રાજ્યસભામાં સ્વાસ્થ્ય મંત્રી ડો.મનસુખ માંડવીયાએ સરકારે નવા વેરીએન્ટ સામે લીધેલા પગલાં વિશે વિસ્તૃત માહિતી આપી
ડેન્ગ્યૂ અને ટીબીની રસી પર કામ ચાલુ છે, એક્સપર્ટ ઓપિનિયમ બાદ તેની રસી ઉપલબ્ધ કરાશે : સ્વાસ્થ્ય મંત્રીની મહત્વની જાહેરાત
અબતક, નવી દિલ્હી
દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા નવા કોરોના વેરિએન્ટ ઓમિક્રોને વિશ્વભરમાં ફફડાટ મચાવ્યો છે. આ નવા વેરીએન્ટને પગલે ભારતમાં પણ સરકાર એલર્ટ થઈ છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.મનસુખ માંડવયાએ આજે રાજ્યસભામાં રાહતના સમાચાર જાહેર કર્યા હતા. તેઓએ કહ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાનો નવા ઓમિક્રોન વેરિએન્ટનો એક પણ કેસ નોંધાયો નથી.
કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનની વિશ્વભરમાં દહેશત જોવા મળી છે. અનેક દેશોમાં તેના કેસો નોંધાયા છે. આ નવો વેરીએન્ટ અનેક ગણો ઘાતક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેને પગલે ભારતમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પરંતુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આજે રાજ્યસભામાં રાહત આપતા કહ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના ઓમિક્રોન વેરિએન્ટનો કોઈ કેસ નોંધાયો નથી.
આંધ્ર પ્રદેશના ભાજપના ટીજી વેંકટેશનો સવાલ હતો કે નવા વેરિએન્ટ ઓમિક્રોન અંગે સરકાર શું કરી રહી છે. જેના પર સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ઓમિક્રોન વેરિએન્ટ અત્યાર સુધીમાં 14 દેશોમાં મળી આવ્યો છે. ભારતમાં હજુ તેનો કોઈ કેસ નથી આવ્યો. આ અંગે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જીનોમિંગ સીક્વેન્સિંગ કરાઈ રહ્યું છે. તેનાથી બચાવને લઈને નિયમોનું પાલન થઈ રહ્યું છે. તે અંગે તમામ તૈયારીઓ થઈ રહી છે. આપણી પાસે સંસાધનોની કમી નથી આથી આપણે કોઈ પણ સ્થિતિને પહોંચી વળી શકીએ છીએ. કેન્દ્ર સરકાર તરફથી કોવિડને પહોંચી વળવા માટે દરેક શક્ય પ્રયત્ન કરાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનું કહેવું છે કે ડેન્ગ્યૂ અને ટીબીની રસી પર કામ ચાલુ છે. એક્સપર્ટ ઓપિનિયમ બાદ જ રસી ઉપલબ્ધ કરાશે. દર વર્ષે ટીબીના 21-22 લાખ કેસ સામે આવે છે. તે માટે સરકાર કામ કરી રહી છે. કોવિડ દરમિયાન ટીબીના કેસ ઓછા સામે આવ્યા હતા. પરંતુ અમે આમ છતાં પ્રયત્નો ચાલુ રાખ્યા છે. આ માટે રસી પર કામ ચાલુ છે. અમે નક્કી કર્યું છે કે ટીબીને દેશમાંથી બહાર કરવો છે. આ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બેસ્ટ પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. દવાઓ અપાઈ રહી છે. દર્દી કુપોષિત ન થાય તે માટે દર્દીને દર મહિને 500 રૂપિયા અપાઈ રહ્યા છે. 2025 પહેલા ટીબીને ખતમ કરવાનો પ્રયત્ન છે. આ બાજુ ભાજપના સાંસદ રૂપા ગાંગુલીએ કહ્યું કે કોવિડ એપ અને આરોગ્ય સેતુની જેમ ટીબી માટે પણ એક એપ શરૂ કરવી જોઈએ. જેથી કરીને લોકોને ટીબી સંલગ્ન માહિતી ઉપલબ્ધ થઇ શકે.