આજના છાત્રોને શિક્ષણમાં રસ ઓછો પડવા લાગ્યો છે ત્યારે તેના રસ-રૂચી અને વલણોને ધ્યાને શિક્ષક વર્ગખંડમાં કાર્ય કરશે તો તે બાળક ભણવા લાગશે

વર્ષોથી ચાલી આવતી શિક્ષણ પધ્ધતિમાં ઘણી ઉણપો છે. બાળકને શિક્ષણમાં જે મળવું જોઇએ તે મળતું નથી. જેમાં સિસ્ટમનો પણ વાંક છે. શાળાકિય વાતાવરણ-શિક્ષકોનું માર્ગદર્શન ફક્ત પુસ્તકિયા જ્ઞાન પુરતું સિમિત રહેતા બાળકને રસ ઉઠી જાય છે. આજે ઘણા બાળકો વર્ષોથી ચાલી આવતી એક સરખી શિક્ષણ વ્યવસ્થાથી કંટાળીને અધવચ્ચેથી અભ્યાસ મુકી દે છે. ધો.1માં પ્રવેશ પામતા કુલ બાળકો પૈકી ધો.7 કે 8 સુધીમાં 80 ટકા જ બચે છે જે ધો.10-12 સુધીમાં તો 60 થી 65 ટકા જ બચશે. રસહિન શિક્ષણથી કંટાળીને અધવચ્ચે શિક્ષણ મુકતાની ડ્રોપ આઉટ સમસ્યા આગળ જતા મુશ્કેલી સર્જે છે.

આપણે સૌ બાળકોને મારી મચકોડીને ભણાવવાની કોશિશમાં આખી જીંદગી ખર્ચી નાખીએ પણ તેને ભણતો કરવા કે રસ જાગે તેવું કરવા ક્યારેય વિચાર કર્યો નથી. બાળક તેના ઘર કે આસપાસના વાતાવરણમાંથી ઘણુ બધું શીખીને શાળાએ આવે છે ત્યારે તેને સિધો પુસ્તકીયા જ્ઞાનમાં પુરી દેવાથી તેનો રસ ખાટો થઇ જાય છે. પાયાના શિક્ષણમાં રમત, પ્રવૃતિ, બાળગીતો, વાર્તા, ચિત્રો જેવી વિવિધ ઇત્તર પ્રવૃતિનો મોટો ફાળો છે પણ આપણે ક્યારેય આ બાબતે લક્ષ્ય આપ્યું જ નથી. શિક્ષકે પણ બાળકના રસ-રૂચીને ધ્યાને લીધા વગર સીધા વર્ષોથી ચાલી આવતી ટેકનીક પર જ ભાર મુક્યો છે. તેથી બાળક કંટાળી જાય છે.

રસહીન શિક્ષણનો બાળકને ભાર લાગે છે તેથી હવે નવાયુગના તાલે ભાર વગરના ભણતરની વાતો થાય છે પણ આ માટે શિક્ષકો કેટલા સજ્જ છે તે જોવું પડે. શિક્ષક સજ્જતા અને અસરકાર વર્ગ વ્યવસ્થા આ બે શબ્દોનું અસરકારક શિક્ષણમાં ઘણું મહત્વ છે, પણ આજે કોઇ આ બાબતને ચિંતિત નથી કે કાર્ય કરતું નથી. અનક્વોલીફાઇડ શિક્ષકોને બાળ મનોવિજ્ઞાન વિશે કશી જ ખબર ન હોવાથી તે પોતાની રીતે કોર્ષ પુરો કરીને બાળકને માત્ર ગોખણપટ્ટી કરીને પોપટ બનાવી દે છે. ખરેખર તો બાળકને ભણતર સાથે ગણતરની વિશેષ જરૂરિયાત હોય છે.

બાળક પોતે જ પોતાનામાં વિશિષ્ઠ અને મહાન છે ત્યારે તેના સંર્વાંગી વિકાસ માટે આજે કોણ સક્રિય કાર્ય કરે છે? આ પ્રશ્ર્નનો જવાબ કોઇ પાસે નથી. દરેક બાળકમાં તેની વયકક્ષા મુજબ ક્ષમતાઓ પડેલી છે જે દરેક બાળકમાં અલગ-અલગ હોય છે તે ઓળખવી શિક્ષકની કામગીરી છે. ઓળખ્યા બાદ તેનો પ્રોત્સાહન આપીને તેનો વિકાસ કરવો પણ શાળા સંકુલ-શિક્ષક અને મા-બાપની ફરજ છે. આજના યુગમાં બાળકોને શેમાં રસ છે તે કોઇ પૂછતું જ નથી. ધીમેધીમે હવે છાત્રોને ભણવામાં રસ ઓછો પડવા લાગ્યો છે.

