માણસનું મનોબળ મજબૂત હોય તો કોઈ શારીરિક અવરોધો એની પ્રગતિમાં બાધારૂપ બની શકતા નથી. આવા જ સોરઠના પ્રજ્ઞાચક્ષુ સંતાન ભાર્ગવ વઘાસિયાએ સોફ્ટવેર એન્જીનીયર જેટલું જ્ઞાન ધરાવતો કમ્પ્યુટર એક્સપર્ટ બન્યો. અને બેંગલુરુની એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મેળવી, રૂ. 90 હજારનો પગાર તો મેળવતો થયો, સાથોસાથ પોતાની ટીમમાં બીજા 10 પ્રજ્ઞાચક્ષુ યુવાનોને સામેલ કર્યા.
જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં શિક્ષક તરીકે નોકરી કરતા હરસુખભાઈ વઘાસિયાનો દીકરો ભાર્ગવ 10 વર્ષનો થયો, ત્યારે એની આંખોની રોશની ઓછી થવા લાગી. ભારતભરના આંખના નિષ્ણાત ડોકટરોને બતાવ્યું પણ કોઈ ફેર પડતો નહોતો. દિવસે દિવસે દ્રષ્ટિ ઝાંખી થતી ગઈ અને ભાર્ગવ 10માં ધોરણમાં આવ્યો ત્યારે સંપૂર્ણ દ્રષ્ટિહીન થઈ ગયો.
ભાર્ગવની દ્રષ્ટિ જતી રહી પણ હિંમત અકબંધ હતી. મેંદરડામાં જ અભ્યાસ આગળ ચાલ્યો અને 12માં ધોરણમાં પ્રજ્ઞાચક્ષુ ભાર્ગવ 99.81 પી.આર. સાથે સમગ્ર મેંદરડા કેન્દ્રમાં પ્રથમ આવ્યો. માતા-પિતાને પ્રજ્ઞાચક્ષુ દીકરાની કારકિર્દી અને ભવિષ્યની ખૂબ ચિંતા હતી. ત્યારે પિતા હરસુખભાઈએ ભાર્ગવને આપણે આર્ટ્સ રાખીને આગળનો અભ્યાસ કરીએ. તેવી સલાહ આપી પણ ભાર્ગવે મક્કમતાથી કહ્યુ, ના પપ્પા, મને કમ્પ્યુટરના અભ્યાસમાં રસ છે મારે એ લાઈનમાં આગળ વધવું છે.
મન હોય તો માળવે જવાય
બેંગ્લોરની મલ્ટી નેશનલ કંપનીમાં 90 હજારથી વધુ પગાર મેળવતા ભાર્ગવે પોતાની સાથે ગુજરાતના અન્ય 10 પ્રજ્ઞાચક્ષુને સામેલ કર્યા
પિતાને મનમાં થતું હતું કે પ્રજ્ઞાચક્ષુ દીકરો કમ્પ્યુટર કેવી રીતે શીખી શકે અને કામ કરી શકે ! પણ દીકરાની ઈચ્છા મુજબ જ ભણાવવો હતો એટલે પ્રજ્ઞાચક્ષુને કમ્પ્યુટરનો ડીગ્રી કોર્સ કરાવે એવી કોલેજની શોધ આદરી. ત્યારે ગોંડલની એમ.બી.કોલેજમાં ચાલતા બી.સી.એ.ના કોર્સમાં એડમિશન આપીને પ્રજ્ઞાચક્ષુ ભાર્ગવને ભણાવવાની કોલેજના પ્રોફેસરોએ તૈયારી બતાવી એટલે ત્યાં એડમિશન લઈ લીધું. હરસુખભાઈ પોતાની નોકરીને કારણે મેંદરડામાં એકલા રહ્યા અને પત્ની રીટાબેનને ભાર્ગવ સાથે ગોંડલ મોકલી આપ્યા. રીટાબેન રોજ દીકરાને કોલેજ લેવા-મુકવા માટે જતા. બી.સી.એ.ના ત્રણ વર્ષના અભ્યાસ દરમ્યાન ભાર્ગવે કમ્પ્યુટર સોફ્ટવેર તૈયાર કરવાની બાબતમાં માસ્ટરી મેળવી.
આંખેથી દેખાતું ન હોવા છતાં ભાર્ગવે તૈયાર કરેલી મોબાઈલ એપ્લીકેશન કે વેબસાઈટ જોઈ સૌ કોઈ પ્રભાવિત થતા. ભાર્ગવ કદાચ ગુજરાતનો પહેલો એવો છોકરો હતો જે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં સોફ્ટવેર એન્જીનીયર જેટલું જ્ઞાન ધરાવતો કમ્પ્યુટર એક્સપર્ટ બન્યો.
બાદમાં બેંગલુરુની એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી માટેની ઓફર મળી. બંને આંખે દેખાતું હોવા છતાં આપણે રાજ્ય બહાર નોકરી કરવા જવા તૈયાર નથી પણ ભાર્ગવ એકલો બેંગ્લોર જવા તૈયાર થયો. જે કંપનીમાં એને જોબ મળી એમાં ભાર્ગવ એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ કર્મચારી હતો. પોતાના અસાધારણ કામ દ્વારા એણે સાબિત કરી આપ્યું કે દ્રષ્ટિહીન માણસ પણ કમ્પ્યુટરનું બધું જ કામ કોઈપણ જાતની ભૂલ વગર કરી શકે છે. દેખાવમાં સ્માર્ટ લાગતો ભાર્ગવ કામમાં એનાથી પણ વધુ સ્માર્ટ છે. ભાર્ગવે બેંગલુરૂમાં પોતાની ટીમમાં બીજા 10 પ્રજ્ઞાચક્ષુ યુવાનોને સામેલ કર્યા જેમાં ગુજરાતના યુવાનોનો પણ સમાવેશ થાય છે. બેંગલુરૂમાં ભાર્ગવ પેઇંગ ગેસ્ટ તરીકે એકલો જ રહે છે અને જ્યારે વતનમાં આવવાનું હોય ત્યારે એકલો જ આવે જાય છે. કંપનીમાથી મળતો પગાર અને પોતાના બીજા વ્યક્તિગત કામ દ્વારા ભાર્ગવ મહિને રૂ. 90 હજારથી પણ વધુ કમાઈ લે છે.