સેમેસ્ટર પઘ્ધતિમાં હજુ કોલેજ કયારે ખુલશે તે નકકી નથી ત્યારે સેમેસ્ટર પઘ્ધતિનો અમલ થઈ શકે તેમ નથી: સીલેબસ ઘટાડવાની વાત છે ત્યારે માર્ચ-૨૦૨૧માં એક જ મુલ્યાંકન જરૂરી
કોરોનાની મહામારીમાં જુન-૨૦૨૦થી કોલેજોમાં નવું શૈક્ષણિક સત્ર ઓનલાઈન શરૂ થયું હજુ કોરોનાની ઈફેકટનાં કારણે કોલેજો શરૂ નથી થઈ ત્યારે સેમેસ્ટર પઘ્ધતિનો અમલ થઈ શકે તેવી કોઈ જ સ્થિતિ વર્તમાન સમયે દેખાતી નથી ત્યારે વર્ષના અંતે માર્ચ-૨૦૨૧માં જ એક મુલ્યાંકન કરાય તો છાત્રોને રાહત થઈ શકે તેમ છે. આમ જોઈએ તો પહેલા છ માસિક અને વાર્ષિક પરીક્ષા લેવાતી હતી હવે સેમેસ્ટર-૧ અને ૨ થયું ત્યારે કોરોનાને કારણે શિક્ષણ વ્યવસ્થા અભ્યાસ સાથે તેના મુલ્યાંકનની વ્યવસ્થા પણ ખોરવાઈ પડી છે. વિદેશોમાં તો આખું વર્ષ કેન્સલ કરીને ૨૦૨૧થી નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવાની તૈયારીઓ થઈ ચુકી છે. આપણે હજુ કોલેજો ખુલવાની રાહ જોઈને બેઠા છીએ ત્યારે આ વર્ષે સેમેસ્ટર સિસ્ટમ મુજબ ચાલવુ અશકય દેખાય રહ્યું છે ત્યારે છાત્રોનાં હિતમાં વાત કરીએ તો મુલ્યાંકનનો મોટો પ્રશ્ર્ન છે. સમયની માંગ સાથે પરીવર્તન અનિવાર્ય અને આવશ્યક છે. એક તરફ આપણે આપણા અભ્યાસક્રમો બદલતા રહીએ છીએ. નવી-નવી કેટલી બાબતો અભ્યાસક્રમનો હિસ્સો બની રહે છે ત્યારે અઘ્યાપનની આપણી પરંપરાગત પઘ્ધતિનાં વિકલ્પે નહીં પરંતુ નવી શૈક્ષણિક પઘ્ધતિનો સહાયક તરીકે ઉપયોગ કરવો જોઈએ. આ પ્રવર્તમાન સમયમાં દિન-પ્રતિદિન વ્યકિત, વાલી અને શિક્ષકોની સાથો સાથ વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ કથળતી જાય છે અને ચિંતાઓનો ભાર વધતો જતો હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાની વૈશ્ર્વિક મહામારીમાં હાલ એક વર્ષ પુરતુ સેમેસ્ટર સિસ્ટમ દુર કરી વાર્ષિક પઘ્ધતિ મુજબ પરીક્ષા લેવી અનિવાર્ય છે.
સેમેસ્ટર પઘ્ધતિ એટલે શિક્ષણ અભ્યાસમાં છ મહિને લેવાતી ફાઈનલ પરીક્ષા. ગુજરાતમાં ૨૦૦૯-૧૦માં રાજયની યુનિવર્સિટી કોલેજ શિક્ષણમાં સીબીએસઈસી સેમેસ્ટર પઘ્ધતિ અમલમાં મુકવામાં આવી ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રવાહમાં તબકકાવાર તેનો અમલ શરૂ થયો. રાજયની અન્ય યુનિવર્સિટીમાં ૨૦૧૦-૧૧નાં વર્ષમાં સેમેસ્ટર પઘ્ધતિ દાખલ થઈ. શિક્ષણમાં કાર્યક્ષમતા વધે, સમાનતા આવે અને કૌશલ્ય બહાર આવે અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દેશનાં વિદ્યાર્થીઓ એક સમાન રીતે સ્પર્ધા કરી શકે તે હેતુથી યુજીસીએ સેમેસ્ટર શિક્ષણ પઘ્ધતિ દાખલ કરી.
