કાનમાં બુટ્ટી પહેરવી એ સ્ત્રી શૃંગારમાં ઘણું મહત્વ ધરાવે છે. હવે તો છોકરાઓ પણ કાનમાં નંગ પહેરતા થઈ ગયા છે. યુવાનોમાં એક કાન વીંધાવવાનું ચલણ વધ્યું છે કેમ કે એ લેટેસ્ટ સ્ટાઇલ-સ્ટેટમેન્ટ ગણાય છે. જો તમને કાન વીંધાવનારા છોકરાઓ બહુ વરણાગી લાગતા હોય તો તમને જાણીને નવાઈ લાગશે કે આપણાં પૌરાણિક શાસ્ત્રો અને વિજ્ઞાન એક કાન નહીં બન્ને કાન વીંધવાની સલાહ આપે છે.
તેમને ડિસીઝથી બચાવવા માટે પણ વીંધવા જોઈએ. સુશ્રુતે આ પ્રક્રિયા બહુ જ કાળજીપૂર્વક કરવી જોઈએ એવું કહ્યું છે. સામાન્ય રીતે બાળક છ કે સાત મહિનાનું હોય ત્યારે કાન વીંધવાની પ્રક્રિયા થવી જોઈએ. માણસ જન્મે અને મૃત્યુ પામે એ વચ્ચેના ગાળામાં ૧૬ મુખ્ય સંસ્કારવિધિ કરવાનું કહેવાયું છે. એમાંની એક છે કાન વીંધવાની પ્રક્રિયા. આયુર્વેદમાં એને કર્ણવેધ કહેવાય છે. પૌરાણિક કાળમાં મનાતું હતું કે બાળકમાં આસપાસના પવિત્ર અવાજનાં સ્પંદનો સાંભળવાની શક્તિ ખીલે એ માટે આ પ્રક્રિયા જ‚રી છે.
આયુર્વેદમાં કર્ણવેધ સહિત કુલ ૧૬ સંસ્કારો આપવાની વાત કહેવાઈ છે. આ કોઈ માત્ર ઠાલી પરંપરાઓ કે શોખ ખાતર કરવાની વિધિઓ નથી. બોરીવલીના આયુર્વેદાચાર્ય પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘સુશ્રુત સંહિતામાં એવી પ્રક્રિયાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે થયા પછી શું કરવું એ તો બતાવે જ છે, પણ ન થાય એ માટે શું કરવું એ પણ જણાવે છે. આમેય આયુર્વેદશાસ્ત્ર આખું પ્રિવેન્ટિવ સાયન્સ છે. કાનના ચોક્કસ પોઇન્ટ્સને વીંધવાથી આંખો, અસ્થમા અને બહેનોની માસિકને લગતી સમસ્યાઓનું આગોતરું નિવારણ થઈ શકે છે.’
વિવિધ પૌરાણિક ચિકિત્સા પદ્ધતિઓના જાણકાર અને ઍક્યુપંક્ચરિસ્ટ ડો. જાસ્મિન મોદી કહે છે, ‘સૌથી પહેલાં તો એ સમજવું જ‚રી છે કે આપણી જૂની ચિકિત્સાપદ્ધતિઓ પ્રિવેન્ટિવ સાયન્સ પર આધારિત હતી. એમાં ક્યોરેટિવ સાયન્સ કરતાં પ્રિવેન્ટિવ પગલાને વધુ મહત્વ અપાતું.
જન્મ પછી જીવનના વિવિધ તબક્કે શું તકલીફો આવી શકે એમ છે એનો વિચાર કરીને આગોતરા નિવારણ માટે ચોક્કસ વિધિ, પરંપરા, પ્રક્રિયાઓ નિર્માણ થયેલી. કાન વીંધવાની પ્રક્રિયા પણ એમાંની એક છે. જરા સાદી ભાષામાં સમજીએ તો આપણું શરીર પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ એમ પાંચ મહાભૂતોનું બનેલું છે. આ પાંચ મહાભૂતોને જીવંત બનાવતી એનર્જી એટલે યિન અને યેન્ગ. આ બે ઑપોઝિટ એનર્જી છે જેનું બોડીમાં હંમેશાં સંતુલન રહેવું જોઈએ. જ્યારે આ એનર્જીમાં ગરબડ થાય છે.
ત્યારે ઇમોશનલ, ફિઝિકલ, મેન્ટલ સમસ્યાઓ પેદા થાય છે. યિન એટલે ફીમેલ અને યેન્ગ એટલે મેલ. બન્નેમાં આ એનર્જીનું સંતુલન હોવું અતિઆવશ્યક છે. ઍક્યુપંક્ચરનું શાસ્ત્ર આ એનર્જી સંતુલન પર બનેલું છે. કાન વીંધવાની પ્રક્રિયા અત્યંત કોમળ વયે શરીરમાં યિન અને યેન્ગને બેલેન્સ કરવા માટે છે.
તમે કાન ન વીંધાવો તો કદાચ તરત તો કોઈ તકલીફ નહીં જણાય, પરંતુ છોકરું મોટું થાય ત્યારે કે ઈવન પુખ્ત વયે એનર્જી બેલેન્સની સમસ્યા વર્તાવા લાગે એવું બને. ઘણી વાર મમ્મી ફરિયાદ કરતી હોય છે કે મારો દીકરો બહુ જિદ્દી થઈ ગયો છે. તો બની શકે કે એ વખતે તેના બોડીમાં યેન્ગ એનર્જી વધી હોય અથવા તો યિન નબળી હોય.’યિન અને યેન્ગ એનર્જીની જ વાત કરીએ તો એ આપણા આખા શરીરમાં ફેલાયેલી છે.