તમામ ઔદ્યોગિક વિસ્તારોમાં 100% વેક્સિનેશન માટે ઝુંબેશ ચલાવવાનો નિર્ધાર
ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી જિલ્લા તેમજ મહાપાલિકાના આરોગ્ય વિભાગ તેમજ ખાનગી હોસ્પિટલો ચલાવશે વેક્સિનેશન ડ્રાઈવ: જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
કોરોનાની સંભવિત ત્રીજી લહેર શરુ થાય તે પહેલા રાજકોટ ઝોનમાં સમાવિષ્ટ તમામ ઔદ્યોગિક વસાહતો સાથે સંકળાયેલા શ્રમિકો, કમર્ચારીઓ સહીત તમામ લોકોનું રસીકરણ પૂર્ણ કરવા કલેકટર અરુણ મહેશ બાબુએ અનુરોધ કર્યો છે. કલેકટર કચેરી ખાતે આયોજિત બેઠકમાં ઉપસ્થિત જિલ્લા તેમજ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના અધિકારીઓને દિશાનિર્દેશ આપતા કલેકટરએ વિવિધ વસાહતોમાં ખાસ ડ્રાઈવ યોજી રસીકરણથી એકપણ વ્યક્તિ બાકી ન રહે તે માટે ખાસ ઝુંબેશ ઉપાડી વહેલામાં વહેલીતકે વેક્સિનેશન પૂર્ણ કરવા એક્સન પ્લાન ઘડવા જણાવ્યું હતુ.
કલેકટર ખાતે આયોજિત બેઠકમાં વિવિધ ઇન્ડસ્ટ્રીયલ ઝોનના પ્રતિનિધિઓ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે તેઓના ક્ષેત્રમાં આવતી ઈન્ડસ્ટ્રીઝમાં કર્મચારીઓ, શ્રમિકોને વેક્સિનેશન માટે જરૂરી સહયોગ આપવા ખાત્રી ઉચ્ચારી હતી.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી કિશોર મોરીના જણાવ્યા મુજબ રાજકોટ જી.આઈ.ડી. સી., શાપર વેરાવળ, લોઠડા, હડમતાળા સહિતના ઔદ્યોગિક ઝોનમાં આ પૂર્વે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રસીકરણનો લાભ લીધો છે. આ સાથે ઔદ્યોગિક એકમો દ્વારા ખાનગી હોસ્પિટલમાં વેક્સિનેશન ગતિમાન થાય તે માટે કલેકટરશ્રી અરુણ બાબુએ ઉપસ્થિત ખાનગી હોસ્પિટલ્સના પ્રતિનિધિઓને તમામ સહયોગની ખાત્રી આપી હતી.
કલેકટર કચેરી ખાતે આયોજિત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીદેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર કેતન ઠક્કર, વિભાગીય નિયામક ડો. રૂપાલીબેન મહેતા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ શાહ, મહાનગરપાલિકા આરોગ્ય અધિકારી ડો. વામજા, રાજકોટ એન્જીનીયરીંગ એસો., રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, આજી જી.આઈ.ડી.સી., શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન, હડમતાળા ઇન્ડસ્ટ્રીઝ, રોલેક્સ રિંગ્સ, તેમજ વિવિધ ખાનગી હોસ્પિટલ્સના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.