વિકસિત દેશોની જેમ હવે ભારત દેશ બચત નહીં પરંતુ વિકાસ તરફ અગ્રેસર
હાલ સમગ્ર ભારત દેશની સ્થિતિ અત્યંત દયનીય અને કફોડી હાલતમાં જોવા મળી રહી છે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા જે બજેટ રજુ કરવામાં આવ્યું તેમાં ઘણીખરી સુવિધાઓ લોકોને આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે અને ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપર વધુને વધુ પ્રાધાન્ય આપી દેશની આર્થિક સ્થિતિને મજબુત બનાવી શકાય તે દિશામાં પણ ઘણી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. માનવામાં આવે છે કે, વિશ્ર્વનાં અન્ય દેશોની જેમ ભારતમાં પણ હવે બચત તરફ નહીં પરંતુ વિકાસવાદ તરફ યુવાનો દોટ મુકી રહ્યા છે. ભારતની સરખામણીમાં અમેરિકાની વાત કરવામાં આવે તો ત્યાં લોકો બચત નહીં પરંતુ સાપ્તાહિક મળતી આવકમાં તેઓ રજાને પૂર્ણત: માણે છે જયારે ભારતમાં લોકો બચત તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
અમેરિકામાં કોસ્ટ કટીંગ ઉપર મુખ્યત્વે ધ્યાન આપવામાં આવે છે અને અર્નિંગ સિકયોરીટી પણ ભારત દેશ કરતા વધુ મજબુત હોવાનું પણ જોવામાં આવી રહ્યું છે. જયારે ભારત દેશમાં એક ઉંમર પછી લોકો અન્ય ઉપર નિર્ભર રહેતા હોય છે જે માટે તેઓ તેમના કાર્યકાળ દરમિયાન બચત કરવાનું ચુકતા નથી. અમેરિકામાં ગ્રેજયુએટ પાર્ટીમાં જે-તે વિદ્યાર્થી અથવા વિદ્યાર્થિનીઓના માતા-પિતા હાજર રહે છે ત્યારે માન્યતા એ છે કે ગ્રેજયુએશન પાર્ટીનાં બીજા જ દિવસે વિદ્યાર્થીઓ તેમના ઘરનાં સભ્યો નહીં પરંતુ એક મહેમાન તરીકે ઓળખાય છે જેથી તેઓએ તેમની વ્યવસ્થા પણ કરવી પડતી હોય છે. આ તમામ મુદાઓને ધ્યાને રાખી હાલ ભારત બચત તરફ નહીં પરંતુ વિકાસવાદ તરફ આગળ વધી રહ્યું હોય તેમ લાગે છે. માત્ર અમેરિકા જ નહીં પરંતુ વિશ્ર્વનાં જેટલા પણ વિકસિત દેશો છે તે બચત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે વિકાસવાદને કેવી રીતે વેગવંતુ બનાવી શકાય તે દિશામાં આગળ વધી રહ્યા છે. બજેટમાં આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારામને ૧૦૦ ઈન્સેટીવમાંથી ૭૦ જેટલી ઈન્સેટીવને રદ કરી નાખી છે જે લોકોને બચત કરવા માટે મદદપ અને ઉપયોગી સાબિત થતા હોય. હાલ બજારમાં તરલતાનો અભાવ જોવા મળી રહ્યો છે તેને દુર કરવા માટે બચત નહીં પરંતુ વિકાસવાદ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
સરકાર દ્વારા જે વ્યાજદર ઘટાડવામાં આવ્યા છે તેનાથી બચત કરતા લોકોને એ વાતનો પણ ડર સતાવી રહ્યો છે કે તેમના દ્વારા જે રકમ ડિપોઝીટ પેટે મુકવામાં આવી છે તો શું તેનું યોગ્ય વળતર મળી શકશે ખરું. આ તકે નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, ભારતનાં લોકોની એક માનસિકતા છે કે જો તેમના હાથમાં નાણા હશે તો તેઓ બખુબી રીતે જાણે છે કે તેનો ઉપયોગ કેવી રીતે અને કઈ દિશામાં કરવો. આ પગલું ભરવાથી દેશનો જે આર્થિક વિકાસ દર છે તેમાં પણ વધારો જોવા મળશે. ૨૦૧૨માં ભારતીય લોકોની બચત ૩૪.૬ ટકા જોવા મળી હતી જે ઘટી ૨૦૧૯માં ૨૯.૨ ટકા રહેવા પામી છે અને આગામી નાણાકીય વર્ષ ૨૦૨૦માં ફરી ઘટી ૨૮.૫ ટકા સુધી પહોંચશે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
જયારે બીજી તરફ બજારમાં તરલતા લાવવા માટે નિર્ધારીત કરેલી લોનની રકમ પણ બેંક હાલ આપી રહી છે. પહેલાના સમયમાં વડવાઓ કહેતા હતા કે પછેડી એટલી સોડ તણાઈ પરંતુ હવે સ્થિતિ વિપરિત જોવા મળે છે. ઉદાહરણ સ્વપે એક વ્યકિતની આવક ૫૦ હજાર પિયા છે તો તેને હવે લોન ૫૦,૦૦૦થી વધુ એટલે કે ૧ લાખ કે તેના ઉપરની મળે છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જે રીતે નાણાનો વેગ બજારમાં ફરતો રહેશે તો જ દેશની આર્થિક સ્થિતિમાં ઘણોખરો સુધારો જોવા મળશે જેથી હવે લોન લેનાર ઈચ્છુકોને માંગે તેટલી લોન બેંક આપી રહી હોવાનું સામે આવ્યું છે ત્યારે નાણામંત્રી દ્વારા રજુ કરવામાં આવેલું બજેટ અત્યંત મહત્વપૂર્ણ છે અને તે આગામી દિવસોમાં દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે પણ અસરકારક રહેશે.