એક વાત નક્કી છે કે બાળકને ક્યારેય ભણાવી ન શકાય માત્ર તેને શિક્ષકના માર્ગદર્શન તળે મળેલા વિવિધ અનુભવો થકી તે પોતાની રીતે ભણતો થાય છે. સ્વઅધ્યયનનો હેતું એ છે કે બાળક સમજે-વિચારે અને જાતે અધ્યયન કરતો થાય. ગૃહકાર્ય તો તેના દ્રઢિકરણ માટે છે. ગણિતમાં આપેલા મહાવરો એક દાખલો તે ગણે પછી તે વાજ બીજા દાખલા જાતે ગણતો થાય તે જરૂરી છે, અહિં તેને પડતી મુશ્કેલીમાં શિક્ષક માર્ગદર્શકની ભૂમિકામાં હોય છે.

બાળકને ભણતો કરવામાં વર્ગખંડનું વાતાવરણ ઘણી અસર પાડે છે. ક્વોલીટીસભર કે ગુણવત્તાવાળું શિક્ષણ બાળકને મળે તો તેને આપોઆપ રસ જાગવા માંડે છે. શિક્ષણ પધ્ધતિની વિવિધ ટેકનીકથી બાળકમાં રસ જગાડી શકાય છે. આજે કોઇ પધ્ધતિનો ઉપયોગ વર્ગખંડમાં કરતાં નથી ને ફક્ત વર્ષોથી ચાલતી આવતી વનસાઇડ મેથડથી બાળકોને પાઠ સમજાવાય છે. ચિત્ર, સંગીત, રમત, નાટ્ય, ગાયન, વાદન જેવી વિવિધ ઇત્તરકલાના માધ્યમ વડે જો એકમ સમજાવાય તો તે ચિરંજીવી બને છે ને ખાસ તો પ્રવૃતિમય શિક્ષણથી બાળકને જાતે ભણવાનો ઉમળકો જાગે છે.

કલ્પનાશક્તિ સાથે છાત્રોની મૌખિક અભિવ્યક્તિ ખીલવીને તેનો ધાર્યો સંર્વાંગી વિકાસ કરી શકાય છે. વાંચન, ગણન, લેખનમાં પાવરફૂલ બનાવવા તેને પ્રથમ રસમય શિક્ષણમાં જોડવો જરૂરી છે જેનો માટે વિવિધ પ્રવૃતિ-પ્રોજેક્ટમાં તેની સામેલગીરી આવશ્યક છે. શિક્ષક તેની વિવિધ આવડત વડે જ તેને શિક્ષણમાં રસ લેતો કરી શકે છે. વિવિધ સમજ માટે શિક્ષણમાં ટીચીંગ-લર્નીંગ મટીરીયલ્સનું વિશેષ મહત્વ છે. તેના દ્વારા બાળક ઝડપથી શીખી શકે છે. ચિત્ર જોઇને બાળકને વાંચતા-લખતા આવડતું ન હોવા છતાં તે ચિત્રના દ્રશ્યો વિશે ઘણું બોલે છે તે જ બતાવે છે કે બાળકમાં કેટલી શક્તિ પડેલી છે. નવાયુગના દ્રશ્ય-શ્રાવ્ય સાધનો તથા સ્માર્ટ ક્લાસરૂમ થકી શિક્ષણને રસમય બનાવીને બાળકને પુરી એકાગ્રતાથી જોડી શકાય છે.

આજે બાળક ભણવાથી દૂર ભાગે છે ત્યારે શિક્ષકો મા-બાપો તેને દબાણ કરીને પરાણે ભણાવે છે જે ખોટું છે તેને રસ જ નથી તો તમે ગમે તેવું ભણાવો તો તે યાદ રહેવાનું જ નથી. બાળક ઉપર પુરતું ધ્યાન આપીને તેને જેમાં રસ છે તે પ્રમાણે પ્રોત્સાહન આપો તો જ તમને ધાર્યા પરિણામો મળશે. બાળકની દિનચર્યામાં તેને રમવાનો સમય આપો ને તેના જેવડા બાળકો સાથે તે રમે તેવી તમે વ્યવસ્થા કરો, ભણતો કરવાનું ટાઇમ-ટેબલ તેની વયકક્ષા મુજબ રસમય હોવું જરૂરી છે. ભણવા માટેની યોગ્ય વ્યવસ્થા પણ બહું જ મોટી અસર કરે છે. આપણે સૌથી મોટી ભૂલ તેને બીજા બાળકો સાથે સરખામણી કરીને તેની ક્ષમતાને ભાંગી નાખીએ છીએ.

