માર્ચ-૨૦૧૯નું ૩-બી રિર્ટન ભરવા ભરવાનાં આજે છેલ્લા દિવસે જ સમસ્યા સર્જાતા સૌરાષ્ટ્ર-કચ્છનાં વેપારીઓ હેરાન-પરેશાન: કાલથી હવે ધરાર દૈનિક રૂ.૫૦ની પેનલ્ટી ભરવી પડશે
રાજકોટ સહિત રાજયભરમાં જીએસટી કાયદો અમલી બન્યાને બે વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો છે. છતાં પણ આજની તારીખે જીએસટીના સર્વરના ધાંધીયા યથાવત રહેવા પામ્યા છે. વારંવાર ટેકનીકલ ક્ષતિના કારણે કનેક્ટિવીટી ખોરવાઈ જવાથી જીએસટીનું સર્વર ગમે ત્યારે ઠપ્પ થઈ જાય છે. જેના કારણે ખાસ કરીને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજયભરના વેપારીઓ અને વકીલોને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી જીએસટીનું સર્વર થોડુ સરખુ ચાલતું હતું. પરંતુ ફરી જીએસટીના સર્વરને નજર લાગી ગઈ હોય તેમ આજે સવારથી જીએસટીનું સર્વર ફરી એકવાર ઠપ્પ થઈ જતાં વેપારી અને વકીલ આલમમાં ભારે દેકારો બોલી ગયો છે. સર્વર ઠપ્પ થઈ જવાના કારણે જીએસટીની મોટાભાગની કામગીરી ખોરવાઈ જતાં ખાસ કરીને વેપારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.
આ અંગેની જીએસટી બાર એસો.ના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ ગત માર્ચ ૨૦૧૯નું ૩-બી રીર્ટન ભરવાની આજરોજ છેલ્લી તારીખ છે અને હજુ પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના લગભગ ૫ હજાર જેટલા વેપારીઓને આ રીર્ટન ભરવાના બાકી છે. બરોબર ત્યારે જ આજ સવારથી જીએસટીનું સર્વર ઠપ્પ થઈ જતાં ભારે હોબાળો મચી ગયો છે. વેપારી આલમના જણાવ્યા પ્રમાણે તંત્રના કારણે વારંવાર સર્વર ઠપ્પ થઈ જાય છે. જેથી નાછુટકે વેપારીઓને રોજની રૂ.૫૦ની પેનલ્ટી ભરવાનો વખત આવે છે.
વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વર્ષ ૨૦૧૭-૧૮માં જે વેપારીને ખરીદી લેવાની બાકી રહી ગઈ હોય તેઓએ માર્ચના રીર્ટનમાં ખરીદી દર્શાવવી જરૂરી છે. જો વેપારી આ ખરીદી આજરોજ નહીં લઈ શકે તો ટેકનીકલ પ્રશ્ન પણ ઉભો થશે કે, ક્રેડીટ મળશે કે નહીં? વેપારી અને વકીલ આલમ હૈયાવરાળ ઠાલવતા જણાવે છે કે, જીએસટી કાયદાને અમલ થયાના હવે બે વર્ષ થઈ ગયા છે. છતાં પણ હજુ જીએસટીનું સરકારી સર્વર વારંવાર ઠપ્પ થઈ જવાની સમસ્યા યથાવત છે જેના કારણે વેપારી આલમને ધરાર દંડાવાનો વખત આવે છે.