- એસપીજી, એનએસજી, બીડીડીએસ સ્કવોડ તેમજ પોલીસ કમિશ્નર – એડિશનલ સીપી, 13 એસપી કક્ષાના અધિકારીઓ સતત ખડેપગે રહેશે
- વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન 76 જેટલા એસઆરપીના જવાનો પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે
રાજકોટ ન્યૂઝ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેમજ ચકલું પણ ન ફરકી શકે તે પ્રકારનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જે બંદોબસ્તમાં કુલ 3992 જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓ સતત ખડેપગે રહેનાર છે.
પોલીસ દ્વારા જાહેર કરાયેલી વિગત મુજબ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન એક પોલીસ કમિશનર, એક એડિશનલ પોલીસ કમિશનર, 13 એસ.પી., 24 ડીવાયએસપી અને 64 જેટલાં પીઆઈ બંદોબસ્તમાં સતત હાજર રહેશે. ઉપરાંત 218 જેટલા પીએસઆઇ, 2450 જેટલા એએસઆઈ-હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ વડાપ્રધાનના કાર્યક્રમ અનુસંધાને સતત ખડે પગે રહીને ચાપતો બંદોબસ્ત ગોઠવશે. તે ઉપરાંત ટ્રાફિક મેનેજમેન્ટ માટે 591 જેટલા ટ્રાફિક વોર્ડન હાજર રહેશે. તેમજ 554 જેટલા હોમગાર્ડ પણ સતત વડાપ્રધાનના કાર્યક્રમ પ્રવાસ દરમિયાન ખડે પગે રહેશે અને ટ્રાફિક નિયમન સહિતની વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થશે. વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન 76 જેટલા એસઆરપીના જવાનો પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે. તેમજ સુરક્ષા અર્થે સ્પેશિયલ ટીમ તરીકે એસપીજી, એનએસજી બીડીડીએસની ટીમ પણ સતત હાજર રહેશે.
બાયનોક્યુલર, સીસીટીવી અને બોડીવોર્ન કેમેરાથી રખાશે બાજ નજર
પોલીસ દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ દ્વારા બાયનોક્યુલર, બોડીવોર્ન કેમેરા અને સીસીટીવી કેમેરા મારફત બાજ નજર રાખવામાં આવનાર છે. આ ઉપરાંત એચએચએમડી, ડીએફએમડી, વરુણ, વ્રજ, બેગેજ સ્કેનર જેવા અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ પોલીસ દળ સતત વડાપ્રધાનની સુરક્ષામાં હાજર રહેનારી છે.