ગુજરાતમાં તાજેતરમાં તા.૧૭મી મેના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા તાઉતેથી ઊભી થયેલી પરિસ્થિતી અને નુકશાનીમાંથી પૂર્વવત થવા પૂનર્વસન કામો, માળખાકીય સુવિધા કામો હજુ ચાલુ છે. રાજ્યને ભારે નુકસાની પડી છે. વાવાઝોડાની ભારે વિનાશક અસરોથી રાજ્યમાં થયેલા કુલ નુકશાન સામે એન.ડી.આર.એફ.ના ધોરણે સહાય કેન્દ્ર સરકાર કરે તેવી ભારપૂર્વક રજૂઆત રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ NDRF અંતર્ગત કુલ રૂ. ૯૮૩૬ કરોડની સહાય કરવા માંગ કરી છે.ઉલ્લેખનીય છે કે અગાઉ કેન્દ્ર સરકાર તરફથી તાઉતેના તાંડવ સામે ગુજરાતને 1 હજાર કરોડની સહાયથી કરવામાં આવી છે.
સહાય માટેના આવેદનપત્ર-મેમોરેન્ડમમાં રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી વિવિધ ક્ષેત્રોમાં થયેલા વ્યાપક નૂકશાન સામે કેન્દ્ર સરકાર પાસે NDRFના ધોરણે રૂ. ૯૮૩૬ કરોડની સહાયની અપેક્ષા વ્યકત કરી છે. રાજ્ય સરકારે આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધી આવેલા વાવાઝોડા કરતાં આ તાઉતે વાવાઝોડું વિકરાળ અને વિનાશક વાવાઝોડું હતું. એટલું જ નહિ, ગુજરાત પર ત્રાટકેલા આ વાવાઝોડાની તિવ્રતા એટલી હતી કે, વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મકાનો, આવશ્યક ચીજવસ્તુઓ પાણી, વીજળી, રસ્તા, મોબાઇલ નેટવર્ક જેવી માળખાકીય સુવિધાઓને પણ વ્યાપક નુકશાન પહોચાડયું છે.
રર૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન સાથેના આ તિવ્ર વાવાઝોડાએ બાગાયતી પાકોના વૃક્ષો અને ખેતી પાકોના ઝાડ-વૃક્ષ મૂળ સાથે ઉખેડી નાખ્યા છે. સમગ્ર જનજીવનને પણ અસર પહોચાડી છે. તેમ આ મેમોરેન્ડમમાં ખેતીવાડી-બાગાયતી ક્ષેત્રના નુકશાનમાંથી પૂર્વવત થવા કેન્દ્રીય સહાયની જરૂરિયાત રાજ્ય સરકારને રહેશે તેવી રજુઆત કરતાં જણાવવામાં આવ્યું છે. ગુજરાત ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયા કિનારો અને કચ્છના રણ જેવી ભૌગોલિક વિશેષતા ધરાવતો પ્રદેશ હોવાથી આવા કુદરતી પ્રકોપ જેવા વાવાઝોડાનો ભૂતકાળમાં પણ અનુભવ કરી ચૂકયું છે. આ તાઉતે વાવાઝોડું રાજ્યમાં પાછલા પ૦ વર્ષમાં આવેલા કોઇ પણ વાવાઝોડાથી વધુ તિવ્ર અને માલ-મિલ્કતને વ્યાપક તારાજી સર્જનારૂં વાવાઝોડું બની ગયું છે એમ પણ મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં આ અગાઉ ૧૯૭પ, ૧૯૮ર અને ૧૯૯૮ માં જે વાવાઝોડા આવ્યા હતા તે આ વખતના વિનાશકારી તાઉતે વાવાઝોડાની તુલનાએ ઘણી ઓછી તિવ્રતા અને અસર વાળા હતા એમ મેમોરેન્ડમમાં રાજ્યની વાવાઝોડાની સ્તિથીનું વિવરણ કરતાં જણાવવામાં આવેલું છે. તેમજ ગુજરાત પર ગત તા.૧૭મી મે એ ત્રાટકેલા આ તાઉતે વાવાઝોડાએ રાજ્યના ર૩ જિલ્લાઓને અસર પહોચાડી છે. સમુદ્ર કિનારેથી રાજ્યમાં પ્રવેશેલું આ વિનાશક વાવાઝોડું ર૮ કલાક સુધી ગુજરાતને ઘમરોળીને ગુજરાતને ચીરીને રાજસ્થાન તરફ ફંટાયું હતું.
કેન્દ્રીય સહાય માટે કેન્દ્ર સરકાર સમક્ષ રાજ્ય સરકારે રજુ કરેલા આ મેમોરેન્ડમમાં જુદા-જુદા સેક્ટરમાં જે નુકસાન થયું છે તેની પણ વિસ્તૃત વિગતો આ અહેવાલમાં રજુ કરવામાં આવી છે તે અનુસાર, કૃષિ અને બાગાયતી વિભાગ, ઊર્જા વિભાગ, ઉદ્યોગ વિભાગ, મેરિટાઇમ બોર્ડ, પંચાયત, પાણી પુરવઠો, માર્ગ-મકાન, મત્સ્યોદ્યોગ, વન, શહેરી વિકાસ, શિક્ષણ વગેરે વિભાગોના નુકશાન મળીને કુલ ૯૮૩૬ કરોડ રૂપિયાની આ નુકશાનમાંથી પૂર્વવત થવા ગુજરાતને જરૂરિયાત હોવાના અંદાજો કેન્દ્ર સમક્ષના આવેદનપત્રમાં આપવામાં આવ્યા છે. આ સહાય કેન્દ્ર સરકાર NDRFમાંથી ગુજરાતને ફાળવે તેવી આગ્રહભરી વિનંતી પણ કરવામાં આવી છે. એટલું જ નહિ, રાજ્ય સરકારે SDRF માટે પણ રૂ. પ૦૦ કરોડની વધારાની સહાયની માંગણી કરી છે.