નિયત વિષયોમાં આવતા તમામ શૈક્ષણિક રમકડા સાથે લાઇફસ્કીલના કૌશલ્યોમાં વધારો કરીને તેને ભણતો કે રસ લે તો કરી શકાય. વર્ગખંડની ચાર દિવાલ વચ્ચે ભણતા 40 બાળકોનો, વર્ગખંડનો રાજા શિક્ષક જ છે. તેની આવડત જ ગુણવત્તાસભર શિક્ષણ આપી શકે છે. બાળક પોતાની વ્યથા બેધડક શિક્ષકને જણાવી શકે તે વર્ગ વ્યવહાર સૌથી શ્રેષ્ઠ ગણી શકાય. મોટા બાળકો તો સમજ આવતાં તે પાસ થવા પુરતો રસ લે છે પણ નાના બાળકોમાં શિક્ષકની કપરી કસોટી થાય છે. પાયાથી રહેલી નબળાઇઓ આગળ જતાં મુશ્કેલી ઉભી કરે છે. આપણે કોઇ દિવસ પૂછતાં જ નથી કે તેને શું ભણવું છે? આપણે આપણા રસ મુજબ ભણાવવા લાગીએ છીએ જે તેને ભાગરૂપ લાગે છે. તરંગ, ઉલ્લાસમય, આનંદ શિક્ષણ પધ્ધતિ શ્રેષ્ઠ પધ્ધતિ છે. શિક્ષણમાં રસ-રૂચિને વલણોનું વિશેષ મહત્વ છે પણ આ વાત આજે સમજે કોણ? આજે તો છાત્રોને બધું જ રેડીરેકનર જેવું આપી દઇએ છતાં તે ભણતો નથી? આ પ્રશ્ર્નનો જવાબ બધા પોતાના દિલને પૂછીને જવાબ મેળવજો.

જ્ઞાન સાથે ગમ્મતને જોડીને શિક્ષણને રસમય બનાવો

આજે બાળકો શાળામાં જેમ તેમ ટાઇમ પૂર્ણ કરશે પણ ઘરે લેશન કરવામાં તેને જરાય રસ પડતો નથી. રસહિન શિક્ષણના ઢસરડારૂપી લેશન કરાવવા મા-બાપે તેની ગમતી વસ્તુ કે ચોકલેટની લાલચ આપવી પડે છે. બાળકને ભણતો કરવા જ્ઞાન સાથે ગમ્મતની પધ્ધતિ સૌથી શ્રેષ્ઠ છે અને શિક્ષણને રસમય-રોચક બનાવો જે બાળકોની ક્ષમતામાં વધારો કરી શકે. શિક્ષક તો હવે નિયમને કારણે શિક્ષા કરતાં બંધ થયા પણ હવે વાલીઓ ગૃહકાર્ય ન કરે તો મારવા લાગે છે. કારણ કે તેને દેખાદેખીમાં તેના બાળકને રાતોરાત હોશિંયાર બનાવી દેવો છે. પોતાના સંતાનને શેમા રસ છે તે આજના મા-બાપો જ જાણતા નથી તેથી સમસ્યા મોટી થઇ જાય છે. પ્રેમ-હુંફ અને લાગણી આ ત્રણ શબ્દો બાળકને ભણતો કરવામાં ઘણાં ઉપયોગી થાય છે પણ આજે બાળકને સાંભળે કોણ છે. શિક્ષણની આ રસહિન પધ્ધતિના કારણે શાળાઓએ કાઉન્સીલર કે ચાઇલ્ડ સાયકોલોજીસ્ટને રાખવા પડશે એ દિવસો દૂર નથી. નવી શિક્ષણ નિતિ-2020માં સ્કીલ બેઇઝ સાથે પ્રારંભિક બાળ શિક્ષા અભ્યાસમાં વિશેષ દરકાર કરી છે પણ તે લાગુ પડશે ત્યારે ખબર પડશે હાલ તો બાળકને ભણતો કેમ કરવો તે મોટો પ્રશ્ર્ન છે.

બાળકને ક્યારેય ભણાવી ન શકાય તે શિક્ષકના માર્ગદર્શને અને પોતાના અનુભવે વિવિધ વસ્તુઓ સતત શિખતો રહે છે: વર્ગખંડનું વાતાવરણ જ એવુ નિર્માણ શિક્ષક કરે કે તેમાં બાળકને ભણવાની તીવ્ર ઇચ્છા થાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.