પદાધિકારીઓ અને અધિકારીઓનાં સ્નેહમિલનમાં ભાજપનાં ૧૯ કોર્પોરેટરો જ હાજર રહ્યા: કોંગ્રેસની સામુહિક ગેરહાજરી
રાજકોટ મહાનગરપાલિકામાં આજે મેયર બીનાબેન આચાર્યનાં અધ્યક્ષ સ્થાને દિવાળીનાં તહેવાર બાદ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓનું મિલન ચોકકસ થયું હતું પરંતુ સ્નેહની ગેરહાજરી જોવા મળી હતી. ૧૮ વોર્ડનાં ૭૨ કોર્પોરેટરો પૈકી સ્નેહમિલનમાં માત્ર ૧૯ કોર્પોરેટરોએ જ હાજરી આપી હતી જયારે ૫૩ કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. કોંગ્રેસે જાણે સામુહિક રજા રીપોર્ટ મુકયા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. સ્નેહમિલનમાં અરસ-પરસ શુભેચ્છા પાઠવ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કર્મચારીઓ અને અધિકારીઓને નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું સુચન આપ્યું હતું તો મેયરે સ્વચ્છતાનાં પાઠ ભણાવ્યા હતા.
દર વર્ષે દિવાળીનાં તહેવાર બાદ કોર્પોરેશનમાં પદાધિકારીઓ, ચુંટાયેલા નગરસેવકો, અધિકારીઓ અને કર્મચારીઓનું સ્નેહમિલન ગોઠવવામાં આવતું હોય છે.
પક્ષા-પક્ષીથી પર આ સ્નેહમિલનમાં તમામ કોર્પોરેટરો હાજરી આપે તેવી અપેક્ષા રાખવામાં આવતી હોય છે પરંતુ એવું કયારેય બનતું નથી. આજે મેયર બીનાબેન આચાર્યનાં અધ્યક્ષસ્થાને યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, શાસક પક્ષનાં નેતા દલસુખભાઈ જાગાણી, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન કશ્યપભાઈ શુકલ, પુષ્કરભાઈ પટેલ, પૂર્વ ડે.મેયર દર્શિતાબેન શાહ, બાંધકામ સમિતિનાં ચેરમેન મનિષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન આશિષભાઈ વાગડિયા, સેનીટેશન કમિટીનાં ચેરમેન અશ્ર્વિનભાઈ ભોરણીયા, શીશુ કલ્યાણ સમિતીનાં ચેરમેન રૂપાબેન શીલુ, કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, વર્ષાબેન રાણપરા, જયાબેન ડાંગર, શીલ્પાબેન જાવીયા, મીનાબેન પારેખ, દેવુબેન જાદવ, અમીતાબેન ગોસ્વામી, પ્રિતીબેન પનારા અને વિજયાબેન વાછાણી સહિત કુલ ૧૯ કોર્પોરેટરો જ ઉપસ્થિત રહ્યા હતા.
વિરોધ પક્ષનાં નેતા વશરામ સાગઠીયા સહિત કોંગ્રેસનાં તમામ કોર્પોરેટરોની સ્નેહમિલનમાં સુચક ગેરહાજરી જોવા મળી હતી જોકે કેટલાક નગરસેવકો દિવાળીની રજાઓમાં પરીવાર સાથે ગયા હોવાનાં કારણે સ્નેહમિલનમાં હાજરી આપી શકયા ન હોવાનો તર્ક રજુ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સ્નેહમિલનમાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, નાયબ કમિશનર ચેતન ગણાત્રા, એ.આર.સિંગ, મ્યુનિસિપલ સેક્રેટરી એચ.પી.રૂપારેલીયા, સીટી એન્જીનીયર કામલીયા, ભાવેશ જોશી, અલ્પનાબેન મિત્રા, હારૂનભાઈ ડોડીયા ઉપસ્થિત રહ્યા હતા.