રાજયભરમાં કોરોના વેકિસનની ભારે અછત સર્જાય છે. જેના કારણે સંભવીત કારોનાની ત્રીજી લહેર સામે લડવામાં એક માત્ર હથિયાર એવી વેકિસનેશનની કામગીરી પર મોટી અસર પડી રહી છે. અનેક શહેરોને જરૂરીયાત મુજબ વેકિસનના ડોઝ ફાળવવામાં આવતા ન હોવાના કારણે વેકિસનેશનની કામગીરી અટકાવી દેવાની ફરજ પડી છે. આજે રાજકોટને કોવીશીલ્ડ કે. કો.વેકસીનનો એક પણ ડોઝ ફાળવવામાં આવ્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન કોર્પોરેશન જૂના સ્ટોકમાંથી હાલ વેક્સિનેશનની કામગીરી ચલાવી રહ્યું છે. કોવીશીલ્ડના હાલ ઉપલબ્ધ 600 ડોઝ બે કોલેજના કેમ્પોને ફાળવી દેવામાં આવ્યા છે. જયારે આરોગ્ય કેન્દ્રો સહિતના સેન્ટરો પરથી માત્ર કો.વેકિસીન આપવામાં આવી રહી છે.
આ અંગે વધુ માહિતી આપતા કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. લલીત વાજાએ જણાવ્યું હતુ કે, શનિવારે રાજય સરકાર દ્વારા રાજકોટને કોવીશીલ્ડના 5 હજાર ડોઝ અને કો.વેકિસનના 10 હજાર ડોઝ ફાળવવામાં આવ્યા હતા. દરમિયાન ગઈકાલે રાજકોટને કોવીશીલ્ડ કે કો.વેકિસનનો એક પણ ડોઝ ફાળવવામાં આવ્યો નથી. હાલ કોર્પોરેશન પાસે કોવીશીલ્ડના 600 અને કો.વેકિસનના 9 હજાર ડોઝ સ્ટોકમાં છે. જે પૈકી કોવીશીલ્ડનાં ડોઝ બે કોલેજોનાં વેકિસનેશન કેમ્પોને ફાળવી દેવામાં આવ્યા છે.
જયારે તમામ 21 આરોગ્ય કેન્દ્ર સિવીલ હોસ્પિટલ, પદ્મ કુંવરબા હોસ્પિટલ, અને ઈએસઆઈએસ હોસ્પિટલ ખાતે વેકિસનેશનની કામગીરી ચાલી રહી છે. જયાં કો.વેકસીનના ડોઝ આપવામા આવ્યા છે. પ્રત્યેક સેન્ટરદીઠ 200 ડોઝ ફાળવવામાં આવ્યા છે. વેકિસના ડોઝ પૂરતા પ્રમાણમાં ફાળવવામાં આવતા ન હોવાના કારણે વેકિસનેશન મહાઅભિયાન પર વિપરીત અસર પડી રહી છે. જો આજે સાંજે રાજકોટને કોવીશીલ્ડ કે કો.વેકિસનના ડોઝની ફાળવણી કરવામાં નહી આવે તો આવતીકલથી શહેરમાં વેકિસનેશનની કામગીરી સજજડ બંધ થઈ જાય તેવી પણ દહેશત ઉભી થવા પામી છે.
6,82,105 લોકોએ લઈ લીધો છે વેક્સિનનો પ્રથમ ડોઝ
રાજકોટમાં ગત 16મી જાન્યુઆરીથી વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આજ સુધીમાં કુલ 6,82,105 લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. જ્યારે બન્ને ડોઝ લેનારા લોકોની સંખ્યાનો આંક 1,63,784 જેવો થવા પામે છે. 45 વર્ષથી 59 વર્ષ સુધીની ઉંમરના વ્યક્તિઓ, હેલ્થ વર્કરો, ફ્રન્ટ લાઈન વોરીયર્સ સહિત કુલ 4,54,271 લોકોએ કોરોનાની વેક્સિન લીધી છે જેમાં 3,08,26 લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ અને 1,46,245 લોકોએ બીજો ડોઝ લીધો છે. જ્યારે 18 વર્ષથી લઈ 44 વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા 3,74,079 લોકોએ પ્રથમ ડોઝ અને 27,539 લોકોએ બન્ને ડોઝ લઈ લીધા છે.
હાલ કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લેનાર લોકોને બીજા ડોઝનો સમય થઈ ગયો છે જેના કારણે વેક્સિનેશન સેન્ટરો પર લોકોની લાઈનો લાગી છે પરંતુ પર્યાપ્ત માત્રામાં જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે થોડા કલાકમાં જ વેક્સિનેશન સેન્ટરો બંધ કરી દેવા પડે છે.
રાજકોટને વેક્સિનનો પુરતો જથ્થો પુરો પાડો: વિપક્ષી નેતાની માંગણી
વેક્સિનના જથ્થાની વિગત રોજબરોજ વેબસાઈટ પર મુકો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ કોવીડ-19 વેક્સીનેશન કેન્દ્રમાં રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં વેક્સીન લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાયા બાદ જ સમય અને એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે ત્યારે રસીકરણ પ્રક્રિયામાં લોકોને આપવાની વેક્સીનનો સ્ટોક ખાલી થઇ જતા ભારે ઉહાપોહ થયો છે અને રસીકરણ કેન્દ્રોમાં અફડાતફડી મચી છે
તેમજ મહાનગરપાલિકા દ્વારા પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા ન રાખેલ હોવાથી તમામ રસીકરણ કેન્દ્રોમાં અવ્યવસ્થા સર્જાઈ છે અને ધક્કામુક્કી અને માથાકૂટ થવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે રસીકરણ કેન્દ્રોમાં જ સોસીયલ ડીસટન્સ નો સંપૂર્ણપણે અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે ત્યારે એક સાંધો ને તેર તૂટે તેવી સ્થિતિ આરોગ્ય વિભાગની અવ્યવસ્થાથી સર્જાઈ છે અને જયારે જાહેરાતો કરવામાં આવે છે ત્યારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે અને રાજકોટની જનતા જોઈ શકે તેવી રીતે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર વેક્સીનનો સ્ટોક દર્શાવવા અને સત્વરે સ્ટોક મંગાવી રાજકોટની જનતાને વેક્સીન આપવાની માંગણી વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીએ જણાવ્યું હતું.