બસપોર્ટમાં સેનેટાઈઝ-માસ્ક સાથે સેફટીનાં બાટલા પણ ખંભે નાખી જવુ પડશે!?
રૂપાણી સરકારનું સ્વપ્ન રોળાયું!
રાજકોટનાં ઢેબર રોડ પર આવેલ જુના બસ સ્ટેન્ડની જગ્યાએ અદ્યતન સુવિધાસભર નવું બસપોર્ટ રૂપાણી સરકાર બનાવવામાં આવ્યું છે. જોકે એરપોર્ટને પણ ઝાંખા પાડે તેવા બસપોર્ટમાં ખાટલે મોટી ખોટ હોય તેમ સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. આ જોઈ સંવેદનશીલ રૂપાણી સરકારને કેવો આઘાટ લાગશે ? સારું છે કે, લોકડાઉનમાં રૂપાણી સરકાર રાજકોટમાં નથી આવ્યા. પાંચ મહિના પહેલા ૨૫ જાન્યુઆરીનાં રોજ નવા બસપોર્ટનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું જોકે આજે પાંચ મહિના બાદ કોઈપણ જાતનાં ઉદઘાટન વિના જ બસોને દોડતી કરી દેવામાં આવી છે. પહેલા લોકોની સેફટી નહીં પરંતુ બસ સ્ટેન્ડમાં પુરતા સેફટીનાં સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે. રૂપાણી સરકારનું સ્વપ્ન રોડતું રાજકોટ એસ.ટી. બસપોર્ટ નજરે ચડી ગયું છે. મોજે દરીયા નહીં પરંતુ ‘જોખમ’નાં દરિયા હોય તે સમાન નવા બસપોર્ટની હાલત થઈ છે. કોરોનાની મહામારીમાં સેનેટાઇઝ-માસ્ક સાથોસાથ સેફટીનાં બાટલા પણ મુસાફરોને ખંભે નાખી જવું પડે તેવી હાલત ઉભી થઈ છે.
ઉલ્લેખનીય છેકે, ૨૫ જાન્યુઆરી ૨૦૨૦નાં રોજ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે નવા બસપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જોકે તેના પાંચ મહિના વીતી ગયા હોવા છતાં બસપોર્ટ ખાતેથી બસોનું સંચાલન કરવામાં આવ્યું ન હતું જોકે આજે અષાઢી બીજનાં રોજ કોઈપણ જાતનાં ઉદઘાટન વિના બસપોર્ટ શરૂ કરાયું છે. ‘અબતક’નાં ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગમાં નવા બસપોર્ટમાં રોકાણો કરવા છતાં પાયાની સુવિધાઓમાં જ અભાવ જોવા મળ્યા હતા. આશરે ૧૫૪ કરોડનાં ખર્ચે તૈયાર થયેલું બસપોર્ટ અનેક પાયાઓની સુવિધાથી વંચિત છે. આજે સવારથી નવા બસપોર્ટ ખાતે સૌરાષ્ટ્ર સિવાયની બસોનું સંચાલન શરૂ થયું છે જોકે હજુ મુસાફરોને વેઈટીંગ રૂમમાં બેસવાની જગ્યાનો અભાવ, પાણીનાં પ્રશ્ર્નો, પાર્કિંગનાં પ્રશ્ર્નો ઉભાને ઉભા છે.
આ ઉપરાંત બસપોર્ટમાં ફુડ કોટ પણ શરૂ થયા નથી તેમજ ત્રીજા-ચોથા ફલોર પર તો એક પણ વેપારીએ દુકાનો પણ ખરીદી નથી. આ ઉપરાંત ઘણીખરી જગ્યાએ ગંદકીનાં ગંજ પણ જોવા મળ્યા હતા. બસપોર્ટમાં લીફટ પણ શરૂ થઈ નથી તેમજ લાઈટીંગનાં વાયરો પણ નીચે લબડતા જોવા મળ્યા હતા. બસપોર્ટની પાછળનો ભાગ એટલે કે ઢેબર રોડ સાઈડ ઘણુખરું ક્ધટ્રકશન કામ પણ બાકી હોય કોન્ટ્રાકટરો દ્વારા મોટી-મોટી વાતો જ કરવામાં આવી રહી છે. આ બસ સ્ટેન્ડને જોતા એવું લાગી રહ્યું છે કે, એસ.ટી. સલામત સવારી નહીં પરંતુ જોખમી સવારી સાબિત થાય તેમ છે.
