જન્માષ્ટમીના મેળાના મેદાન માટે અધધધ ૭ લાખ જેવી રકમ અપસેટ પ્રાઇઝ તરીકે નક્કી કરાઇ: દબાણો વચ્ચે લોકમેળાનું આયોજન મુશ્કેલ
આગામી માસમાં ૨૩ તારીખથી જન્માષ્ટમી લોકમેળો યોજાવાનો હોય ત્યારે ધોરાજી મામલતદારની અધ્યક્ષતામાં જે લોકમેળા સમિતિ યોજાય છે તેમના દ્વારા જન્માષ્ટમી મેળાના ગ્રાઉન્ડની મેળો યોજવા માટે ભાડે આપવા જાહેરનિવિદા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ ટેન્ડર કાર્યવાહીની મુદત પૂરી થઇ ગયા હોવા છતાં એક પણ ટેન્ડર રજુ ન થતા તંત્રની ખામીઓ અને નિષ્ફળતાઓ ઉડીને આંખે વળગી હતી.
ધોરાજી જન્માષ્ટમીનો મેળો સારી રીતે અને લોકો સુખ‚પ માણી શકે તેવા હેતુસર રાજકોટ જિલ્લા કલેકટર અને સરકાર દ્વારા ધોરાજી મામલતદારની અધ્યક્ષતા હેઠળ ચીફ ઓફિસર તાલુકા વિકાસ અધિકારી અને આર એન બીના અધિકારીની સાથે લઇ લોકમેળા સમિતિ બનાવવામાં આવી હતી જે સમિતિ સારી રીતે મેળો યોજી શકે લોકો સલામત રીતે આનંદભેર મેળાનો આનંદ માણી શકે તેવા શુભ આશયથી આ સમિતિની રચના કરાઈ હતી પરંતુ સરકારી બાબુઓની બેદરકારી અને આળસને કારણે સમિતિ દ્વારા લોકમેળો યોજાવાની બદલે મેળાના મેદાનની હરાજી અને ટેન્ડર પ્રક્રિયા કરી અન્ય કોઈ આયોજકોને મેળો સંચાલન કરવા માટે સોંપી પોતાની જવાબદારીથી મુક્ત થવા સરકારી બાબુએ પોતાની બુદ્ધિ કામે લગાડી હતી. પરિણામે અગાઉની તુલનાએ ધોરાજી જન્માષ્ટમીનો લોકમેળો ઉતરોતર સારો થવાને બદલે માત્ર નામ પૂરતો થવા લાગ્યો હતો.
ધોરાજી અને જામકંડોરણા આ બંને શહેરો માટે ધોરાજીમાં જન્માષ્ટમીનો લોકમેળો ખૂબ ભવ્યતા ફેર ઉજવાતો હતો અગાઉના સમયમાં લોકમેળાનું આયોજન ધોરાજી નગરપાલિકા તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું હતું ત્યારે લોકમેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોથી લઈને ખૂબ જ સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવતી હતી હાલ જ્યારથી આ લોકમેળો લોકમેળા સમિતિ હસ્તક રાખવામાં આવ્યો છે ત્યારથી માત્ર મેદાન ભારે આપી તેમાંથી થતી આવક સરકારી તિજોરીમાં જમા કરાવી અધિકારીઓ પોતાની જવાબદારીથી હાથ ખંખેરી અન્ય સંચાલકને મેળો સોંપી દેતા હોવાથી મેળામાં નિષ્ફળતા મળતી હોવાનું લોક વ્યાપી સુર ઉઠી રહ્યો છે.હાલ લોકમેળા સમિતિ દ્વારા આગામી જન્માષ્ટમીના મેળાના મેદાન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં સાત લાખ જેવી માતબર રકમ અપસેટ પ્રાઇઝ તરીકે નક્કી કરવામાં આવેલ હોવાથી ટેન્ડરની મુદત પૂરી થઈ એક પણ સંચાલક દ્વારા ટેન્ડર રજૂ કરવામાં આવ્યું ન હતું અને તંત્રની પ્રથમ ગ્રાસે મક્ષિકા અને જેવો તાલ સર્જાયો હતો.
ધોરાજી લોકમેળાના મેદાનમાં એક તરફ હંગામી શાકમાર્કેટ ઉભી હોય બીજી તરફ મેળાના મેદાનમાં પશુપાલકો નું દબાણ અને ભંગાર ના વ્યવસાય સાથે જોડાયેલા ઇસમો દ્વારા દબાણ હોય તેમજ આખું મેદાન પાણી અને ગારો કીચડથી ખદબદતું હોય ત્યારે આવા મેદાન માટે સાત લાખથી વધારે રકમ આપી મેળાનું આયોજન કોણ કરે ?
આ ઉપરાંત ટેન્ડરની શરતોમાં જણાવેલ કે મેદાન ભાડે રાખનારે ગ્રાઉન્ડ સાફ કરાવવું વીજળીની વ્યવસ્થા કરવી પાણીની વ્યવસ્થા કરવી તેમજ સલામતી અંગેની વ્યવસ્થા કરવી જો આ તમામ પ્રકારની વ્યવસ્થા મેદાન ભાડે રાખનારે કરવી પડતી હોય તો તંત્રની શું જવાબદારી માત્ર સરકારી તિજોરીમાં પૈસા ભરવાની છે તેવી લોકોની રજૂઆત છે. ધોરાજીના નગરજનોની લાગણી મુજબ જન્માષ્ટમી લોકમેળો જેનું મેદાન ભાડે આપવાની બદલે લોકમેળા સમિતિ દ્વારા લોક મેળો યોજવામાં આવે અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મેળો યોજાઇ એવી લોકોની માંગ છે.