ઘરમાં પુઠાના માળા બાંધવાની સાથે ચકીબેન માટે દાણા-પાણીની પણ વ્યવસ્થા કરવી જોઈએ : બાળકોને ચકલી વિશે સમજણ આપવાથી ચકલીને ચોકકસ બચાવી શકાશે
પહેલાના સમયમાં ચકલી ઘરના સદસ્ય સમાન હતી. પહેલાના આપણા કાચા મકાનો એ ચકલીનું નિવાસસ્થાન હતું. જયારે આજે ગામડાઓમાં પણ પાકા મકાનો બની જતા આજે ચકલીનું રહેઠાણ છીનવાયું છે. ચકલીનું જીવન હવે ટકાવી રાખવા આપણે સઘળા પ્રયાસો કરવા જોઈએ અને તેના માટે આપણે માળાઓ આપણા ઘરમાં બાંધવા જોઈએ. જેથી ચકલી ત્યાં રહી શકે. આજરોજ વિશ્ર્વ ચકલી દિવસ નિમિતે લોકોએ ચકલીને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. દરેકે પોતાના ઘરમાં ચકલી માટે એક માળો રાખવો જોઈએ.
ચકલી દિવસ નિમિતે નવરંગ નેચર કલબનાં પ્રમુખ વી.ડી. બાલાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં ચકલીઓ ખુબ જ જોવા મળતી પરંતુ મકાન બાંધવાની રીત બદલી વર્ષો પહેલા દેશી નળીયા અને ગારાવાળા મકાન હતા જેમાં ખાંચા-ખુંચી હતા. ખુલ્લી ઓસરી અને ઓસરીમાં પુષ્કળ ત્રાંસી છબીઓ રાખતા પંખો પણ ત્યારે નહોતો અને અભેરાયમાં બહેનો વાસણ પણ ઉભા રાખતા. બહેનો પણ ખાસ એવા દયાળુ હતા કે પોતાના ઘરમાં ચકલીના કારણે કચરો ખરતો તો ચલાવી લેતા. ખાસ તો હાલમાં પાકા અને પેક મકાનો, પંખા એ બધુ વિકસવાથી ચકલીનું રહેઠાણ ટળ્યું છે. ચકલીઓમાં આપણે અહીં ઘર ચકલી વધુ જોવા મળે છે કે જેને માણસોની આજુબાજુ રહેવું ખુબ જ ગમે છે. હવે જો ચકલીનું જતન કરવું હોય તો આપણે આપણા ઘરમાં જ પુઠાના માળા બાંધવા જોઈએ. કારણકે ચકલી માળા બાંધી શકતી નથી. ઉપરાંત આપણે માળા રાખીએ તે છાયામાં જ રાખવા જોઈએ. સાથો સાથ બાળકો દેશનું ભાવી છે તો બાળકોને પર્યાવરણ અંગે જાગૃત કરવામાં આવે તો ચકલીની સંખ્યા ઘટતી અટકાવી શકાય. દેશી ભાષામાં કહેવત છે ‘અહિંયા તો ચકલુએ નથી ફરકતું’ તો દરેકના ઘરે ચકલી આવવી જોઈએ.
ઉપરાંત સુપ્રસિઘ્ધ કવિ રમેશભાઈ પારેખે કહ્યું છે કે, ‘મારા ઘરે ચકલી, મારું રજવાડું’ તો આમ બધાનું ઘર રજવાડુ થાય તેવી મહેનત દરેકે કરવી જોઈએ. ખાસ તો ચકલી રાત્રી રોકાણ એક સાથે એક જ ઝાડ પર કરે છે અને રોકાણ માટે તે કાંટાળા ઝાડ પસંદ કરે છે. ગાંડો બાવળ, દેશી બાવળ, ગોરશ આંબલી, ઓગનવેલમાં ચકલી રોકાવાનું પસંદ કરે છે. ૨૦ માર્ચ વિશ્ર્વ ચકલી દિવસ નિમિતે લોકોને સંદેશો આપતા જણાવ્યું કે, આજરોજ આપણે ચકલી માટે કામ કરીએ તેનાથી આખુ વર્ષ ચકલી માટે કામ કરવું જોઈએ. ભારતીય પ્રજા લાગણીશીલ છે. સવિશેષ વિદ્યાર્થીને આ વાત ગળે ઉતરે તો આપણે ચકલીને સરળતાથી બચાવી શકીએ. હાલમાં શહેરોમાં મોટો પ્રશ્ર્ન છે કે ફળીયુ નથી. સીધુ ઘર જ આવી જાય છે. તેથી ઘરે રવેશમાં માળા મુકી ચકલીને બચાવવી જોઈએ. ચકલી માટે ચણ અને પાણીની પણ વ્યવસ્થા કરવી જોઈએ તો સૌ કોઈએ ચકલીની સંખ્યા વધારવા તરફ પ્રયાણ કરવું જોઈએ.