લદ્દાખથી લઈ દક્ષિણી દરિયાઈ સરહદ ઉપર ડ્રેગનનો ડોળો
કોરોના પછી ભારતમાં ઘુસણખોરી કરવા ચીનાઓના ઈરાદા: ભારત ‘હાઈએલર્ટ’ પર! મોદીએ આપાતકાલીન બેઠક બોલાવી
સામ્યવાદી ચીન હવે લદ્દાખથી લઈ દક્ષિણી દરિયાઈ સરહદ પચાવવા માટેના પેંતરા કરી રહ્યું હોવાથી સરહદ પર તંગદીલી વધી છે. ચીનના ઈરાદાઓના કારણે ભારત હાઈએલર્ટ પર મુકાઈ ગયું છે. વર્તમાન સમયે પાકિસ્તાનથી નહીં પરંતુ ચીનાઓથી ભારતને વધુ ખતરો હોવાનું ફલીત થાય છે. જેના પરિણામે વડાપ્રધાન મોદીએ આપાતકાલીન બેઠક બોલાવી હોવાનું જાણવા મળે છે. થોડા સમય પહેલા ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલું ઘર્ષણ વરવું રૂપ ધારણ કરી રહ્યું છે. બન્ને દેશોની સેના મોટી સંખ્યામાં તૈનાત થઈ છે. લદ્દાખમાં સરહદ સુધી રસ્તાઓ અને ઈન્ફાસ્ટ્રકચર બનાવવાની કામગીરી ભારત દ્વારા થતી હોવાથી ચીન રઘવાયું બનયું છે. ચીન સાથે જોડાયેલી લગભગ ૩૫૦૦ કિ.મી. લાંબી સરહદના વ્યુહાત્મક રીતે મહત્વના વિસ્તારોમાં ભારતે ચાલુ કરેલા પ્રોજેકટના વિરોધના નામે ચીનની પ્રવૃતિઓ શંકાસ્પદ બની છે.
એક તરફ ચીન સામે ભારત આર્થિક મોરચે સર્વોચ્ચતાની લડાઈ લડી રહ્યું છે. બીજી તરફ સરહદી વિસ્તારોમાં અવળચંડાઈ કરી ભારતને વિવાદોમાં રચ્યા-પચ્યા રાખવાની રણનીતિ ચીન ખેલી રહ્યું છે. વાસ્તવિક નિયંત્રણ રેખા પર મહત્વપૂર્ણ પ્રોજેકટની કામગીરી સંબંધે ચીનનો વિરોધ વધુ તિવ્ર બન્યો છે. જેના પરિણામે રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે સેનાની ત્રણેય પાંખના વડા તેમજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની બેઠક મળી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી સાથે પણ આ તમામ મહત્વના વડાઓની ચર્ચા થઈ હતી. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ૨૦ દિવસ પહેલા થયેલા ઘર્ષણ બાદ મામલો વકરી રહ્યો છે. ભારતીય સેનાએ સિક્કીમ, ઉત્તરાખંડ, અરૂણાચલ પ્રદેશ અને લદ્દાખમાં પોતાની હાજરી નોંધપાત્ર રીતે વધારી દીધી છે અને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, ભારત ચીનના કોઈપણ આક્રમક સૈન્ય વલણથી પીછેહટ કરવાનું નથી.
ભારતના પગલા પરથી સ્પષ્ટપણે ફલીત થાય છે કે, એલએસી પર ચીન જેટલા સૈનિકો ખડકશે તેટલા જ વધુ સૈનિકો ભારત પણ ખડકશે. સુત્રો પાસેથી મળેલી વિગતો મુજબ ગત ૫ મેના રોજ ભારત અને ચીનના કુલ ૨૫૦ જેટલા સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં ૧૦૦ સૈનિકોને ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ નોર્થ સિક્કીમમાં પણ આવી જ ઘટના બની હતી. આવા સમયે ગત અઠવાડિયે ભારતે કહ્યું હતું કે, ચીનનું સૈન્ય ભારતીય પેટ્રોલીંગ ટુકડીને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. બીજી તરફ સિક્કીમ અને લદ્દાખના એલએસીમાં ચીનના સૈનિકોએ ઘુસણખોરી કરી હતી. આ બન્ને બનાવોમાં બન્ને પક્ષના જવાનોને નુકશાન થયું છે. નાકુલા પાસ પાસે પણ ગત ૯ મેના રોજ થયેલી ઝપાઝપીમાં ૧૦ સૈનિકોને ઈજાઓ પહોંચી હતી.
