ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો: કોંગ્રેસે ‘નોટા’નો વિકલ્પ રદ કરવા કરી હતી અરજી
આગામી ૮ ઓગસ્ટના રોજ રાજયસભાની ચુંટણી યોજાવવાની છે. આ ચુંટણી હવે ‘નોટા’ના ઓપ્શન સાથે જ થશે. આ માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અરજી અન્વયે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોંગ્રેસે ચુંટણી પંચને પણ રજુઆત કરી હતી ત્યારે કોંગ્રેસની માંગને સુપ્રીમ કોર્ટે ફગાવતા કોંગ્રેસને મોટો ઝટકાનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
આ સુનાવણીમાં સુપ્રીમ દ્વારા ‘નોટા’નો ઉપયોગ રાજયસભાની ચુંટણીમાં થશે જ તેમ જણાવ્યું હતું. તેમજ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસને નોટિસ ફટકારી હતી. તેમજ આ સુનાવણીમાં સુપ્રીમે પ્રશ્ર્ન કર્યો હતો કે ચુંટણી પંચને ‘નોટા’ માટે ૨૦૧૪માં જાહેર કર્યું હતું તો અરજી હવે શા માટે કરી છે. આ મુદ્દે આગામી સુનાવણી ૧૩ સપ્ટેમ્બરે કરવામાં આવશે.
મંગળવારે કોંગ્રેસના નેતા નોટાના ઉપયોગના વિરુઘ્ધમાં ચુંટણીપંચ પાસે ગયા હતા. કોંગ્રેસે તેને બંધારણ અને ચુંટણીના નિયમ વિરુઘ્ધ ગણાવ્યું છે. ચુંટણી પંચના નિયમ પ્રમાણે જો કોઈ વોટર રાજયસભાની ચુંટણીમાં પાર્ટીના નિર્દેશો વિરુઘ્ધ જઈ કોઈ ઉમેદવારને વોટ આપતો હોય તો તે નોટાનો ઉપયોગ કરી શકે છે તેને વિધાનસભાના સભ્યપદ માટે અયોગ્ય ન ગણાવી શકાય. જે ધારાસભ્ય હશે તે રહેશે જ તેના મત પણ ગણતરીમાં લઈ શકાશે. જો કે પાર્ટી તેની સામે અનુશાસન તોડવા માટે કાર્યવાહી કરી શકે છે અને તે પાર્ટી કે સભ્યને બહાર પણ કાઢી શકે છે.
અત્યાર સુધી કોંગ્રેસ દ્વારા જ વિરોધ થઈ રહ્યો હતો. ત્યારે ભાજપના પણ ત્રણ સભ્યના પ્રતિનિધિ મંડળ દ્વારા ‘નોટા’ની ચુંટણીમાં ઉપયોગ માટે વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ નોટાનો પરોક્ષ મતદાનના વિકલ્પ તરીકે ઉપયોગ ન કરી શકાય તેવી રજુઆત ચુંટણી પંચને કરી હતી.