કહેવત છે કે, ‘સુરતનું જમણ ને કાશીનું મરણ નસીબદાર ને જ મળે’. ત્યારે વિશ્વભરમાં સુરતીલોકો ખાણીપીણી માટે પ્રખ્યાત છે અને જ્યારે ચંદી પડવાનો પર્વ આવે ત્યારે કરોડો રૂપિયાની ઘારી ગણતરીના કલાકોમાં સુરતના લોકો આરોગી જાય છે. જો કે, આ વખતે સૌથી વધારે ડિમાન્ડ ગોલ્ડન ઘારીની રહી. જેને જોઈને તમને વિચાર આવશે કે, આ ગોલ્ડન ઘારી ખાઈએ કે તિજોરીમાં મૂકીએ. આ સુરતીલાલાઓ માટે જ નહીં પરંતુ, વિદેશમાં રહેતા ગુજરાતીઓ માટે ખાસ સુરતમાં ગોલ્ડ ઘારી મીઠાઈ વિક્રેતા દ્વારા બનાવવામાં આવી છે.
ગોલ્ડન ઘારી સુરત જ નહી વિદેશમાં પણ ફેમસ છે, તેમજ સામાન્ય રીતે મળતી ઘારી અને ગોલ્ડન ઘારીમાં તફાવતની વાત કરવામાં આવે તો રેગ્યુલર ઘારી મેંદાની રોટીથી બને છે, જેની અંદર માવા હોય છે પરંતુ, ગોલ્ડન ઘારી કાજુની રોટીથી બને છે. એની અંદર પ્રીમિયમ ડ્રાયફ્રુટ હોય છે એટલું જ નહીં જે કેસર હોય છે તે ખાસ કશ્મીરથી મંગાવવામાં આવે છે. ઘારી ઉપર સ્વર્ણ વરખ લગાડવામાં આવે છે. એક ઘારી 100 ગ્રામની હોય છે અને જો એક કિલો ઘારીની વાત કરવામાં આવે તો એની કિંમત 11,000 રૂપિયા છે. તેમજ તેની ડિમાન્ડ માત્ર સુરતમાં જ નહીં દેશના અન્ય શહેરો સહિત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને લંડનમાં પણ છે.
આ દરમિયાન પ્રાચીન કાળમાં રાજા-રજવાડા સ્વર્ણ ભસ્મ ખાવાની વસ્તુઓમાં વાપરતા હતા, જેનાથી પ્રેરાઈને અમે સ્વર્ણ વરખવાળી ગોલ્ડન ઘારી તૈયાર કરી છે કે, જે આરોગ્ય માટે પણ ખૂબ જ લાભકારી છે. આ ઘારીની ખાસિયત છે કે, આ ઘારી 10 દિવસ સુધી બગડતી નથી. તેમજ રેગ્યુલર ઘારીની કિલોની કિંમત 600 રૂપિયાથી લઈને 1500 રૂપિયા પ્રતિ કિલો સુધીની હોય છે. તેની સામે એક જ ગોલ્ડન ઘારીની કિંમત 1100 રૂપિયા છે.
કોર્પોરેટમાં ગિફ્ટ આપવા સૌથી વધારે ડિમાંડ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોર્પોરેટમાં ગિફ્ટ આપવા માટે આ ગોલ્ડન ઘારીની સારી ડિમાન્ડ છે. ત્યારે વિદેશમાં મોકલવા માટે રેગ્યુલર ઘારીને નાઇટ્રોજન પેકમાં મોકલવામાં આવે છે. જ્યારે ગોલ્ડન ઘારીને સિલ્વર બાઉલમાં એર ટાઈટ પેકમાં મોકલવામાં આવે છે. આ સાથે ચંદી પડવાના દિવસે આ ગોલ્ડન ઘારી માટે અનેક ઇન્કવાયરી આવી. ત્યારે ઘારીની બનાવટમાં ડ્રાયફ્રુટ અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે અને તબક્કાવાર પ્રોસેસ કર્યા બાદ અંતે સોનાની વરખ ચઢાવવામાં આવે છે. વેબસાઇટના માધ્યમથી માત્ર દેશના અન્ય શહેરો જ નહીં પરંતુ, વિદેશથી પણ ઓર્ડર મળે છે.