નોંધનીય છે કે, ચીનની સામ્યવાદી સમજના કારણે વિશ્ર્વના અનેક દેશો પીડાઈ રહ્યાં છે. ભારત સામે પણ ચીને દાદાગીરી કરવાનો પ્રયત્ન કર્યો છે. અગાઉ નેપાળ, માલદ્વીવ, ભૂતાન સહિતના મુદ્દે પણ ચીન અને ભારત બાખડી ચૂકયા છે. ચીનની સામ્યવાદી પ્રવૃતિઓના કારણે એશિયાનો મોટો ભૌતિક અને દરિયાઈ ભાગ ખતરામાં મુકાયો છે. બીજા દેશની જમીન હડપ કરવા ચીનના પેંતરા વિશ્ર્વમાં કોઈથી અજાણ્યા નથી. આવા સમયે ભારત માટે પાકિસ્તાન નહીં પરંતુ ચીન મોટા શત્રુ તરીકે સામે આવી રહ્યું છે. ભારત એલએસી પર ઈન્ફાસ્ટ્રકચરનો વિકાસ કરતું હોવાથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. હવે લદ્દાખ ઉપર ચીનનો ડોળો છે. અગાઉ પણ ભારતના કેટલાક ભાગ પોતાના હોવાનો દાવો ચીન કરી ચૂકયું છે. ફરીથી ચીનની અવળચંડાઈથી ભારત સતર્ક થઈ ચૂકયું છે. વિગતો મુજબ ચીને થોડા સમય પહેલા જ ૧૨૦૦ થી ૧૫૦૦ સૈનિકોની ટુકડી ઈસ્ટર્ન લદ્દાખમાં ઉતારી હતી. બીજી તરફ ભારતે પણ ઈન્ફાસ્ટ્રકચરના કામમાં ઝડપ વધારી દીધી છે. રક્ષામંત્રી રાજનાથસિંહ અને સેનાના ત્રણેય પાંખના વડા વચ્ચે યોજાયેલી બેઠક બાદ ભારતીય સૈન્ય હરકતમાં આવી ગયું છે. જેવાને તેવા જેવો જવાબ આપવાનું ભારતીય સૈન્યએ નક્કી કર્યું છે. લદ્દાખમાં તનાવવાળા વિસ્તારમાં ભારત દ્રઢતાથી ચીનની ચાલને નાકામ કરવાની તૈયારી કરી રહ્યું છે. જો કે આ સાથે જ સરકાર શાંતિપૂર્ણ અને રાજનૈતિક ઉકેલ લાવવા પણ પ્રતિબદ્ધ હોવાનું જાણવા મળે છે. ભારત અને ચીન વચ્ચે લદ્દાખ-સિક્કીમ સહિતના રાજ્યોની સરહદોએ તનાવ વધી રહ્યો છે. ચીન દ્વારા વધુને વધુ સૈનિકો સરહદે તૈનાત કરવાનું શરૂ થયું છે. સામાપક્ષે ભારતે પણ હજ્જારો સૈનિકો સરહદ પર સાબદા કર્યા છે. એક તરફ કોરોનાનો કપરો સમય છે અને બીજી તરફ ચીન દ્વારા ભારતીય અર્થતંત્રની સાથો સાથ સુરક્ષાને પણ ડંખવાનો નાપાક પ્રયત્ન થયો છે. સમગ્ર વિશ્ર્વ કપરા કાળમાંથી પારીત થઈ રહ્યું છે ત્યારે ચીન દ્વારા ભારતીય સરહદે થઈ રહેલી અવળચંડાઈ ભારત કોઈપણ સંજોગોમાં સાખી શકે તેમ નથી.
