આઠમો ખંડ સમુદ્રની અંદર દફન: વૈજ્ઞાનિકોએ નવો નકશો જાહેર કર્યો
અત્યાર સુધી વિશ્ર્વમાં સાત ખંડ હોવાની માન્યતા હતી પરંતુ તાજેતરના સંશોધનમાં વૈજ્ઞાનિકોને આઠમાં ખંડની જાણકારી મળી છે. આ ખંડ સમુદ્રની અંદર દફન છે. ઓસ્ટ્રેલીયાથી દક્ષિણ પૂર્વ અને ન્યુઝીલેન્ડની નજીક આ ખંડ સમુદ્રની અંદર સમાયેલો હોવાનું વૈજ્ઞાનિકોનું માનવું છે. આ ખંડને દર્શાવતો નવો નકશો પણ વૈજ્ઞાનિકોએ જાહેર કર્યો છે.
વૈજ્ઞાનિકોના મત અનુસાર નવો ખંડ ૫૦ લાખ વર્ગ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયો છે. એટલે કે, આ ખંડ ભારતના ક્ષેત્રફળથી ૧૭ લાખ વર્ગ કિલોમીટર મોટો છે. ભારતનું ક્ષેત્રફળ ૩૨.૮૭ લાખ વર્ગ કિલોમીટર છે. વૈજ્ઞાનિકોએ ૮માં ખંડનું નામ જીલેન્ડીયા આપ્યું છે. આ ખંડ ૨.૩૦ કરોડ વર્ષ પહેલા જ સમુદ્રમાં ડુબી ગયો હતો. જીલેન્ડીયા ૭.૯૦ કરોડ લાખ વર્ષ પહેલા સુપર કોન્ટીનેટ ગણાતા ગૌંડવાનાલેન્ડથી અલગ પડ્યો હતો. આ મહાદ્વિપ અંગે પ્રથમ વખત આજથી ત્રણ વર્ષ પહેલા માલુમ પડ્યું હતું. ત્યારબાદ અત્યાર સુધી વૈજ્ઞાનિકો રિસર્ચ કરી રહ્યાં છે. હવે ન્યુઝીલેન્ડના વૈજ્ઞાનિકોએ ખંડના ટેકનોનીક અને બેઈથીમેઈટ્રીક નકશો તૈયાર કરવામાં સફળતા મળી છે. નવા નકશાથી ભૂકંપની ગતિવિધિની જાણકારી મેળવવાનો પ્રયાસ થશે.