પીપીપીનાં ધોરણે બનેલા આઈકોનિક બસ ટર્મિનલ ૧૧,૧૭૮ ચો.મી.નો વિસ્તાર ધરાવે છે. બસ ટર્મિનલની પ્રોજેકટ કિંમત રૂા.૮.૬૬ કરોડ છે. રૂટની વિગત જોઈએ તો પ્લેટફોર્મ નં.૧, ૨ અને ૩ ઉપર પ્રિમીયમ સર્વિસ, પ્લેટફોર્મ નં.૪, ૫ અને ૬ ઉપર અમદાવાદ, ગાંધીનગર, મોડાસા, હિંમતનગર, મહેસાણા, સિઘ્ધપુર, પાલનપુર, ડિસા, દિયાદરો, થરાદ, પાટણ, અંબાજી, ઉદયપુર અને રાજસ્થાન જવા માટેની બસો મળશે. પ્લેટફોર્મ નં. ૭, ૮ ઉપરથી લીંબડી, ખેડા, નડીયાદ, આણંદ, બરોડા, રાજપીપળા, ભરૂચ, અંકલેશ્ર્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી, નાસિક, શીરડી અને મહારાષ્ટ્રની બસો મળશે. પ્લેટફોર્મ નં.૯, ૧૦ અને ૧૧ ઉપર ચોટીલા, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, રાધનપુર, ડાકોર, ગોધરા, દાહોદ, છોટા ઉદેપુર, કોવાટ, પંચમહાલ, મધ્યપ્રદેશની બસો મળશે. હાલ બસપોર્ટમાં અનેક પાયાઓની સુવિધાઓનો અભાવ છે ત્યારે બસપોર્ટમાં તમામ સુવિધાઓની સવલતો મુસાફરોને કયારથી મળશે તે ચર્ચાનો વિષય બન્યો છે.
રીફ્રેશીંગની જગ્યાએ યુરીનલે ટેકો લીધો?
રાજકોટમાં ૧૫૪ કરોડનાં ખર્ચે તૈયાર થયેલ બસપોર્ટનો આજથી પ્રારંભ થયો છે. માત્ર કાગળ પર જ વાંચી શકાય તેવી મોટી-મોટી વાતો અધિકારીઓ અને કોન્ટ્રાકટરો દ્વારા કરવામાં આવી હતી પરંતુ હકિકત તો એવી છે કે એરપોર્ટ જેવા આધુનિક બસપોર્ટમાં મુસાફરોને રીફ્રેશ થવા માટેની સવલતો આપવાની વાત હતી જોકે ત્યાં જનરલ યુરિનલનાં પણ ફાફા હોય તેવું લાગી રહ્યું છે. મુસાફરો માટે બાથરૂમ જવાની પણ પુરતી વ્યવસ્થા હજુ શરૂ કરાઈ નથી ત્યારે મોટી-મોટી વાતો કરનારા કોન્ટ્રાકટરો અને અધિકારીઓ કયારે કામ પુરું કરે તે પણ એક સવાલ છે.
વેઈટીંગ રૂમમાં ‘વેઈટીંગ’માં ઉભા રહેવાની સવલત ઉપલબ્ધ!
એકબાજુ રાજકોટનાં બસપોર્ટનો બહારથી અદભુત નજારો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ અંદર ડોકયું કરીએ તો પાયાની સુવિધા જ પુરતી નથી. નવા બસપોર્ટમાં અત્યંત વેઈટીંગ રૂમ બનાવવામાં આવ્યો છે જોકે આ વેઈટીંગ રૂમમાં બેસવા માટેનાં સોફા કે ખુરશી દેખાતા નથી. વેઈટીંગ રૂમમાં મુસાફરોને ‘વેઈટીંગ’માં ઉભા રહેવાની સવલત ઉપલબ્ધ છે.
એસ.ટી. બસપોર્ટ હવા મહેલ કે ભુતિયા મહેલ?
ઢેબર રોડ પર આવેલા બસ સ્ટેન્ડની શકલ બદલીને એરપોર્ટને પણ ટુંકુ પાડે તેવું બસપોર્ટ ઉભું કરવામાં આવ્યું છે. આશરે રૂા.૧૫૪ કરોડનાં ખર્ચે તૈયાર થયેલા આ બસપોર્ટમાં ચાર માળ ખડકવામાં આવ્યા છે. બસપોર્ટનાં લોકાર્પણને પણ પાંચ માસ થઈ ગયા છે ત્યારે હજુ બસપોર્ટમાં ત્રીજા અને ચોથા ફલોર પર એક પણ દુકાનો કે શો-રૂમ શરૂ થયા નથી અને વેચાયા પણ ન હોય તેવું સામે આવ્યું છે ત્યારે અબજો રૂપિયાનાં ખર્ચે તૈયાર થયેલું બસપોર્ટ હવા મહેલ કે ભુતિયા મહેલ ? તેવો સવાલ ઉભો થયો છે.
એસ.ટી.નાં પંખા પહેલા કબુતર ફુરરર થશે!
નવા બનેલા બસપોર્ટમાં એક પંખો ૪૦ પંખાની ગરજ સારે તેવા ૪ મોટા પંખા લગાવવામાં આવ્યા છે જોકે આ નવા બનાવેલા બસપોર્ટનો હજુ આજથી પ્રારંભ થયો છે ત્યાં તો પંખાનાં સ્ટેન્ડ પર કબુતરોએ પોતાનું ઘર વસાવી લીધું છે. બસપોર્ટનાં પંખા શરૂ થાય તે પહેલા કબુતર ફુરરર થઈ જશે.
