકટમાં વેગ આવશે. ભારત વિશાળ લાંબી જમીની સરહદ અને દરિયાઈ સરહદ ધરાવતો દેશ છે. ભારતની સૈન્ય સંખ્યાની રીતે વિશ્ર્વના ત્રીજા નંબરનું સૈન્ય ગણવામાં આવે છે. સુરક્ષાના મુદ્દે કોઈ જાતની બાંધછોડ ન કરવાના મુદ્રાલેખ સાથે સરકારે સૈન્યના અધિકારીઓને ૨૦૦ કરોડ જેટલી માતબર રકમ વાપરવાની છુટ આપતા સૈન્યના વિકાસ કામોને વેગ મળશે.
સેનાના ત્રણેય પાંખના વડાઓની કેવડીયા ખાતે આવતા મહિને મોદીની પ્રથમવાર સીસીસીની બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રની સુરક્ષા અને ખાસ કરીને પડોશી દેશો સાથે સરહદની પરિસ્થિતિ અંગે સમીક્ષા હાથ ધરીને ચીન અને પાકિસ્તાનના મોરચાની સ્થિતિ અને જરૂરી પગલાઓ માટે લશ્કરના અધિકારીઓ સાથે સંકલન માટેની બેઠક આગામી મહિનામાં યોજી રહ્યાં છે. સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સ એટલે કે, સીસીસી પ્રકારની પ્રથમ બેઠક વડાપ્રધાનની અધ્યક્ષતામાં માર્ચના પ્રથમ અઠવાડિયામાં કેવડીયા ખાતે યોજાશે. કેવડીયા ખાતે ભૂમિદળ, વાયુદળ અને હવાઈદળના મુખ્ય કમાન્ડર સાથે પ્રથમ તબક્કાની બેઠકમાં ભારત, ચીન વચ્ચેના પેગોંગ, તસો અને પૂર્વ લદ્દાખના વિસ્તારની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. વડાપ્રધાન સાથે ત્રણેય પાંખના વડાઓની આ બેઠકમાં વાયુદળ અને ભૂમિદળની સાથે સાથે નૌકાદળના કાર્યક્ષેત્રની સમીક્ષા કરવામાં આવશે. વડાપ્રધાન દ્વારા સૌપ્રથમવાર સૈન્યના ત્રણેય વડાઓની આ સમીક્ષા બેઠક યોજાશે. વડાપ્રધાનના બીજા કાર્યકાળ દરમિયાન સૌપ્રથમવાર ત્રણેય પાંખના વડાઓની બેઠક યોજાશે. દેશની ભૂમિ, વાયુ અને દરિયાઈ સરહદની સુરક્ષા માટે ભાવી આયોજનોને લઈ આ બેઠક ખુબજ મહત્વની માનવામાં આવી રહી છે.