કોંગ્રેસના રાહુલ ગાંધીએ ગુજરાતને ટાર્ગેટ કરીને, બદનામ કરવા માટે કરેલ ટ્વીટ સામે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ તીવ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યુ હતું કે, રાહુલ ગાંધીના ટ્વીટમાં એકપણ શબ્દમાં મૃત્યુ પામેલ લોકો માટે સંવેદના કે શ્રદ્ધાંજલિ નથી. માત્ર રાજકીય રીતે સીલેકટેડ ફિગર લઈને ગુજરાતને ટાર્ગેટ કરવાનો નિંદનીય પ્રયાસ કર્યો છે.
ગુજરાતનો રીકવરી રેટ ૬૯ ટકા છે. જે દેશના એવરેજ અને અન્ય રાજયોના રીકવરી રેટ કરતાં વધુ છે. તેમ છતાં તેને ધ્યાનમાં લીધો નથી. મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત કોંગ્રેસ શાસિત રાજયોમાં કોરોનાના આંકડા, હોસ્પિટલોની પરિસ્થિતિમાં ધ્યાન આપવું નથી અને માત્ર, ગુજરાતને બદનામ કરીને ટાર્ગેટ કરવું છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસના શાસિત રાજયનો મુખ્યમંત્રીઓ સાથે સંપર્ક-સંવાદ કરીને ત્યાંની વધુ બગડેલી પરિસ્થિતિને સુધારવા પ્રયત્ન કરવો જોઈએ.
એકબાજૂ કોંગ્રેસના આઠ ધારાસભ્યો કેન્દ્રીય કોંગ્રેસ નેતૃત્વની નીતિ-રીતિ અને આક્રોશ સામે રાજીનામાં આપી દીધાં છે. બીજીબાજૂ કેન્દ્રીય નેતાઓના ઈશારે પોતાના પરીવાર અને મતવિસ્તારથી દૂર કોંગ્રેસના તમામ ધારાસભ્યોને અપમાનીત હાલતમાં અને અવિશ્વાસના વાતાવરણમાં અલગ અલગ જગ્યાએ રીસોર્ટમાં બંદીવાન થઈને ફરવું પડે છે ત્યારે કેન્દ્રના કોંગ્રેસના કયા નેતાના ઈશારે ગુજરાતના ધારાસભ્યો રાજીનામાં આપી રહ્યાં છે ? તેનું સંશોધન કરવું નથી. કોંગ્રેસની આંતરીક જૂથબંધીને કંટ્રોલ કરવી નથી અને ગુજરાતને ટાર્ગેટ કરવું છે. તે યોગ્ય નથી.