• ‘નેતાગીરી’ વગરના ક્ષત્રિય સમાજના સંમેલનમાં “જનશૈલાબ” ઉમટ્યું !!!
  • 19મી એપ્રિલ બાદ પાર્ટ-2ના કાર્યક્રમો શરૂ કરવાની ચીમકી

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે કરેલી ટિપ્પણી બાદ તેમની ટિકિટ રદ કરવાના મુદ્દે રવિવારે રતનપરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન મળ્યું હતું તેમાં ગુજરાતભરમાંથી અંદાજે દોઢ લાખથી વધુ ક્ષત્રિયો ઊમટી પડ્યા હતા. આઝાદીના 75 વર્ષ બાદ પહેલીવાર આ પ્રકારની ઐતિહાસિક ઘટના બની હતી કે જ્યાં એક જ સ્થળે ક્ષત્રિય સમાજના લોકો આટલી મોટી સંખ્યામાં એકત્રિત થયાં હોય અને સંમેલન યોજાયું હોય તેવો પણ આ પ્રથમ દાખલો છે.

સંમેલનમાં મોટાભાગના વક્તાઓએ એકવાતનો ઉલ્લેખ કર્યો હતો કે, અત્યાર સુધી ક્ષત્રિય સમાજની અવગણના કરવામાં આવી છે, ગુજરાતમાં પણ ક્ષત્રિય આગેવાનોની અવગણના કરવામાં આવી છે. હવે ’નેતાગીરી’ વગરના સંમેલનમાં જનશૈલાબ ચોક્કસ ઉમટ્યો હતો પણ એક પાસું એવુ પણ છે કે, આ આખા આંદોલનમાં લીડરશિપ કોની? અગાઉ પાટીદાર આંદોલન થયું હતું જેમાં 14 યુવાનો શહીદ પણ થયાં હતા ત્યારે હવે ક્ષત્રિય સમાજનું આંદોલન ક્યાં જઈને અટકશે તેનો કોઈ જવાબ નથી. રાજકોટની ભાગોળે રતનપર ગામે ગુજરાતની 92 સંસ્થાઓની કોર કમિટીએ સંમેલનનું આયોજન કર્યું હતું.

ગુજરાતભરમાંથી રાજવીઓ ઉપરાંત ભાયાતો અને ગામધણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તમામ સંસ્થાઓના આગેવાનોએ પણ સભા ગજવી હતી અને સૌનો એક જ મત રહ્યો હતો કે, જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હવે 19 એપ્રિલ પછી પાર્ટ-2 શરૂ કરવામાં આવશે. જેમાં માત્ર રૂપાલા જ નહીં પરંતુ ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં આવશે અને તેમના વિરુદ્ધ મતદાન પણ કરવામાં આવશે. હવે જયારે ક્ષત્રિય સમાજ દ્વારા અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે કે, જો પરસોતમ રૂપાલાની ઉમેદવારી રદ્દ નહિ કરવામાં આવે તો 19મી તારીખ પછી ફકત એક નહિ પણ રાજ્યની તમામ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારો વિરુદ્ધ આ જંગ છેડી દેવામાં આવશે.

સભામાં ઉપસ્થિત ક્ષત્રિયોને સોગંદ પણ લેવડાવવામાં આવ્યા હતા કે, 19 એપ્રિલ સુધીમાં એટલે કે, ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે જો પરસોત્તમ રૂપાલા ફોર્મ ભર્યા બાદ પરત ન ખેંચે તો પાર્ટ-2ના ભાગરૂપે ગુજરાત ઉપરાંત દેશના જે રાજ્યમાં ક્ષત્રિયોની સંખ્યા વધુ છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિરોધ કરવામાં આવશે. આ તકે કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ કહ્યું હતું કે, માત્ર ગુજરાત જ નહીં પરંતુ દિલ્હીને પણ હચમચાવી દેશું અને ભાજપ અત્યારે 400 પારની વાત કરે છે તેને અમે માત્ર 200ની અંદર જ સીમિત રહેવા દઈશું. આ માત્ર વાતો નહીં પરંતુ અમારી ચેલેન્જ છે.

કોર કમિટીના સભ્ય રમજુભા જાડેજા અને ડો. જયેન્દ્રસિંહે કહ્યું હતું કે, પાર્ટ-1માં આપણે ઘણા આવેદનો આપ્યા, રૂપાલા હાય…હાય…ના નારા લગાવ્યા પરંતુ જો પાર્ટ-2 શરૂ કરવાની ફરજ પડશે તો આપણે એક-એક બૂથ સુધીનું માઈક્રો પ્લાનિંગ કરવાનું છે અને આપણી તાકાત શું છે તે સરકારને બતાવી દેવાની છે.