મહિનો તો થવા દો બધું સમુ નમુ થઇ જશે: મેનેજર વરમોરાની હૈયા ધરપત
રાજકોટનાં બસપોર્ટનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ‘અબતક’ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરવામાં આવ્યું હતું જેમાં અનેક પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો ત્યારે આ મુદ્દે રાજકોટ એસ.ટી.ડેપોનાં મેનેજર નિશાંત વરમોરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજથી એરપોર્ટ જેવા બસપોર્ટનો પ્રારંભ થયો છે જેમાં મહિલા-પુરુષ માટે અલગ-અલગ વેઈટીંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ગેમીંગ ઝોન, શોપીંગ મોલ અને થિયેટરો પણ બનાવવામાં આવ્યા છે જે ટુંક સમયમાં શરૂ થઈ જશે. તેમજ અંડર ગ્રાઉન્ડ પાર્કિંગની પણ સવલત ઉભી કરાઈ છે જેમાં સિકયોરીટી ગાર્ડ, પ્રાઈવેટ ગાર્ડ અને સીસીટીવી કેમેરાની પણ અલાયદી વ્યવસ્થા છે. હાલ કોરોનાની મહામારીમાં મુસાફરોનું થર્મલ સ્ક્રીનીંગ કરી સેનેટાઈઝ કરીને જ પ્રવેશ આપવામાં આવે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, થોડુ ઘણુ કામકાજ બાકી છે જે ટુંક સમયમાં પુરુ થઈ જશે. આ ઉપરાંત મહિલા વેઈટીંગ રૂમ અને જેન્ટસ વેઈટીંગ રૂમ તેમજ વોલ્વોનો પણ અલંગ વેઈટીંગ રૂમ ટુંક સમયમાં જ શરૂ થશે અને જે પેઈડ શૌચાલય છે તેનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે અને તેમની શરતો અને નિયમો પ્રમાણે તે ચાલુ થશે. જુના બસ સ્ટેન્ડમાં પણ આ મુજબની વ્યવસ્થા હતી અને હાલ નવા બસપોર્ટમાં કોમર્શિયલ કક્ષાએ કોન્ટ્રાકટર દ્વારા કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. ટુંકમાં બસોનો વ્યવહાર ધીમે-ધીમે ચાલુ થાય એટલે થોડા સમયમાં જ બધુ સમુ-નમુ થઈ જવાની ડેપો મેનેજર વરમોરાએ હૈયાધારણા આપી છે.
એસ.ટી.ની મુસાફરી પહેલા ખીસ્સા કાતરૂથી સાવધાન કરશે કોણ?
ઢેબર રોડ પર સ્થિત નવા બસપોર્ટનો આજથી શુભારંભ થયો છે ત્યારે કોરોનાની મહામારી વચ્ચે એસ.ટી.નાં કર્મચારીઓ દ્વારા મુસાફરોનું થર્મલ ગનથી સ્ક્રીનીંગ કરી અને સેનેટાઈઝ આપીને અંદર પ્રવેશ આપવામાં આવે છે. અગાઉ પણ બસ સ્ટેશનમાં ખીસ્સા કાતરુંઓનો આતંક વધારે હતો જોકે આ સમસ્યા હજુ એવીને એવી ઉભી છે ત્યારે નવા બસપોર્ટમાં મુસાફરો એસ.ટી.ની મુસાફરી પહેલા ખીસ્સા કાતરુંથી સાવધાન કોણ કરશે ? તેવી ચર્ચા પણ લોકમુખે ચાલી રહી છે.
સુવિધાનાં ધાંધીયા વચ્ચે ઉઘરાણીનો અડ્ડો!
એરપોર્ટને પણ ઝાંખા પાડે તેવા રાજકોટનાં બસપોર્ટનો આજથી પ્રારંભ થયો છે જોકે પાયાની સુવિધાનાં અભાવ વચ્ચે બસપોર્ટમાં ઉઘરાણીનો અડ્ડો ચાલતો હોય તેમ પાર્કિંગમાં મુસાફરોને ગાડી રાખવાનાં પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે હજુ તો આજથી બસપોર્ટ શરૂ થયું તે પહેલા જ પાર્કિંગનાં રૂપિયા ઉઘરાવવાનું શરૂ થઈ ગયું છે. ટુ-વ્હીલરનાં એક કલાકનાં રૂા.૧૦ અને ફોર-વ્હીલનાં એક કલાકનાં રૂા.૨૦ હવે આમાં મુસાફરોને એસ.ટી.નું ભાડુ આપવું કે પોતાનાં વાહન પાર્ક કરવાનાં પૈસા આપવા તેવો સવાલ ઉભો થાય છે.