જીઓ જી ભરકે: જાહેર ક્ષેત્રની ‘૦’ ડેબ્ટવાળી પ્રથમ કંપની બનશે રિલાયન્સ!
રૂ ૧.૬૧ લાખ કરોડનું દેણુ ડિસેમ્બર મહીનામાં પૂરો કરવાનો મુકેશ અંબાણીનો નિર્ધાર!
પહેલાનાં સમયમાં લોકોની જીવનશૈલી ખુબ જ અલગ જોવા મળતી હતી. પહેલા લોકો દેણુ કરીને પણ ઘી પી લેતા ત્યારે બીજી તરફ પછેડી એટલી સોળ તણાઈ જેવો ઘાટ પણ જોવા મળતો પરંતુ વર્તમાન સમયમાં આ તમામ મુદાઓમાં અનેકગણો બદલાવ આવ્યો છે. વિશ્ર્વની કોઈપણ નામાંકિત પબ્લીક લીમીટેડ કંપની હોય કે પછી પ્રાઈવેટ લીમીટેડ કંપની હોય આ તમામ કંપનીઓ પર દેણુ જોવા મળતું જ હોય છે. કોઈપણ પ્રકારે કંપની તેના વિકાસ માટે એટલે કે ડેવલોપમેન્ટ માટે દેણુ કરતી હોય છે પરંતુ એશિયાની સૌથી મોટી રિલાયન્સ વર્ષ ૨૦૨૧ નહીં પરંતુ વર્ષ ૨૦૨૦માં જ સંપૂર્ણપણે દેવામુકત બની જશે તેવો નિર્ધાર રિલાયન્સનાં મુકેશ અંબાણી દ્વારા કરવામાં આવ્યો છે.
હાલનાં સમયમાં કંપનીઓ માટે સર્વાઈવલનો પ્રશ્ર્ન સૌથી મોટો છે જે માટે કંપનીઓ જજુમી રહી છે ત્યારે રિલાયન્સ ઝીરો ડેબ્ટ એટલે કે સંપૂર્ણ દેણામુકત બનવા તરફનું પ્રયાણ અથવા તો કહી શકીએ કે વિકાસ તરફની દોટ રિલાયન્સ દ્વારા આપવામાં આવી છે. ભારતની રિલાયન્સ એકમાત્ર એવી પબ્લીક લીમીટેડ કંપની બની જશે કે જે સંપૂર્ણપણે દેવામુકત હશે. રિલાયન્સ હરહંમેશ કંઈક નવા જ વિચાર સાથે આગળ આવી રહ્યું છે જેનું ઉદાહરણ એ છે કે, ફેસબુક સાથે તેમની બિઝનેસ ડિલ કે જે રિલાયન્સ દેવામુકત કરવા માટે ખુબ જ ઉપયોગી નિવડશે. તાજેતરમાં જ રિલાયન્સ જિયો અને ફેસબુકની વચ્ચે લગભગ ૪૪ હજાર કરોડ રૂપિયાની ડીલ થઈ છે. ૩૦ એપ્રિલે કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના ચોથા ક્વાર્ટરનું રિઝલ્ટ જાહેર કર્યું, સાથે જ લગભગ ૫૩ હજાર કરોડ રૂપિયાનો રાઈટ ઈશ્યૂ લાવવાની જાહેરાત પણ કરી. કંપનીએ ગુરુવારે એમ પણ કહ્યું કે, આવનારા દિવસોમાં હજુ વધુ ડીલ શક્ય છે, જેનો આકાર ફેસબુક-જિયો ડીલની જેવો હશે. તેનાથી કંપનીને દેવાનો બોજ ઓછો કરવામાં મદદ મળશે.
- વૈશ્ર્વિક કંપનીઓ સાથે ડીલ કરી દેણું શૂન્ય કરવા કંપની પ્રયત્નશીલ
રિલાયન્સ કંપની પોતાને ઝીરો ડેબ્ટ કરવા માટે જે પ્રયત્ન કરી રહ્યું છે તેમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે રિલાયન્સ કંપની વૈશ્ર્વિક કંપનીઓ સાથે ડીલ કરવાનાં પ્રયત્નો હાથ ધરી રહી છે જે માટે તે હવે ગુગલ સાથે પણ ચર્ચા-વિચારણા કરી રહી હોવાનું સુત્રો પાસેથી માહિતી મળે છે. એવામાં એ સવાલ મહત્વનો થઈ જાય છે કે, કંપની પર કેટલું દેવું છે કે કંપની તરફથી સતત ડીલ કરવામાં આવી રહી છે, જેનાથી તે દેવાને ઓછું કરી શકે. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર ૨૦૧૯ સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પર લગભગ ૧.૫૩ લાખ કરોડનું નેટ ડેટ હતું. મુકેશ અંબાણીએ ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી નેટ ડેટ ઝીરો કરવાનું લક્ષ્ય રાખ્યું છે ત્યારે કંપની ૨૦૨૦માં ૩૬,૬૨૫ કરોડોની લોન રીપેમેન્ટ કરવાનું પણ જણાવ્યું છે. જોકે, કઈ કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે, તેને લઈને કોઈ પ્રકારની જાણકારી તો નથી આપવામાં આવી, પરંતુ ડીલનો આકાર મોટો હશે તેના સંકેત ચોક્કસ અપાયા છે. આ પ્રકારની ડીલને લઈને ગૂગલની સાથે પણ વાતચીત ચાલી રહી છે.
- વર્તમાન સમયમાં અન્ય કંપનીઓને ટક્યા રહેવા માટે ફાંફાં જ્યારે રિલાયન્સની વિકાસ તરફ દોટ
કોઈપણ ઉધોગ કે ઈન્ડસ્ટ્રી સંપૂર્ણપણે દેવામુકત થવા માટે અનેકવિધ પ્રકારનાં પ્રયત્નો હાથ ધરતું હોય છે પરંતુ કંપનીઓને તેમાં સફળતા નથી મળતી તે પણ એક વાસ્તવિકતા છે જયારે રિલાયન્સ કંપની આ સમય એટલે કે જયારે લોકડાઉનમાં ધંધા રોજગારો બંધ થયા છે તે સમયમાં પણ વિકાસ તરફથી દોટ મુકી છે ત્યારે અન્ય કંપનીઓને સર્વાઈવલમાં પણ ફાફા પડી રહ્યા છે. વિશ્વની સૌથી વધુ વેલ્યુવાળી કંપની
સાઉદી અરામકો રિલાયન્સના ઓઈલ અને કેમિકલ બિઝનેસમાં લગભગ ૨૦ ટકા ભાગીદારી ૧૫ અબજ ડોલર (૧.૧૦ લાખ કરોડ રૂપિયા)માં ખરીદવાની વાત કરી હતી, પરંતુ આ ડીલને લઈને હજુ સંશય જળવાયેલું છે. ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણીએ માર્ચ ૨૦૨૧ સુધી કંપનીને દેવા મુક્ત (ઝીરો નેટ ડટ) કરવાનું લક્ષ્ય રાખ્યું છે અને આ દિશામાં તેઓ ઘણા ઝડપથી આગળ વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર ૨૦૧૯ સુધી રિલાયન્સ પર લગભગ ૧.૫૩ લાખ કરોડનો નેટ ડેટ હતો. તે પછી ૪૪ હજાર કરોડ રૂપિયાની ડીલ ફેસબુક સાથે થઈ છે.