રોજ અલગ અલગ બે રાજમાર્ગો પરથી ઈંડા અને નોનવેજની રેંકડીઓનું દૂષણ દૂર કરવા ખાસ ડ્રાઈવ હાથ ધરાશે: લાયસન્સ હોય તો પણ દુકાનની બહાર નોનવેજનો ડિસ્પ્લે કરનાર સામે પણ તવાઈ ઉતારાશે, હોકર્સ ઝોનમાં પણ લાયસન્સ વીના ધમધમતી ઈંડાની રેંકડીઓને હટાવાશે
રાજકોટમાં ઈંડાની રેંકડી અને નોનવેજના હાટડાનું દૂષણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. શહેરના મુખ્ય રાજમાર્ગો અને સર્કલો પર સાંજ પડતાની સાથે જ ઈંડાની જથ્થાબંધ રેકડીઓ ગોઠવાઈ જાય છે જે હટાવવા માટે મેયર ડો.પ્રદિપ ડવે બીડુ ઉપાડ્યું છે. ગઈકાલે શહેરના ફૂલછાબ ચોક અને શાસ્ત્રીમેદાન વિસ્તારમાંથી દોઢ ડઝન જેટલી ઈંડાની લારીઓ દૂર કરાયા બાદ હવે રોજ શહેરના મુખ્ય બે માર્ગો પર ઈંડા અને નોનવેજના હાટડા હટાવવા માટે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવશે.
રાજમાર્ગો અને મુખ્ય ચોક પર કોઈકાળે નોનવેજના હાટડા ચલાવી લેવામાં આવશે નહીં તેવી સ્પષ્ટ તાકીદ મેયર દ્વારા કરવામાં આવી છે. ચેકિંગ બાદ જો ફરી તે સ્થળે ઈંડાની રેંકડીઓ ઉભી રહેવા લાગે તો તેની સામે આકરી કાર્યવાહી કરશે. દંડની રકમ પણ વધારવાની વિચારણા ચાલી રહી છે. આટલું જ નહીં હોકર્સ ઝોનમાં ફૂડ લાયસન્સ વીના ઈંડાની રેંકડી ધમધમતી હશે તો તેને પણ હટાવી દેવામાં આવશે.
આ અંગે આજે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, શહેરના રાજમાર્ગો, મુખ્ય ચોક અને રેસીડેન્ટ વિસ્તાર અને શાળા-કોલેજો પાસેથી ઈંડાની રેંકડી અને નોનવેજના હાટડા દૂર કરવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. ગઈકાલે ફૂલછાબ ચોક અને શાસ્ત્રીમેદાન પાસે ચેકિંગ હાથ ધરી ઈંડાની રેંકડીઓ જપ્ત કરવામાં આવી છે. હવે રોજ બે રાજમાર્ગો પર ચેકિંગ હાથ ધરવામાં આવશે અને ત્યાંથી ઈંડાની રેંકડી કે નોનવેજના હાટડા હટાવી લેવામાં આવશે.જે દુકાનદારો પાસે ફૂડ લાયસન્સ છે તે પણ ડિસ્પ્લેમાં ચિકન કે મટન રાખી શકશે નહીં. જો તેવું કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
તેઓએ ઉમેયું હતું કે, એવી પણ ફરિયાદો મળી રહી છે કે, એક વખત ઈંડાની રેંકડી હટાવ્યા બાદ જ્યારે કોર્પોરેશનની ટીમ ત્યાંથી પસાર થતાંની સાથે જ ફરી રેંકડી ધારકો સ્થળ પર આવી જાય છે. આવું ન થાય તે માટે હવે નિયમીત ચેકિંગ કરવામાં આવશે. જો એક જ રેંકડી વારંવાર પકડાશે તો તેને કાયમી ધોરણે કાયમી માટે ન છોડવાનો નિર્ણય કરવામાં આવશે. હાલ વસુલાતી દંડની રકમ પણ વધારવામાં આવશે.
હોકર્સ ઝોનમા જો કોઈ ઈંડાની રેંકડી ધારકને જગ્યા ફાળવવામાં આવી હશે અને તેની પાસે નિયમ મુજબ જરૂરી ફૂડ લાયસન્સ કે રજિસ્ટ્રેશન કરાવેલ નહીં હોય તો તેને પણ ત્યાંથી હટાવી લેવામાં આવશે. ટૂંકમાં શહેરમાં હવે આડેધડ નોનવેજના હાટડાનું દુષણ કોઈકાળે ચલાવી લેવામાં આવશે. રેગ્યુલર ચેકિંગ કરવામાં આવશે અને જરૂર જણાશે તો આકરા પગલા પણ લેવાશે.