ક્ષત્રિય સમાજના સંમેલનમાં ગરાસિયા દરબાર સિવાય નાડોદા સમાજ, કારડિયા સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, મોલેસલામ ગરાસિયા સમાજ, દલિત સમાજ, બ્રહ્મસમાજ સહિતના અનેક જ્ઞાતિના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ક્ષત્રિય સમાજની સાથે રહેવાનો હુંકાર કર્યો હતો.

રતનપર ગામે મળેલું સંમેલન સમાજના રાજકીય નેતાઓની હાજરી ન હોય અને રેકોર્ડબ્રેક લોકો સંમેલનમાં ઊમટી પડે તેવું ફરી એક વખત સાબિત થયું છે. પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારે હાર્દિક પટેલની આગેવાનીમાં લાખો લોકો સભામાં અને સંમેલનમાં ઊમટી પડતા હતા. ત્યારે હવે ક્ષત્રિય સમાજના સંમેલનમાં કોઈ નેતાગીરી વિના લાખો લોકો ઉમટી પડ્યા હોય તેવો પ્રથમ દાખલો છે.

ભૂકંપ બાદ જ નવસર્જન થાય: રમજુભા જાડેજા

કોર કમિટીના સભ્ય રમજુભા જાડેજાએ કહ્યું કે ‘રૂપાલાએ 23મીએ ભૂકંપ જેવો બફાટ કર્યો, ભૂકંપ થાય ત્યારે જ નવસર્જન થાય. બફાટ પછી માફીના નાટકો થયા જે હજુ ચાલુ છે. દેશમાં નૈતિક અધ:પતન થઈ રહ્યું છે તેને અટકાવવાની જવાબદારી ક્ષત્રિય સમાજની છે. ટિકિટ રદ એટલે રદ જ થવી જોઈએ. એકતા જાળવી રાખીશું આગામી આંદોલનમાં સમિતિ જે આદેશ આપશે તેનું પાલન કરીને આપણી તાકાત બતાવીશું.

બહેન-દીકરીઓની અસ્મિતાની વાત આવે ત્યારે કોઈની શેહશરમ નહિ: વીરભદ્રસિંહ જાડેજા

કરણી સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ કહ્યું, ‘આજે ઈતિહાસ રચાયો છે, આઝાદીના 75 વર્ષ બાદ રાજપૂતો પ્રથમ વખત આટલી વિશાળ સંખ્યામાં એકત્રિત થયા છે. રૂપાલાની ટિકિટ રદ નહિ થાય તો ક્ષત્રિયો શું છે તેનો ભાજપને ખ્યાલ આવી જશે. બહેન દીકરીઓની આબરૂ અને અસ્મિતાની વાત આવશે ત્યારે ક્ષત્રિયો કોઇની શેહશરમ રાખશે નહિ અને તેની ઓકાત બતાવશે.

મારી અટકાયતના સમાચાર મળે તો ચક્કાજામ કરી દેજો: મહિપાલસિંહ મકરાણા

કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ કહ્યું હતું કે, માત્ર ગુજરાત જ નહીં પરંતુ દિલ્હીને પણ હચમચાવી દેશું અને ભાજપ અત્યારે 400 પારની વાત કરે છે તેને અમે માત્ર 200ની અંદર જ સીમિત રહેવા દઈશું. આ માત્ર વાતો નહીં પરંતુ અમારી ચેલેન્જ છે. તેમણે વધુમાં ક્ષત્રિય સમાજને ટકોર કરી હતી કે, તમને મારી અટકાયતના સમાચાર પ્રાપ્ત થાય તો જ્યાં હોય ત્યાં જ ગાડી રોકી ચક્કાજામ કરી દેજો.

પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ સહિતના અધિકારીઓ સ્ટેન્ડ બાય રહ્યા

રતનપર ખાતે યોજાયેલા સંમેલનમાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, એડિશનલ સીપી વિધિ ચૌધરી, ડીસીપી સજ્જસિંહ પરમાર, સુધીરકુમાર દેસાઈ, ડો. પાર્થરાજસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ સ્ટેન્ડબાય રહ્યા હતા. ઉપરાંત અમદાવાદના બે એસીપી પી.જી. જાડેજા, વી.એમ. જાડેજા અને સુરેન્દ્રનગરના ડીવાયએસપી વી.બી. જાડેજા ઉપરાંત આઈ.બી.માં ફરજ બજાવતા એસ.પી. જાડેજા, દ્વારકા એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલ, સીઆઈડી ક્રાઈમના કે.કે. જાડેજા અને સિવિલ ડિફેન્સના વાય.બી. જાડેજા બંદોબસ્તમાં હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.