વાર્ષિક અભ્યાસ પઘ્ધતિ એ એક પરંપરાગત પઘ્ધતિ છે જે વિદ્યાર્થીઓનાં ખ્યાલોને સમજવા અને પકડવાની પુરતી તક આપે છે. આ પરીક્ષામાં વ્યકિતલક્ષી અને ઉદેશ્ય બંને પાસાઓનો સમાવેશ થાય છે પરંતુ તે મુખ્યત્વે વ્યકિતલક્ષી અથવા વ્યાપક પરીક્ષાનાં પરીક્ષણો લે છે. શિક્ષણની વાર્ષિક પઘ્ધતિમાં શૈક્ષણિક વર્ષને વિવિધ શરતોમાં વહેંચવામાં આવતું નથી. વર્ષની અંતિમ પરીક્ષા એટલે જેને વાર્ષિક પરીક્ષા તરીકે ઓળખવામાં આવે છે તે વર્ષ દરમિયાન શીખવાની એકમાત્ર પરીક્ષા છે. ભારતની ઘણી કોલેજોમાં અને શાળાઓમાં હજુ વાર્ષિક અભ્યાસ પઘ્ધતિ ચાલે છે. કારણકે વિદ્યાર્થીઓને સંપૂર્ણ અભ્યાસની સાથે જ્ઞાન આપી શકાય છે. વાર્ષિક અભ્યાસ પઘ્ધતિનો હેતુ સંપૂર્ણ શિક્ષણ આપવાના ઉદેશ્ય સાથે સંકળાયેલ છે જેથી આ પઘ્ધતિ અમલમાં મુકવામાં આવી હતી. હાલની સાંપ્રત પરિસ્થિતિ મુજબ દેશભરની તમામ કોલેજોમાં એક વર્ષ માટે વાર્ષિક પઘ્ધતિ અમલમાં આવવી જોઈએ કેમ કે હજુ વાસ્તવિક રીતે કોલેજો શરૂ થઈ નથી. કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવી રહ્યા છે ત્યારે વર્ષના અંતે કોરોનાની સ્થિતિ હળવી થાય અને માર્ચ-એપ્રિલમાં વાર્ષિક પરીક્ષા લેવાય તે જરૂરી બન્યું છે.
સેમેસ્ટર પરીક્ષા પઘ્ધતિથી શિક્ષણનું સ્તર ઉન્નત થયું છે: ડો.ડિમ્પલ રામાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવૈજ્ઞાનિક ભવનનાં આસીસ્ટન્ટ પ્રોફેસર ડો.ડિમ્પલ રામાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિ મુજબ વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે હજુ કોલેજો કયારે શરૂ થશે તે પણ નકકી નથી જોકે સરકાર દ્વારા ચાલુ વર્ષે માત્ર વાર્ષિક પરીક્ષા જ લેવામાં આવે તો વિદ્યાર્થીઓને ખુબ ફાયદો થશે અને શિક્ષકોનો મનોભાર પણ ઓછો થશે. આમ જોવા જોઈએ તો સેમેસ્ટર પઘ્ધતિ અને વાર્ષિક પરીક્ષા પઘ્ધતિ બંને યોગ્ય જ છે. કોઈ અભ્યાસ પઘ્ધતિની મર્યાદા જાણી તેની ખામીને દુર કરી શકાય. સેમેસ્ટર પઘ્ધતિ લાગુ થયા બાદ શિક્ષણનું સ્તર વધારે ઉન્નત થયું છે. કેમ કે વિદ્યાર્થીઓને ઈન્ટરનલ માર્કસનાં કારણે વધુ લાભ થાય છે. સેમેસ્ટર પઘ્ધતિથી વિદ્યાર્થીઓ સરળતાથી શીખી શકે છે અને એક સેમેસ્ટર પુરુ થતા બીજા સેમેસ્ટરની ચિંતા રહેતી નથી.