હવાઈ હુમલા માટે લદ્દાખ સરહદે હવાઈ પટ્ટી લંબાવતું ડ્રેગન
હવાઈ હુમલા માટે લદ્દાખ સરહદે હવાઈપટ્ટી લંબાવવાનો પેંતરો ચીન દ્વારા થતા ભારત સમસમી ગયું છે. તિબેટના નગરી ગુન્સા એરપોર્ટ પર ચીને એરબેઝ તૈયાર કર્યો છે. ફાઈટર પ્લેન ટેકઓન થઈ શકે તે માટેની પટ્ટીનું નિર્માણ થયું છે. ચીન દ્વારા આ હવાઈપટ્ટી ઉપર જે-૧૧ અથવા જે-૧૬ નામના ફાઈટર પ્લેન તૈનાત કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. નગરી ગુન્સા એરપોર્ટ મિલીટરી અને સીવીલ બન્ને પક્ષે ઉપયોગમાં લઈ શકાય છે. વિશ્ર્વમાં સૌથી વધુ ઉંચાઈએ આવેલા એરપોર્ટ પૈકીનું આ એરપોર્ટ છે. જે ૧૪૦૨૨ ફૂટ ઉંચુ છે. આ એરપોર્ટને મિલીટરી બેઈઝ બનાવાયું છે. જો ચીન હુમલો કરે તો ભારતીય વાયુસેના દ્વારા વિવિધ લોકેશન ઉપર ગોઠવાયેલા કાફલા વળતો જવાબ આપી શકે છે. યુદ્ધ રણનીતિના નિષ્ણાંતના જણાવ્યાનુસાર ભૌતિક દ્રષ્ટિએ ભારતીય વાયુસેના દ્વારા બનાવાયેલા બેઝ વધુ સક્ષમ છે. જો રિફ્યુલીંગ ટેન્કરનો ઉપયોગ કરવામાં આવે તો ભારતીય વાયુ સેના ચીન કરતા વધુ ઝડપી પ્રહાર કરી શકે છે. લદ્દાખની લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ (એલએસી)માં ઘુસણખોરી બાબતે તણખા ઝર્યા બાદ ચીને હવાઈ હુમલા માટે તૈયારીઓ કરી હોવાનું ફલીત થાય છે. સામાપક્ષે ભારતીય સૈન્ય પણ સાબ્દુ છે. નિષ્ણાંતોના કહ્યાં મુજબ વર્ષ ૧૯૯૯માં કારગીલ યુદ્ધ સમયે જોવા મળેલો તનાવનો અનુભવ અત્યારે પણ થઈ રહ્યો છે. ભારતીય વાયુસેનામાં વર્તમાન સમયે સુખોઇ સહિતના શક્તિશાળી વિમાનોનો કાફલો છે. અલબત ચીનના જે-૧૧ અને જે-૧૬ ફાઇટર પ્લેન વૈશ્ર્વિક કક્ષાએ વધુ સક્ષમ ગણવામાં આવે છે. વાયુદળની દ્રષ્ટિએ ચીન ભારત ઉપર દબાણ લાવવા માંગે છે. અલબત રણનીતિ મુજબ વર્તમાન સમયે ચીન કરતા ભારત વધુ બળવાન જણાઇ રહ્યું છે.
