- તંત્રએ આખા જિલ્લામાં માત્ર રાજકોટ શહેરમાં 3 જ સરોવર નવા બનવાનું ચોપડે દર્શાવ્યું, પણ એ ત્રણેય સરોવરનું કામ પણ ઘણા સમય પહેલાથી જ કોર્પોરેશને શરૂ કરી દીધું હતું
- જિલ્લામાં 75 પૈકી 48 અમૃત સરોવરનું કામ શરૂ, વહેલાસર કાર્ય પૂર્ણ કરવા તંત્ર પ્રયત્નશીલ
કેન્દ્ર સરકાર દ્વારા દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાની સૂચના આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અંગે અગાઉ અનેક વખત તંત્રને નિર્દેશ આપ્યા છે. જેને પગલે દરેક જિલ્લાઓમાં 75 અમૃત સરોવર માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજકોટ જિલ્લામાં પણ તંત્ર દ્વારા 75 અમૃત સરોવર જાહેર કરવામાં છે. જો કે તેમાં એક પણ સરોવર નવા બનાવવામાં આવનાર નથી. ચોપડે માત્ર 3 સરોવર જ નવા બનાવવાનું દર્શાવાયું છે. પણ આ સરોવર પણ અગાઉ કોર્પોરેશને જાહેર કરી દીધા હતા. અને તેનું કામ પણ ઘણા સમયથી શરૂ થઈ ગયું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા અમૃત સરોવર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. મિશન અમૃત સરોવર’ને વેગ આપવા માટે અડધો ડઝન કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો કામે લાગ્યા છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હાથ ધરાયેલા આ પ્રોજેક્ટ હેઠળ દેશના દરેક જિલ્લામાં 75 તળાવો બનાવવાનું આયોજન કરાયું છે. અમૃત સરોવરોના નિર્માણમાં કેન્દ્રની સાથે રાજ્ય અને જિલ્લા વહીવટીતંત્રનો સક્રિય હિસ્સો રહ્યો છે. તળાવોના નિર્માણમાં ટેકનિકલ સહયોગ લેવામાં આવશે. જળ સંરક્ષણ માટેની આ અનોખી યોજનાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. જેના અમલીકરણ માટે ગ્રામીણ વિકાસ મંત્રાલયને નોડલ મંત્રાલય તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટમાં રાજકોટ જિલ્લામાં કોઈ નવું તળાવ બનાવવામાં આવનાર નથી. રાજકોટ કોર્પોરેશન દ્વારા અગાઉથી જે 3 સરોવરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. તેને અમૃત સરોવરમાં ગણી લેવામાં આવ્યા છે. બીજી તરફ જુના 72 જે સરોવર છે તેને વિકસિત કરવામાં આવનાર છે. જેની વિગતો જોઈએ તો ધોરાજી તાલુકામાં છત્રાસા, ધોરાજી, ચિચોડ, કલાના, મોટી પરબડી, મોટી મારડ, ગોંડલ તાલુકામાં કમરકોટડા, દેરડી, ગોંડલમાં 2, ભરૂડી, કોલીથડ, શેમલા, જામકંડોરણા તાલુકામાં સજડીયાળી, હરિયાસણ, ખજૂરડા, જસદણ તાલુકામાં શિવરાજપુર, કુંડણી, બરવાળા, પરેવાલા, સાંથળી, વીરનગર, જસદણ, ખારચિયા જામ, ઈશ્વરીયા, વાદોડ, કંઢેવાળીયા, કમલાપુર, મેઘપર, જેતલસર, વીરપુર, જેતપુર તાલુકામાં જેતપુર- નવાગઢ, જૂની સાંકળી, કાગવડ, પ્રેમગઢ, હરિપર, પાંચપીપળા, મોટા ગુંદાળા, કોટડા સાંગાણી તાલુકામાં સતાપર, રાજપરા, અરડોઇ, સોળીયા, લોધિકા તાલુકામાં પીપરડી, રાવકીમાં 2, પડધરી તાલુકામાં કેરાળા, સાલપીપળીયા, ઈશ્વરીયા, ખજૂરડી, હડમતીયા, દોમડા ભાયુના, રાજકોટ તાલુકામાં કુવાડવા, કુચિયાદડ, ધમાલપર, જિયાણા, સાતડા, કથરોટા, કસ્તુરબાધામ, માલિયાસણ, ભાયાસર, ઉપલેટા તાલુકામાં ગઢળા, ભાયાવદર, ખારચિયા, ડુમીયાણી, ભોનયરા, બાંધળી, વનાળા, ઢેઢુકી, ભાડલી, પટીયાળી, અજમેર અને હાથસણીનો સમાવેશ થાય છે.
રાજકોટના અર્બન ફોરેસ્ટના બન્ને રૈયા સ્માર્ટ સિટીના સરોવરને અમૃત સરોવર જાહેર કર્યા
રાજકોટમાં ત્રણ નવા અમૃત સરોવર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બે સરોવર અર્બન ફોરેસ્ટ રામ વનમાં આજી-1 ડેમ હેઠળના છે. જ્યારે અન્ય એક અમૃત સરોવર રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં નિર્માણ પામનાર છે. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય સરોવર અગાઉ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવુએ હતા. અને તેનું કામ અગાઉથી જ શરૂ કરી દેવામાં આવ્યું હતું. પણ પ્રોજેક્ટ આવતા જ તેને અમૃત પ્રોજેક્ટમાં સમાવી લેવામાં આવ્યા છે.
ક્યાં તાલુકામાં કેટલા અમૃત સરોવર
ધોરાજી …………… 6
ગોંડલ …………… 7
જામજોધપુર ……………3
જસદણ …………… 13
જેતપુર …………… 9
કોટડા સાંગાણી…………… 4
લોધિકા …………… 3
પડધરી …………… 6
ઉપલેટા …………… 4
વીંછીયા …………… 8
રાજકોટ …………… 9
રાજકોટ શહેર…………… 3