ચાલુ વર્ષે વાર્ષિક એક જ પરીક્ષા લેવાય તો વિદ્યાર્થીઓને ફાયદો થશે: ડો.સર્વેશ્ર્વર ચૌહાણ
હરીવંદના કોલેજના ટ્રસ્ટી ડો.સર્વેશ્ર્વર ચૌહાણે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં તો વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે અને સેમેસ્ટર સિસ્ટમ મુજબ જ અભ્યાસ ચલાવવામાં આવી રહ્યો છે. ભુતકાળમાં જયારે વાર્ષિક પઘ્ધતિ હતી ત્યારે જે-તે સંસ્થા પાસે ઈન્ટરનલ માર્ક દેવાની સતા ન હતી જયારે હાલમાં સેમેસ્ટર પઘ્ધતિમાં જે-તે સંસ્થા ઈન્ટરનલ માર્ક આપી શકે છે. હાલની સ્થિતિમાં સેમેસ્ટર મુજબ પરીક્ષા લેવી યુનિવર્સિટી અને કોલેજો માટે થોડુ અઘરુ સાબિત થાય તેમ છે. જો યુજીસી અને સરકાર દ્વારા ચાલુ વર્ષે વાર્ષિક પઘ્ધતિ મુજબ પરીક્ષા લેવાય તો વિદ્યાર્થીઓનાં હિતમાં નિર્ણય થશે. સેમેસ્ટર પઘ્ધતિ લાગુ થયા બાદ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓ પોતાની કોલેજમાં જ પ્રેઝન્ટેશન આપતા થયા છે તેની સ્કીલ પણ બહાર આવી છે. વિદ્યાર્થીઓને સેમેસ્ટર પઘ્ધતિનો ખાસ્સો લાભ મળ્યો છે અને શિક્ષણનું સ્તર પણ સુધર્યું છે પરંતુ જો આ એક વર્ષ વાર્ષિક પઘ્ધતિ મુજબ તે જ કોર્સમાં પરીક્ષામાં લેવામાં આવે તો વિદ્યાર્થી અને શિક્ષણ બંનેને ચોકકસથી ફાયદો થઈ શકે છે.
સેમેસ્ટર પઘ્ધતિથી વિદ્યાર્થીઓ વિવિધ વિષયોનું જ્ઞાન મેળવે છે: ડો.નરેશ જાડેજા
મારવાડી યુનિવર્સિટીનાં રજીસ્ટાર ડો.નરેશ જાડેજાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખાસ તો આજના યુગમાં સેમેસ્ટર અને વાર્ષિક પઘ્ધતિમાં મેજર ડિફરન્સ એ જ કહી શકાય કે સેમેસ્ટર પઘ્ધતિથી વિદ્યાર્થીઓને વધુ સ્પેશ્યાલાઈઝેશન અને વિષયને વધુ પસંદ કરવાની તક મળી છે. વાર્ષિક પઘ્ધતિમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે એક મર્યાદા આવી જાય છે. સાતથી વધુ વિષય વાર્ષિક પઘ્ધતિમાં ભણાવી ન શકાય જયારે ચોઈસ બેઈઝ ક્રેડીટ સિસ્ટમ એટલે કે સેમેસ્ટર સિસ્ટમમાં વેરાયટી ઓફ નોલેજ વિદ્યાર્થીઓ મેળવી શકે છે અને હવે કોરોનાનાં ૪ મહિના ગયા બાદ વાર્ષિક સિસ્ટમ અમલી કરવી પણ યોગ્ય નથી કેમ કે તમામ કોલેજો અને યુનિવર્સિટીઓએ છ માસનો કોર્સ તો ઓનલાઈન ચલાવી દીધો છે અને સેમેસ્ટર પઘ્ધતિ લાગુ થયા બાદ એક વાત ચોકકસ કહી શકાય કે વિદ્યાર્થીઓને અલગ-અલગ વિષયોનું નોલેજ પ્રાપ્ત થયું છે અને શિક્ષણનું સ્તર પણ ઉંચુ આવ્યું છે.