દેશના ગદ્દારો વાયા હોંગકોંગ…
ડ્રેગનનો પાછલા દરવાજે પગપેસાારો
કેટલીક ભારતીય કંપનીઓની લાલચના કારણે ‘લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે’ જેવો ઘાટ
કેન્દ્ર સરકારે ગદ્દારો માટેના ફન્ડીંગના દરવાજા બંધ કરી દીધા છે. જો કે, હવે ગદ્દાર કંપનીઓ વાયા હોંગકોંગ થઈને નાણા ભંડોળ મેળવી રહી હોવાનું સામે આવી રહ્યું છે. કંપનીઓના લોભના કારણે ચીન જેવા ધુતારા ફાવી જાય છે. વિગતો મુજબ તાજેતરમાં કેન્દ્ર સરકારે ફોરન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)ના નિયમો કડક બનાવ્યા હતા. ચીનથી કંપનીઓને નાણા પહોંચે નહીં તે માટેની છટકબારીઓ બંધ કરી હતી. ભારતને વિદેશી હુડીયામણની જરૂર છે પરંતુ તે ચીનનું હોવું જોઈએ નહીં તે સુનિશ્ર્ચિત કરાયું હતું. જો કે, દેશની કેટલીક ગદ્દાર કંપનીઓ દ્વારા હવે એકસ્ટર્નલ કોમર્શીયલ બોરોવીંગ એટલે કે, વ્યાપારી ઋણના નામે વિદેશથી નાણા મંગાવવાનો પેંતરો થઈ રહ્યો છે. એફડીઆઈ ઉપર કડક નિયંત્રણો લદ્દાયા હોવાથી કેટલીક કંપનીઓ ઈસીબી મારફતે ટ્રાન્જેકશન કરી રહી છે. દેશમાં અનેક કંપનીઓ એવી છે જેના મુળીયા ચીનમાં છે. આવી કંપનીઓ નાણા મેળવવા વિવિધ કિમીયા કરી રહી છે. સામાન્ય રીતે વિદેશી વ્યાપારી ધીરાણના નિયમો પણ કડક છે. જો કોઈ વિદેશી સંસ્થા ભારતીય કંપનીમાં ૨૫ ટકા હિસ્સો ધરાવે તો તેને ઈસીબીનો લાભ મળે છે. જો કે આ લાભનો ગેરઉપયોગ થઈ રહ્યો છે.
એક તરફ સરહદે ભારતને ડારા દેવાનું કાવતરુ અને બીજી તરફ કંપનીઓમાં ફંડીંગના નામે પુષ્કળ ભંડોળ ઠાલવવાની પેરવી ચીન દ્વારા થઈ છે. મોદી સરકાર દ્વારા ડ્રેગનનો ભરડો ભારતીય અર્થતંત્રને લાગે નહીં તે માટે થોડા સમય પહેલા જ એફડીઆઈના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જેનાથી ચીન તરફ સખત વલણ અપનાવાયું હતું. જો કે, હવે કંપનીઓ સીધી ચીનથી નહીં પરંતુ હોંગકોંગ મારફતે નાણા મેળવી રહી છે. ભારત અને હોંગકોંગ વચ્ચે કડક નિયમોની અમલવારી થતી નથી. બીજી તરફ હોંગકોંગને ચીન પોતાનો જ એક ભાગ ગણાવે છે. આવા સંજોગોમાં ચીનની કંપનીઓ હોંગકોંગમાંથી ભારતમાં નાણા મોકલે છે. ભારતની ગદ્દાર કંપનીઓ પણ લાલચમાં આવી ધુતારાના સકંજામાં ફસાઈ ગઈ હોવાનું ફલીત થાય છે.
વર્તમાન સમયે જેમ આતંકવાદીઓનું ફંડીંગ ભારત માટે જોખમી છે તેવી જ રીતે ચીન દ્વારા ઠાલવવામાં આવતું ફંડીંગ પણ ભારત માટે જોખમી નિવડશે તેવી ભીતિ છે. ચીન તરફથી આવતા ફંડીંગને રોકવા ભારતે લાદેલા એફડીઆઈના કડક નિયમોનું પાલન તો થાય છે પરંતુ કેટલીક ગદ્દાર કંપનીઓ એવી છે જે ચીન પાસેથી અબજો રૂપિયાનો ભંડોળ મેળવે છે. તેમનો રસ્તો બંધ થઈ જતાં તેમણે નવો રસ્તો અખત્યાર કર્યો છે. હવેથી ચીનના સ્થાને નાણાકીય ભંડોળ હોંગકોંગથી ભારતીય કંપનીઓ મેળવી રહી છે. આવી રીતે ભારતમાં અનેક કંપનીઓ કે જેમના મુળીયા ચીનમાં છે તેઓ ફાયદો ઉઠાવવાના પેંતરા કરી રહી છે. અલબત સરકારને આ વાતની જાણ થતાં જ પાછલા બારણેથી દેશમાં પગદંડો જમાવવાનો ચીનનો પેંતરો નાકામયાબ કરવામાં આવશે.