આટકોટમાં કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરતા પીએમ, કાળઝાળ ગરમીમાં પણ મોટી સંખ્યામાં અભિવાદન માટે ઉમટેલી મેદનીનો પ્રધાન સેવકે આભાર માન્યો
ભારતના લોક લાડીલા વડાપ્રધાન, ગુજરાતના પનોતા પુત્ર અને એક વૈશ્ર્વિક નેતા તરીકે ઉભરી રહેલા નરેન્દ્રભાઇ મોદી આજે એક દિવસ માટે માદરે વતન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓએ સવારે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ખાતે પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત માતૃશ્રી કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આશરે 40 કરોડના ખર્ચે તૈયાર થયેલી 200 બેડની આ ચેરિટી હોસ્પિટલનું લોકાર્પણ કરી તેઓએ સૌરાષ્ટ્રવાસીઓને આરોગ્ય ક્ષેત્રે એક મોટી ભેટ આપી છે.
હોસ્પિટલના ઉદ્ઘાટન બાદ તેઓએ એક જંગી જાહેર સભાને સંબોધી હતી. પોતાના લોક લાડીલા નેતાના હોંશભેર વધામણાં કરવા માટે સૌરાષ્ટ્રભરમાંથી 3 લાખથી વધુની મેદની ઉમટી પડી હતી. કાળઝાળ ગરમીમાં પણ પોતાને આવકારવા માટે ઉમટી પડેલી જનતાનો વડાપ્રધાને નતમસ્તક આભાર માન્યો હતો.
હોસ્પિટલના લોકાર્પણ બાદ જંગી જનમેદની સંબોધતા જણાવ્યું હતું કે આજથી આઠ વર્ષ પહેલા તમે મને વિદાય આપી હતી. ગુજરાતની જનતાએ આપેલા સંસ્કારો અને આ માટીની લાક્ષણીકતાના કારણે છેલ્લાં આઠ વર્ષ દરમિયાન ભૂલથી પણ એક પણ એવું કામ નથી કર્યું કે જેના કારણે દેશની જનતાએ નીચું જોવું પડે. પૂ.બાપુ અને સરદાર વલ્લભભાઇ પટેલની પવિત્ર ભૂમિના આ સંસ્કારો છે. બાપુ અને સરદારના સપનાઓનું ગુજરાત બનાવવા માટે ઇમાનદાર પ્રયાસો કર્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે મને આંનદ છે કે આજે આ માતૃશ્રી કે.ડી.પી મલ્ટીસ્પેશિયાલીસ્ટનો શુભારંભ થયો છે. આ હોસ્પિટલ સૌરાષ્ટ્રમાં સ્વાસ્થ સેવાને વધુ સારી બનાવવામાં મદદ કરશે. જયારે સરકારના પ્રયાસમાં જનતાનો પ્રયાસ જોડાય ત્યારે સેવા કરવાની આપણી શક્તિ અનેક ગણી વધી જાય છે. આ આધુનિક હોસ્પિટલ એક ઉત્તમ ઉદાહરણ છે. કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ વાળી એનડીએ સરકાર રાષ્ટ્ર સેવાના આઠ વર્ષ પુરા કરી રહી છે. આજે ગુજરાતની ઘરતી પર આવ્યો છું ત્યારે નતમસ્ક થઇને ગુજરાતની દરેક જનતાનું આદર પુર્વક નમન કરુ છું. ગુજરાતની જનતાએ સમાજમાં કેવી રીતે જીવું, કેવી રીતે લોક કલ્યાણના કામ કરવા તે દરેક વાત શિખવાડી છે તે વાતને કારણે સતત આઠ વર્ષ માતૃ ભૂમિની સેવામાં મે કોઇ કસર બાકી રાખી નથી. આ તમારા સંસ્કાર છે,
આ માટીના સંસ્કાર છે, પૂ.બાપુ અને સરદાર વલ્લભભાઇ પટેલની પવિત્ર ધરતીના સંસ્કાર છે. આઠ વર્ષમાં ભૂલથી પણ કોઇ કામ એવું નથી કર્યુ કે કરવા નથી દીધું જેના કારણે તમારે કે દેશના કોઇ નાગરીકે તેનુ શિર નમાવવું પડે. આ વર્ષોમાં ગરીબની સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ કરવાના કામને પ્રાથમિકતા આપી છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ આ મંત્ર પર ચાલી દેશના વિકાસને નવી ગતી આપી છે.