રાજયભરની તમામ સ્વનિર્ભર શાળાઓનું ઓનલાઈન શિક્ષણકાર્ય શરૂ

વાલી અને શિક્ષક વિદ્યાર્થીનાં ઈસ્ટમિત્ર છે તેમની ફરજ છે કે વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે અને શિક્ષણ કાર્ય ચાલુ રહે

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આજથી રાજયભરમાં ફરી ઓનલાઈન શિક્ષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા ચાર મહિનાથી શાળાઓનો વહિવટ બંધ છે ત્યારે અગાઉ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ઓનલાઈન શિક્ષણ બંધ કરતા વાલી અને વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી જોકે “ભણતર વિનાનો ભાર બાળકોને નહીં પરંતુ વાલીઓ અને સ્કુલોને નડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શિક્ષક અને વાલી આ બંને બાળકોનાં ઈસ્ટમિત્રો છે આ બંનેની ફરજ છે કે બાળકોનાં હિતમાં વિચારવું અને સારું શિક્ષણ આપવું ત્યારે આજથી બંધ થયેલું ઓનલાઈન શિક્ષણ સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા ફરી શરૂ કરવામાં આવ્યું છે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સ્વનિર્ભર સ્કુલોનાં સંચાલકોએ ઓનલાઈન શિક્ષણ આજથી આપવાનો નિર્ણય કર્યો હોવાથી સરકાર હવે સ્વનિર્ભર સ્કુલનાં બાળકોને શિક્ષણ આપશે નહીં. જે ગુજરાતી માધ્યમનાં બાળકોને સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે તે યથાવત રહેશે પણ સ્વનિર્ભર સ્કુલનાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનાં વિદ્યાર્થીઓ માટે હવે નવી વ્યવસ્થા ઉભી કરાશે નહીં જોકે સંચાલકો જો ઓનલાઈન શિક્ષણ બંધ કરશે તો સરકાર ઓનલાઈન શિક્ષણ આપશે.

ગુજરાત રાજયનાં શિક્ષણ વિભાગનાં ૧૬ જુલાઈ ૨૦૨૦નાં આદેશ મુજબ શાળાઓએ ફી ન ઉઘરાવવાની વાત કરવામાં આવી હતી તેનાથી સ્વનિર્ભર શાળાઓ આઘાત અનુભવતા ૨૩ જુલાઈ ૨૦૨૦નાં રોજ મહામંડળ દ્વારા સમગ્ર ગુજરાતની શાળાઓ સાથે ચર્ચા કરી હતી અને અન્ન અદ્યયનની અસહકારની શાંતીપૂર્ણ રજુઆત કરી હતી. વાલીઓએ શાંતીપૂર્ણ આંદોલનને સ્વીકાર્યું હતું જે સંદર્ભે સોશિયલ મીડિયાનાં માધ્યમથી અને ટેલીફોનીક રીતે ઓનલાઈન એજયુકેશન ફરી શરૂ કરવા વાલીઓએ માંગ કરી હતી. સ્વનિર્ભર શાળાઓએ રાજય સરકારનાં જીઆરને પરત ખેંચવા ગુજરાત હાઈકોર્ટમાં ૨૪ જુલાઈનાં રોજ પીટીશન દાખલ કરી હતી અને ગુજરાતની સ્વનિર્ભર શાળાઓમાં લાખો કમર્ર્ચારીઓ અને શિક્ષકોને ચોકકસ ન્યાય મળે તેવી માંગ કરી હતી અને આજથી ઓનલાઈન શિક્ષણકાર્ય ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી.

વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શાળા સંચાલકોને ઓનલાઈન શિક્ષણ આપવા ઘણા બધા ફોન કોલ, મેસેજ આવેલા જે અનુસંધાને નાના બાળકોનું શિક્ષણ જોખમાય નહીં અને શિક્ષણથી બાળક વિમુખ ન થાય તે અન્વયે વહિવટી રીતે ગુજરાત રાજયની તમામ શાળાઓ બંધ રહેશે પરંતુ બાળકોનું શિક્ષણ વધારે ન બગડે તે માટે આજથી ફરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા જાહેરાત કર્યા બાદ શિક્ષણકાર્ય ફરી ધમધમતું થયું છે જોકે સરકાર સામે હજુ સ્વનિર્ભર શાળા સંચાલકોનો રોષ યથાવત છે. આ મામલે બાળકોનાં હિતમાં વિચારવું એ શિક્ષકોની અને સ્કુલોની ફરજ છે કેમ કે, વાલી અને શિક્ષકો બંને વિદ્યાર્થીઓનાં ઈસ્ટમિત્ર ગણી શકાય જેથી બંનેની ફરજ છે કે, વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે અને તેના ભવિષ્યનાં હિતમાં રાખીને આગામી દિવસોમાં નિર્ણય લેવાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.