લોકસભાની ચૂંટણીમાં મળેલા કારમા પરાજયનું મહામંથન કરતી કોંગ્રેસ વર્કિંગ કમિટી: રાહુલ સાથે મનમોહન અને પ્રિયંકાની બંધ બારણે બેઠક: અન્ય હોદેદારોએ પણ રાહુલને રાજીનામું આપવા ના પાડી

લોકસભાની ચુંટણીમાં મળેલા કારમા પરાજયનું મહામંથન કરવા માટે આજે રાજધાની દિલ્હી ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. મતગણતરીનાં દિવસે જ પરિણામ બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષપદેથી રાજીનામું આપવાની ઓફર કરી હતી. દરમિયાન આજે સીડબલ્યુસીની મીટીંગ શરૂ થાય તે પૂર્વે જ કોંગ્રેસનાં કેટલાક નેતાઓએ હાલ પક્ષ પાસે કોઈ જ વિકલ્પ ન હોવાનું બહાનું આગળ ધરી રાજીનામું આપતા અટકાવ્યા હતા. પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ અને પ્રિયંકા ગાંધીએ રાહુલ સાથે બંધ બારણે બેઠક યોજી તેમને સમજાવ્યા હતા.

લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસનો રકાશ થયો હતો. પક્ષને મળેલા કારમા પરાજયની જવાબદારી રાહુલ ગાંધીએ સ્વિકારી લીધી હતી. મતગણતરીનાં દિવસે જ પત્રકાર પરીષદને સંબોધયા બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની ઓફર સોનિયા ગાંધી સમક્ષ મુકી હતી. દેશની સૌથી જુની રાજકિય પાર્ટીનું જે રીતે સતત ધોવાણ થઈ રહ્યું છે તેનું મનોમંથન અને પરાજયનું પોસ્ટમોર્ટમ કરવા માટે આજે દિલ્હી ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી.

જેમાં બેઠક શરૂ થાય તે પૂર્વે જ સીડબલ્યુસીનાં કેટલાક નેતાઓએ રાહુલ ગાંધીને અધ્યક્ષપદેથી રાજીનામું આપતા અટકાવ્યા હતા. સીડબલ્યુસીએ એવું કારણ રજુ કર્યું હતું કે, હાલ પક્ષ પાસે કોઈ વિકલ્પ નથી અને હારની જવાબદારી એકલા આપની નહીં પરંતુ તમામની છે એવું તારણ રજુ કરી રાહુલને રાજીનામું આપતા અટકાવી દેવાયા હતા. દરમિયાન પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ અને પ્રિયંકા ગાંધીએ રાહુલ સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત સીડબલ્યુસીનાં કેટલાક નેતાઓએ રાહુલ ગાંધીને અધ્યક્ષપદેથી રાજીનામું ન આપવા માટે પણ સમજાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.