ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ અવાર નવાર દારૂ પકડાય છે. દારૂ બનાવનાર કે વેચનાર પણ રોજ નવી નવી તરકીબો અપનાવી રહ્યા છે. ગઈ કાલે ગોંડલમાંથી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતો ગૃહ ઉદ્યોગનો પર્દાફાશ થયો છે. જેમાં અંદાજિત એક લાખની કિંમતનો દારૂનો જથ્થો પકડાયો હતો.
ગોંડલમાંથી વિદેશી ડુપ્લીકેટ દારૂનો જથ્થો ગોંડલ સિટી પોલીસના ડી સ્ટાફના જયદીપસિંહ ચૌહાણની બાતમીના આધારે ડુપ્લીકેટ દારૂ બનાવતો ગૃહ ઉદ્યોગ પકડી પાડવામાં આવ્યો છે. શહેરના વોરાકોટડા રોડ પર શાળા નંબર 16 પાસે રહેતા નરેન્દ્ર અમીચંદ ઉનડકટ દ્વારા એસન્સ અને ખાદ્ય પાવડરની મિલાવટથી વિદેશી દારૂ બનાવવામાં આવતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે સિટી પી.આઈ, એસ એમ જાડેજા, શક્તિસિંહ જાડેજા, જયસુખભાઇ ગરભાડીયા, જયંતીભાઈ સોલંકી તેમજ અરવિંદભાઈ દાફડા સહિતનાઓએ દરોડા પાડ્યા હતા. અને આશરે એક લાખ રૂપિયાની કિંમતનો ડુપ્લીકેટ વિદેશી દારૂનો જથ્થો, ઓફિસર ચોઇસ, બ્લેન્ડર પ્રાઇડ સહિતના દારૂના બોક્સ સ્ટીકર અને ખાલી બોટલો પકડી પાડવામાં આવી હતી.
આ તકે સીટી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘ઉપરોક્ત પકડાયેલા શખ્સ દ્વારા પ્રિન્ટેડ દારૂના બોક્સ, સ્ટીકર, કાચ અને પ્લાસ્ટિકની બોટલો ક્યાંથી અને કોની પાસેથી ખરીદ કરવામાં આવી છે, તે અંગે પણ તપાસ હાથ ધરાશે. કોમ્પ્યુટર ડિઝાઇન અને બોક્સ પ્રિન્ટિંગનો રેલો રાજકોટ અમદાવાદ સુધી પહોંચનાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.